By:Hardik Patel
વલસાડ જિલ્લાનાં ધાર્મિક અને આધ્યાત્મિક નકશા પર વિશિષ્ટ સ્થાન ધરાવતા વાંકલ ગામે આવનારા દિવસોમાં એક ઐતિહાસિક અને અલૌકિક ધાર્મિક પ્રસંગનું સાક્ષી બનવાનું છે. અહીં પૂજ્ય શિવ કથાકાર શ્રી બટુકભાઈ વ્યાસ (ધરમપુર)ના પવિત્ર સાનિધ્યમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય અને દિવ્ય તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવ અંતર્ગત ૩૧ લાખ રુદ્રાક્ષોથી નિર્મિત ૩૧ ફૂટ ઊંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું ભવ્ય અનાવરણ થનાર હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો છે.

વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું ઐતિહાસિક અનાવરણ
મહાશિવરાત્રિ મહોત્સવ અંતર્ગત મહા વદ ૬, શનિવાર તા. ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે ૨:૩૦ કલાકે “રુદ્રાક્ષધામ”, વાંકલ ખાતે વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું ભવ્ય અનાવરણ થનાર છે. આ પવિત્ર પ્રસંગે પૂજ્ય સંતો, મહંતો, મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં કુમારી બાળાઓના શ્રી વરદ હસ્તે શિવલિંગ અનાવરણ કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી નરેશભાઈ એમ. પટેલ, કેબિનેટ મંત્રીશ્રી (આદિજાતી વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ), ગુજરાત સરકાર તથા પ્રભારી મંત્રી – વલસાડ ઉપસ્થિત રહેશે. સાથે જ શ્રી જે.પી. મોઢા, જોઇન્ટ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર, ગાંધીનગર વિશેષ મહેમાન તરીકે હાજર રહેશે.
અતિથિ વિશેષ અને વિશિષ્ટ ઉપસ્થિતિ
આ ભવ્ય મહોત્સવમાં રાજ્યના અનેક ગણમાન્ય મહાનુભાવો, વહીવટી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જેમાં મુખ્યત્વે માનનીય શ્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી (નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ), શ્રી યુવરાજસિંહ જાડેજા (IPS) જિલ્લા પોલીસ અધિક્ષક, વલસાડ, શ્રી આર.આર. રાવલ (IAS – નિવૃત્ત), પૂર્વ સચિવ – ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, માનનીય શ્રી ધવલભાઈ પટેલ, લોકસભા સાંસદ – વલસાડ-ડાંગ, તેમજ ડૉ. શ્રીમતિ જ્યોત્સનાબેન યાજ્ઞિક, પૂર્વ પ્રિન્સિપલ જજ, અમદાવાદની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
સંતમહાત્માઓની દિવ્ય હાજરી
આ મહાશિવરાત્રિ મહોત્સવને વિશેષ ગૌરવ આપતી સંતમહાત્માઓની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર છે. જેમાં પ.પૂ. શરદભાઈ વ્યાસ (દાદા), પ.પૂ. શ્રી શિવજી મહારાજ, પ.પૂ. સ્વામી હરિપ્રસાદજી, પ.પૂ. ભરતભાઈ વ્યાસ, પ.પૂ. આશિષભાઈ વ્યાસ, પૂ. શ્રી કપીલ સ્વામી, પૂ. શ્રી સાધુ વિવેકસ્વરૂપદાસ અને પૂ. શ્રી તારાચંદબાપુ સહિત અનેક સંતો મહોત્સવને આશીર્વાદ આપશે.
દીર્ઘ તપસ્યાના ૪૦ વર્ષ – પૂજ્ય બટુકભાઈ વ્યાસ
પૂજ્ય શ્રી બટુકભાઈ વ્યાસ છેલ્લા ૪૦ વર્ષથી ભગવાન શિવજીની સેવા અને ઉપાસનામાં અવિરત સમર્પિત રહ્યા છે. તેઓ રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાના સર્જક (પેટન્ટ હોલ્ડર) તરીકે ઓળખાય છે અને આ અનોખી પરંપરા માટે તેમને Limca Book of Recordsમાં ચાર વખત સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ દ્વારા તેમણે ધરમપુર અને સમગ્ર ગુજરાતનું આધ્યાત્મિક ગૌરવ વધાર્યું છે.
શિવકથા, સંગીતમય ભાવવાહી શૈલી અને તત્વજ્ઞાનસભર વ્યાખ્યાનો દ્વારા તેઓ ભારત ઉપરાંત વિદેશોમાં પણ શિવભક્તોને શિવાભિમુખ કરી રહ્યા છે. રુદ્રાક્ષને સ્વયં શિવસ્વરૂપ માની તેમણે તેના આધ્યાત્મિક મહત્ત્વ પર સંશોધન કરી ‘રુદ્રાક્ષઃ દિવ્ય જીવન અમૃત’ ગ્રંથનું સર્જન કર્યું છે.
“જન સેવા એજ શિવ સેવા”નો સંદેશ
પૂજ્ય બટુકભાઈ વ્યાસ “જન સેવા એજ શિવ સેવા”ના મંત્રને જીવનમાં ઉતારનાર સંત છે. તેમના માર્ગદર્શન હેઠળ દરિદ્રનારાયણ સેવા, વડીલોની સેવા, અન્નદાન, શૈક્ષણિક સહાય, ઠંડા પાણીની પરબ, છાશ વિતરણ, ધાબળા વિતરણ, નોટબુક વિતરણ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલી રહી છે. ૧ જુલાઈ ૨૦૨૦થી અખંડ નિત્ય શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કથાનું અનુષ્ઠાન પણ તેઓ નિયમિત રીતે કરી રહ્યા છે.
વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય શ્રેણી
મહાશિવરાત્રિ મહોત્સવ અંતર્ગત દેહશુદ્ધિ, શોભાયાત્રા, પોથીયાત્રા, શિવકથા, મહારુદ્ર યજ્ઞ, કુંવારીકા પૂજન, મહાપ્રસાદ-ભંડારો, શિવમહિમ્ન સ્તોત્ર પાઠ, ૧૦૮ દિવડાની મહાઆરતી, ભજન સંધ્યા, રક્તદાન કેમ્પ અને મહાશિવરાત્રિ રાત્રિ અનુષ્ઠાન સહિત અનેક
ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
શિવ પ્રાગટ્ય, સતિ પ્રાગટ્ય, શિવ વિવાહ અને શ્રી ગણેશજી પ્રાગટ્ય જેવા પ્રસંગો કથાના વિશેષ આકર્ષણ રહેશે. દરરોજ લાખો ભક્તો દ્વારા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન-અભિષેક અને મહાપ્રસાદનો લાભ લેવાશે.
ભક્તિમય નિમંત્રણ
ભગવાન આસુતોષ મહાદેવજી અને માઁ જગદંબાની અસીમ કૃપાથી પૂજ્ય બટુકભાઈ વ્યાસની દીર્ઘ તપસ્યાના ૪૦ વર્ષ પૂર્ણ થવાના આ પાવન પ્રસંગે વાંકલ ખાતે આયોજિત મહાશિવરાત્રિ મહોત્સવ ભક્તિ, આસ્થા, સંસ્કાર અને સેવાનો મહાન સંગમ બનશે. આયોજક સમિતિ દ્વારા સર્વ શિવભક્તોને પરિવાર સહીત આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહી પુણ્યલાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




