“માઁ ની કૃપા થાય ત્યારે જીવ શિવ તરફ જાય છે” – પ્રફુલભાઇ શુક્લ

admin

Published on: 20 January, 2026

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


સમગ્ર આદિવાસી સમાજની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા ખેરગામ તાલુકાના જામનપાડા સ્થિત તીર્થધામ સિદ્ધ પીઠ માઁ ઘોડેશ્વરી માવલી માતાના પાવન સાનિધ્યમાં ચાલી રહેલી વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલભાઇ શુક્લની રામકથાના બીજા દિવસે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો હતો. બીજા દિવસે શિવ–પાર્વતી વિવાહનો પાવન ઉત્સવ ભાવભીની ભક્તિ, વેદમંત્રોચ્ચાર અને લોકસંસ્કૃતિના સંગમ સાથે ધામધૂમથી ઉજવાયો હતો. સમગ્ર ધામ પરિસર “હર હર મહાદેવ” અને “જય ઘોડેશ્વરી માતાજી”ના જયઘોષથી ગુંજિત બન્યું હતું.
આ પાવન પ્રસંગ પૂર્વે ગૌરી ગામના સરપંચ શ્રી પ્રકાશભાઇ પટેલ, તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનિલભાઇ પટેલ તેમજ શંકરભાઇ પટેલ રાજપુરી (તલાટી હરિ ઓમ)ના યજમાનપદે બીજા દિવસનો નવચંડી યજ્ઞ વૈદિક વિધિ પ્રમાણે સંપન્ન થયો હતો. યજ્ઞાચાર્ય શ્રી ગુણવંતભાઇ વિપ્ર દ્વારા મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો, જેમાં દેવી ઉપાસના, શક્તિ આરાધના અને લોકકલ્યાણ માટે આહુતિ આપવામાં આવી હતી. યજ્ઞ દરમ્યાન સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ઊઠ્યું હતું.
આ અવસરે સરપંચ શ્રી કોકિલાબેન કરસનભાઇ પટેલ દ્વારા પોથીપૂજન અને વ્યાસપૂજન કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠ પર વિરાજમાન કથાકાર શ્રી પ્રફુલભાઇ શુક્લનું સન્માન કરવામાં આવતા સમગ્ર સભા ભાવવિભોર બની હતી. ભક્તોએ માતાજી તથા રામકથાના દર્શનનો લ્હાવો લઈ પોતાનું જીવન ધન્ય બન્યું હોવાનું અનુભવ્યું.
કથાના પ્રવચનમાં શ્રી પ્રફુલભાઇ શુક્લે અત્યંત મર્મસભર અને આધ્યાત્મિક સંદેશ આપતા જણાવ્યું હતું કે, “માઁ ની કૃપા થાય ત્યારે જીવ શિવ તરફ જાય છે. મા શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે.” તેમણે માતૃત્વ, શક્તિ અને શિવતત્વ વચ્ચેનો અદભૂત સંબંધ સમજાવતા કહ્યું કે મા વિના શિવ નિષ્ક્રિય છે અને શિવ વિના શક્તિ અધૂરી છે. શક્તિ અને શિવનો મિલન જ સમગ્ર સૃષ્ટિનું આધારસ્તંભ છે.
શ્રી શુક્લે વધુમાં કહ્યું કે, “રામની કૃપા થાય તો મૂંગો બોલતો થાય અને પાંગળો પર્વત ઓળંગતો થઈ જાય.” રામાયણના સંદર્ભ સાથે તેમણે સમજાવ્યું કે રામચરિત માનસ માત્ર ઐતિહાસિક ગ્રંથ નથી, પરંતુ તે પરમાર્થ અને આધ્યાત્મિકતાનો મહાગ્રંથ છે. “રામાયણમાં લૌકિકતા કરતાં આધ્યાત્મિકતા વધારે છે,” એમ કહી તેમણે જીવનમાં ધર્મ, કર્મ અને ભક્તિના સંતુલન પર વિશેષ ભાર મૂક્યો.
ગુરુ મહિમાનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું કે, “ગુરુના ચરણની રજથી ગંગા પણ પાવન થાય છે.” ગુરુ વિના જ્ઞાન શક્ય નથી અને ગુરુ કૃપા વિના ભગવાનની પ્રાપ્તિ અધૂરી રહે છે. તેમણે વધુમાં કહ્યું કે, “અણુ એ અણુમાં પરમાત્માનો વાસ છે એવું લાગે ત્યારે સમજવું કે સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે.” બ્રહ્મ વિશે ચર્ચા કરતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “બ્રહ્મ કસોટીનો વિષય નથી, બ્રહ્મ અનુભૂતિનો વિષય છે.”
કથામાં ગિરીજા સ્તુતિ સાથે રામચરિત માનસના બાલકાંડની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. શિવ–પાર્વતી વિવાહના પ્રસંગે પાર્વતીજીની તપસ્યા, શિવજીનું વૈરાગ્ય અને અંતે વિશ્વકલ્યાણ માટે થયેલા દિવ્ય લગ્નનું વર્ણન સાંભળીને ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી. કિશન દવે અને હાર્દક વિપ્ર દ્વારા કાગભુસુન્ડી રામાયણનો ભાવપૂર્ણ પાઠ કરવામાં આવ્યો હતો, જેનાથી કથાનો રસ અને આધ્યાત્મિકતા વધુ ગાઢ બની હતી.
આ કથામાં આસપાસના વિસ્તારો ઉપરાંત દૂર દૂરથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજની પરંપરા, ભક્તિ અને સંસ્કૃતિનું અનોખું દર્શન આ પ્રસંગે જોવા મળ્યું હતું. ભક્તોએ શિસ્તબદ્ધ રીતે કથા શ્રવણ કરી ધર્મલાભ લીધો હતો.
આવતીકાલે રામકથાના પ્રધાન ઉત્સવ તરીકે રામજન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી થવાની છે. આ પ્રસંગે શ્રી ઘોડેશ્વરી મહિલા સખી મંડળની બહેનો દ્વારા ભગવાનનું પારણું ઝુલાવવાની ભાવસભર સેવા કરવામાં આવશે. આ ઉત્સવ માટે આયોજકો દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સમગ્ર વિસ્તાર ફરી એકવાર ભક્તિ, આનંદ અને ઉત્સવના રંગે રંગાઈ જવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.