નાનાપોઢા–બાલચોંડીમાં ‘પ્રેરણા – સફળતા તરફનું એક સોપાન’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મળ્યો જીવન બદલાવાનો સંદેશ

નાનાપોઢા–બાલચોંડી વિસ્તારમાં શ્રી અંબેમાતા જી.આઈ.ડી.સી. વાપી માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય બાલચોંડી અને અશ્વમેઘ ગ્રુપના સંયુક્ત આયોજન હેઠળ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે “પ્રેરણા – સફળતા તરફનું એક સોપાન” કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રેરણાદાયક વક્તા જીગ્નેશભાઈ શનિશ્ચરાએ લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓને જીવન, અભ્યાસ અને સફળતા અંગે વિચારવા મજબૂર કરે એવું હૃદયસ્પર્શી અને ઉર્જાભર્યું ભાષણ આપ્યું.વક્તવ્યની શરૂઆતમાં જ કોઈ પણ ઔપચારિકતા વગર વિદ્યાર્થીઓને જોરદાર તાળીઓ પાડવા કહ્યું. “હાથ લાલ થઈ જાય એટલી તાળીઓ પાડો, કારણ હું પછી કહીશ,” એવા શબ્દોથી સમગ્ર હોલ ઉત્સાહથી ગુંજી ઉઠ્યો. તેમણે જણાવ્યું કે જીવનમાં સફળતાની શરૂઆત આત્મવિશ્વાસ અને ઉત્સાહથી થાય છે. તાળીઓ માત્ર અવાજ નથી, પરંતુ પોતાની અંદરની શક્તિને જગાડવાનો સંકેત છે.વક્તવ્ય દરમિયાન તેમણે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની શિક્ષણપ્રતિની દૃષ્ટિની વિશેષ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે જે વ્યક્તિ પોતાના વિસ્તારમાં શાળાનું ખાતમુહૂર્ત કરે, આધુનિક શૈક્ષણિક વ્યવસ્થા ઊભી કરે અને ભવિષ્યના સારા નાગરિકો તૈયાર કરવાની ચિંતા કરે, તે માત્ર ધારાસભ્ય નહીં પરંતુ સમાજ ઘડનાર છે. નાનાપોઢા–બાલચોડી વિસ્તારમાં શાળા, હોસ્પિટલ અને વ્યવસ્થાઓમાં દેખાતી સંવેદનશીલતા અને માનવીય ભાવને તેમણે દુર્લભ ગણાવ્યા.શાળાની વ્યવસ્થા, નવી ટેકનોલોજી, એનઈપી મુજબનું શિક્ષણ અને સમર્પિત શિક્ષકોની ટીમને તેમણે વિદ્યાર્થીઓ માટે “આશીર્વાદ” ગણાવ્યા. નવી સિસ્ટમ, ટેકનોલોજી અને શીખવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓનું સંયોજન બને ત્યારે સફળતા અટકાવવી કોઈના હાથમાં નથી—એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે “અનુષ્ઠાન”ની સરળ વ્યાખ્યા આપી—નક્કી સમય, નક્કી સ્થળ અને સકારાત્મક સંકલ્પ સાથે નિયમિત રીતે કરવામાં આવતી પ્રવૃત્તિ. જેમ નવરાત્રીમાં માતાજીની આરાધના રોજ એક જ સમયે અને એક જ ભાવથી થાય છે, તેમ અભ્યાસ પણ અનુષ્ઠાન બની શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર મોટીવેશનથી સફળતા મળતી નથી; સતત મહેનત અને શિસ્ત જરૂરી છે.બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તેમણે આગામી 73 દિવસોને “જીવન બદલાવાનો સમય” ગણાવ્યો. “આજ બપોરે કાર્યક્રમ પૂરો થાય ત્યારથી જ તમારું અનુષ્ઠાન શરૂ થવું જોઈએ,” એમ કહી રોજિંદા અભ્યાસ, પુનરાવર્તન અને આત્મવિશ્વાસ પર ભાર મૂક્યો. “તમને સફળ થવું છે?” એવા સીધા પ્રશ્ને સમગ્ર હોલ “હા”ના અવાજથી ગુંજી ઉઠ્યો.તેમણે જણાવ્યું કે મોટીવેશન તમને ઊભા કરે છે, પરંતુ સફળતા માટે કામ કરવું પડે. ડોક્ટર, ઈજનેર કે કોઈ પણ સફળ વ્યક્તિ સફળ થયા પછી પણ મહેનત છોડતી નથી. જીવન ચાલે ત્યાં સુધી અનુષ્ઠાન અને મહેનત ચાલુ રહેવી જોઈએ—આ જ સફળતાનું રહસ્ય છે.દીકરીઓ માટે ખાસ સંદેશ આપતાં તેમણે કહ્યું કે સફળતાના ઉદાહરણો શોધવા માટે માત્ર જાણીતા નામો સુધી જ સીમિત ન રહેવું જોઈએ. આજુબાજુ અનેક માતાઓ, બહેનો અને દીકરીઓ છે જેમણે મુશ્કેલીઓ વચ્ચે પણ સફળતા હાંસલ કરી છે; તેમની જીવનકથા વિદ્યાર્થીઓ માટે મોટી પ્રેરણા બની શકે છે.વક્તવ્યમાં અંતિમ ભાગમાં તેમણે માતા–પિતાની ભૂમિકા પર ભાર મૂક્યો. “તમારા જીવનની સૌથી મોટી ભેટ તમારા માતા–પિતા આપે છે,” એમ કહી તેમણે વિચાર કરવા કહ્યું કે સાચી ‘રિટર્ન ગિફ્ટ’ શું?—બાળકો સારું ભણે, સારા નાગરિક બને અને પરિવાર તથા સમાજનું નામ ઉજ્જવળ કરે, એ જ સાચી ભેટ છે.કાર્યક્રમમાં મનોજભાઈ પટેલ ( અશ્વમેઘ કેમ્પસ ડાયરેક્ટર), ડૉ. દિવ્યેશભાઈ પટેલ, પી.આઈ.બી.આર. બેરા, ડૉ. હિરલબેન ચૌધરી, અનુપભાઈ પટેલ તથા હર્ષદભાઈ પટેલ (મેનેજિંગ ડાયરેક્ટર) સહિત ટ્રસ્ટી મંડળ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી. અંતે આયોજકો દ્વારા તમામ શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

LATEST Post