WhatsApp New Feature: મેટા કંપની હાલમાં વોટ્સએપ માટે એક નવું ફીચર લાવી રહી છે. આ ફીચરની મદદથી યુઝર્સ ફોટો ઓથેન્ટિક છે કે નહીં તે સર્ચ કરી શકશે. આ ફીચરને ‘ઈમેજ સર્ચ ઓન વેબ ફીચર’ કહેવામાં આવી રહ્યું છે. યુઝર્સ વોટ્સએપ પરથી ઇમેજને સર્ચ કરી શકશે અને આક આક એડિટ કરવામાં આવ્યું છે કે નહીં, તેમજ તેની વિશ્વસનિયતા કેટલી છે તે જાણ કરી શકશે. આ ફીચર હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે.
કેવી રીતે ઉપયોગ કરશો?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં ઇમેજ ઓપન કરવાની રહેશે. ઇમેજ ઓપન કર્યા બાદ જમણી બાજુ ઉપરના થ્રી-ડોટ મેન્યૂ પર ક્લિક કરવાનું રહેશે. મેનૂમાં ‘સર્ચ ઓન વેબ’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ એક પોપ-અપ વિન્ડો ઓપન થશે અને એમાં ‘સર્ચ’ પર ક્લિક કરવાનું રહેશે. આ ક્લિક કરતાં જ ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ શરૂ થઈ જશે. ફોટો ગૂગલ પર મોકલવામાં આવશે અને તેને ઓનલાઇન શોધવામાં આવશે. આ ઇમેજ ઓનલાઇન છે કે નહીં તે યુઝર્સને જણાવવામાં આવશે, તેમજ જો એમાં એડિટીંગ કરવામાં આવ્યું હશે તો પણ યુઝર્સ તે જાણી શકશે. સાથે જ વોટ્સએપ દ્વારા જણાવાયું છે કે ગૂગલને જે ફોટો મોકલવામાં આવે છે તે પ્રાઇવેટ રહેશે અને મેટા કંપની પણ તેને જોઈ નહીં શકે.
ફીચરની ઉપયોગિતા
આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં ઘણા ફોટો અને વીડિયો વાઈરલ થતા રહે છે. ઘણી સેલિબ્રિટીઝના ડીપફેક વીડિયો પણ આવે છે અને આથી ઘણા લોકો સાથે આ રીતે ફ્રોડ પણ થઈ રહ્યો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ ફીચર ખૂબ જ ઉપયોગી છે. એનાથી ફોટોની વાસ્તવિકતા શું છે તે જાણી શકાય છે. વોટ્સએપ પર આવતા દરેક ફોટોમાં કેટલું તથ્ય છે તે પણ યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરીને ચકાસી શકશે. મેટા કંપની ઇચ્છે છે કે તેમના યુઝર્સને આ ફોટો માટે બીજી એપ્લિકેશન ઓપન કરવાની જરૂર ન પડે અને ફોટોને અપલોડ કરીને ચકાસવાની તકલીફ ન થાય, આથી વોટ્સએપમાં જ આ ફીચર આપવામાં આવ્યું છે.
વિશ્વસનિયતામાં વધારો
ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખોટી માહિતી ફેલાય છે. તે માહિતી સાચી છે કે ખોટી તેની વિશ્વસનિયતા જાણવા માટે યુઝર્સ પાસે એક ટૂલ હોવું જરૂરી છે. આ સાથે જ કયો યુઝર કેટલી માત્રામાં ખોટી માહિતી મોકલે છે તે પણ ચેક કરી શકાશે. જો ખોટી માહિતી હશે તો યુઝર્સ તેને આગળ ફૉરવર્ડ પણ નહીં કરે. આથી વોટ્સએપ પર આવતા ફોટોની વિશ્વસનિયતામાં પણ વધારો થશે.
આ ફીચર હાલમાં બીટા વર્ઝનનો ઉપયોગ કરનારા એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જો કે, એક વાર આ ફીચર લૉન્ચ થયા બાદ ખોટી માહિતી ફેલાવાની શક્યતા અટકી શકે છે. વોટ્સએપ દ્વારા આ ફીચર યુઝર્સની સરળતા અને જાગરૂક્તા બન્નેને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે.