
ખેરગામ તાલુકાના જામનપાડા ગામે સ્થિત સમગ્ર આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર ગણાતાં મા ઘોડેશ્વરી માવલી માતા ધામ ખાતે મહાનવરાત્રિના પાવન પર્વની શુભ શરૂઆત સાથે વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લજીની ૮૮૮મી રામકથાનો મંગલમય આરંભ ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં થયો હતો. નવરાત્રિના પાવન દિવસોમાં આયોજિત આ રામકથા સાથે દસમહાવિદ્યાની વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવની લહેર જોવા મળી રહી છે.
રામકથાના મંગલ આરંભ પૂર્વે મુખ્ય યજમાન ઉર્મિલાબેન જગુભાઈ ગાવિતના નિવાસસ્થાનેથી પરંપરાગત વાજા-વાજિંત્રો, કળશધારી બહેનો, ભાવિક ભક્તો અને ગ્રામજનના સહયોગથી ભવ્ય પોથીયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. પોથીયાત્રા દરમ્યાન માઁ ઘોડેશ્વરી માવલી માતાના જયકારો, ભજન-કીર્તન અને ઢોલ-નગારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યાત્રા દરમિયાન ગામના માર્ગો પર ભક્તોએ પુષ્પવર્ષા કરી યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
પોથીયાત્રા જે નિવાસસ્થાને ઉતારો રાખવામાં આવ્યો છે એવા જામનપાડા ગામના સરપંચ શ્રી કોકિલાબેન કરસનભાઈ પટેલના નિવાસે વિધિવત રીતે દસમહાવિદ્યાનું પૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું. વૈદિક વિધિ, મંત્રોચ્ચાર અને પૂજનવિધિ દ્વારા માઁની આરાધના કરવામાં આવી, જેમાં ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. દસમહાવિદ્યાની પૂજા દ્વારા શક્તિ આરાધનાનું વિશેષ મહત્વ ઉજાગર થયું હતું.
રામકથાના મંગલમય દીપ પ્રાગટ્યનો શુભ પ્રસંગ નવસારી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ ગજેરાના વરદ હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે અશોકભાઈ ગજેરાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ધાર્મિક કથાઓ સમાજને સંસ્કાર, એકતા અને સકારાત્મક દિશા આપે છે. રામકથા માત્ર ધાર્મિક અનુષ્ઠાન નહીં પરંતુ જીવનને યોગ્ય માર્ગદર્શન આપતું આધ્યાત્મિક જ્ઞાન છે. તેમણે આયોજકોને આ ભવ્ય આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મંગલાચરણ સાથે વ્યાસપીઠ પરથી કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લજીએ ભાવસભર પ્રવચન કરતાં કહ્યું હતું કે, “‘મા’ શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે. માઁના શરણે રહીને ભગવાન રામના ગુણગાન ગાવાનો અવસર મળવો એ મહાન સૌભાગ્ય છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, આખા જગતના માતા-પિતા ભગવાન શિવ અને પાર્વતી છે અને ભગવાન શિવનું ચરિત્ર સંસારને પ્રતીકાત્મક બોધ આપે છે. “કથા કેવલ અંતરના સુખ માટે છે. માણસને અંતરથી સુખ મળે એના જેવું બીજું કોઈ સુખ નથી. આ સંસારમાં માઁ જ સર્વસ્વ છે,” એવા હૃદયસ્પર્શી વચનો દ્વારા તેમણે ભક્તોને ભાવવિભોર કર્યા હતા.
પ્રથમ દિવસે કથા આચાર્ય શ્રી ગુણવંતભાઈ વિપ્ર, હાર્દિક વિપ્ર અને સુમિત વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ નવચંડી યજ્ઞ વિધિવત રીતે સંપન્ન થયો હતો. યજ્ઞ દરમિયાન નરેશભાઈ રામાનંદી અને કિશન દવે દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર યજ્ઞમંડપ પવિત્ર અને ઊર્જાવાન બની ગયો હતો. આ સાથે ગંધર્વ વૃંદ દ્વારા ભાવપૂર્ણ કીર્તન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભક્તિરસમાં ડૂબી જઈ માઁના ગુણગાન કર્યા હતા.
દરરોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી ચાલનારી આ રામકથામાં જામનપાડા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ રહ્યા છે. રામકથાના પ્રથમ દિવસે જ ભક્તોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી, જેનાથી આયોજકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો.
આજના કથાદિને ખેરગામ ભાજપના મહામંત્રી ચેતનભાઈ પટેલ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું માઁ ઘોડેશ્વરી માવલી માતા ટ્રસ્ટના આગેવાનો અને સભ્યો દ્વારા પરંપરાગત રીતે શાલ, પુષ્પહાર અને સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થાઓ સુચારુ રીતે સંભાળવામાં આવી હતી.
કથા દરમિયાન તથા બાદમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોને મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી આધ્યાત્મિક સંતોષ અનુભવ્યો હતો. આયોજકો દ્વારા સ્વચ્છતા, વ્યવસ્થા અને સેવા ભાવના સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
મહાનવરાત્રિના પાવન દિવસોમાં આયોજિત આ ૮૮૮મી રામકથા અને દસમહાવિદ્યાની પૂજા સમગ્ર આદિવાસી સમાજ માટે આસ્થા, સંસ્કાર અને એકતાનો સંદેશ આપી રહી છે. માઁ ઘોડેશ્વરી માવલી માતાના સાનિધ્યમાં યોજાતું આ ભવ્ય ધાર્મિક આયોજન આગામી દિવસોમાં પણ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બની રહેશે, તેવી ભાવના ઉપસ્થિત ભક્તોમાં વ્યક્ત થઈ રહી છે.




