ખેડા એ.સી.બી. દ્વારા લાંચના ગંભીર ગુનામાં ત્રણ સરકારી કર્મચારીઓ સામે ગુનો દાખલ

નડિયાદ/ખેડા : રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી આગળ વધારતા એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) ખેડા એકમે લાંચના ગંભીર ગુનામાં ત્રણ સરકારી કર્મચારીઓ સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી તરીકે સરકાર તરફેથી શ્રી જે. આઈ. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એ.સી.બી. પોલીસ સ્ટેશન, નડિયાદ દ્વારા તા. 17/12/2025ના રોજ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કેસમાં આરોપીઓ તરીકે (1) રણજીતસિંહ શીવાજી ઝાલા – તત્કાલીન હોદ્દો અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (બ.નં. 953, વર્ગ-03), તત્કાલીન નોકરી કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન, જી. ખેડા; (2) રાજેશભાઈ ભીખાભાઈ બારૈયા – તત્કાલીન હોદ્દો આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (બ.નં. 281, વર્ગ-03), તત્કાલીન નોકરી કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન; તથા (3) રાજેન્દ્રકુમાર પરબતસિંહ ગઢવી – હોદ્દો જી.આર.ડી. (બિન વર્ગીકૃત), તાલુકા રજી.નં. 02, કપડવંજ, તત્કાલીન નોકરી કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન, જી. ખેડા—ના નામો સામેલ છે.

કેસની ટૂંકી વિગત મુજબ, ફરિયાદી અરજદાર તા. 17/04/2021ના રોજ પોતાની ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરી મોડાસાથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા. ખેડા જિલ્લાના રેલીયા પોલીસ ચેક પોસ્ટ પાસે ઉપરોક્ત આરોપીઓએ ટ્રક અટકાવી ચેકિંગ કર્યું અને ટ્રક તથા માલસામાનના કાગળો માંગ્યા. કાગળો ન હોવાથી આરોપીઓએ ટ્રક જપ્ત કરવાની અને કેસ કરવાની વાત કરી. બાદમાં કેસ ન કરવા બદલ શરૂઆતમાં રૂ. 5 લાખની લાંચની માંગણી કરવામાં આવી.

ફરિયાદી દ્વારા રકઝક અને વિનંતી બાદ લાંચની રકમ રૂ. 1 લાખ પર નક્કી થઈ હતી. અંતે આંગડીયા પેઢી મારફતે રૂ. 80,000 અને ફોનપે દ્વારા રૂ. 10,000 મળી કુલ રૂ. 90,000/- લાંચ તરીકે સ્વીકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લાંચની માંગણી તથા સ્વીકારની તારીખ તા. 17/04/2021 દર્શાવવામાં આવી છે.

મહત્વનું એ છે કે ફરિયાદીએ લાંચની માંગણી અને લેવડ-દેવડ સંબંધિત વાતચીત પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી હતી. આ રેકોર્ડિંગની સી.ડી. રજૂ થતાં એ.સી.બી. દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસ દરમિયાન દસ્તાવેજી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાઓ પ્રાપ્ત થયા છે, જે પરથી આરોપીઓએ હેતુલક્ષી વાતચીત કરી લાંચ લીધી હોવાનું સ્પષ્ટપણે સાબિત થયું છે.

એ.સી.બી.ના જણાવ્યા મુજબ, ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ પરસ્પર સહયોગથી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી રાજ્ય સેવક તરીકે શોભે નહીં તેવું કૃત્ય કર્યું છે અને ગુનાહિત ગેરવર્તણૂક આચરી છે. આથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન શ્રી ડી.એન. પટેલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી., અમદાવાદ એકમ દ્વારા કરવામાં આવી રહી છે. એ.સી.બી.એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહનશીલતા રાખી કાયદાની કડક અમલવારી ચાલુ રહેશે.