
સાવરકુંડલાની પવિત્ર ધરા પર માનવસેવા અને કરુણાની જીવંત પ્રતિમા સમાન ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ આજે માત્ર એક હોસ્પિટલ નહીં પરંતુ આશાનો દીવો બનીને ઊભરી આવ્યું છે. આરોગ્ય ક્ષેત્રે સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બનેલી આ સંસ્થાએ “દર્દી નારાયણ”ની ભાવનાને સાકાર કરી છે. આ મહાન સેવાયજ્ઞને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. પ્રકાશભાઈ કટારીયાનું યોગદાન અતિ પ્રશંસનીય અને અભૂતપૂર્વ રહ્યું

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ આરોગ્ય મંદિરનું મુખ્ય ધ્યેય છે – નિઃશુલ્ક, નિષ્કામ અને નિરંતર આરોગ્ય સેવા. અહીં OPD, IPD, વિવિધ વિશેષજ્ઞ સારવાર, જટિલ ઓપરેશનો, ડાયાલિસિસ સહિતની અદ્યતન તબીબી સેવાઓ ૧૦૦ ટકા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. ખાસ વાત એ છે કે માત્ર સારવાર જ નહીં પરંતુ દર્દીઓ અને તેમના પરિજનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે સંજીવની સમાન છે.
ડો. પ્રકાશભાઈ કટારીયાના કુશળ નેતૃત્વ હેઠળ આ હોસ્પિટલમાં માનવીય સંવેદનાનો સુમેળ જોવા મળે છે. ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓ, ટ્રસ્ટીગણ અને દાતાશ્રીઓ વચ્ચે તેમણે મજબૂત સેતુ રચ્યો છે. તેમની કાર્યક્ષમ વ્યવસ્થાપનશૈલી અને ઝડપી નિર્ણયશક્તિના પરિણામે હોસ્પિટલ ૨૪ કલાક સેવા માટે સજ્જ રહે છે. અડધી રાત હોય કે વહેલી સવાર, ડો. સાહેબ જાતે હાજર રહી દર્દીઓની ચિંતા કરે છે, જે તેમની નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.
ડો. પ્રકાશભાઈ માત્ર એક કુશળ ચિકિત્સક કે વહીવટદાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેઓ એક સંવેદનશીલ સમાજસેવી તરીકે પણ ઓળખાય છે. સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત અનેક સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે તેઓ આત્મીય રીતે જોડાયેલા છે. યુવા પેઢીના શિક્ષણ, આરોગ્ય જાગૃતિ, નશામુક્તિ અને સામાજિક ઉત્થાન માટેના કાર્યક્રમોમાં તેમનું માર્ગદર્શન અને સહયોગ સતત મળતો રહે છે. આ કારણે તેઓ શહેરના લોકલાડીલા વ્યક્તિત્વ તરીકે પણ જાણીતા બન્યા છે.
વિશ્વવંદનીય પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી ચાલતું આ સેવા કાર્ય આધ્યાત્મિક મૂલ્યો સાથે માનવતાને જોડે છે. પંથકના અનેક સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનોએ ડો. પ્રકાશભાઈના સેવાકીય કાર્યને આશીર્વાદ આપ્યા છે. સંતોએ જણાવ્યું હતું કે, “આરોગ્ય સેવા એ સર્વોત્તમ સેવા છે અને ડો. કટારીયા આ સેવાને સાચા અર્થમાં જીવંત રાખી રહ્યા છે.”
લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકાર જગત અને મીડિયા જગતે પણ ડો. પ્રકાશભાઈની પારદર્શક કાર્યશૈલી, સહજ સ્વભાવ અને કાર્યપ્રતિબદ્ધતાને ખુલ્લા મનથી બિરદાવી છે. પત્રકારોએ જણાવ્યું હતું કે, સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે આવી સંસ્થાઓ અને આવા સેવાભાવી નેતાઓ અત્યંત આવશ્યક છે. વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનોએ પણ ડો. કટારીયાને ‘માનવતાના મશાલચી’ તરીકે સંબોધી તેમની દીર્ઘ અને સેવાભરેલી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આરોગ્ય મંદિરના કારણે આજે હજારો જરૂરિયાતમંદ પરિવારોને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહી છે. અનેક દર્દીઓ માટે આ સંસ્થા જીવનદાતા સાબિત થઈ છે. ડો. પ્રકાશભાઈની નમ્રતા, સૌહાર્દપૂર્ણ વ્યવહાર અને દર્દી પ્રત્યેની સંવેદનશીલતા દરેકના હૃદયને સ્પર્શે છે. તેઓ કહે છે કે, “સાચી સફળતા પૈસામાં નહીં પરંતુ માનવજીવન બચાવવામાં છે,” અને આ વિચારને તેઓ પોતાના દરેક કાર્યમાં સાકાર કરે છે.
સાવરકુંડલા પંથકની જનતા માટે ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ આશા, વિશ્વાસ અને માનવતાનું પ્રતિક બની ગયું છે. ડો. પ્રકાશભાઈ કટારીયાના અવિરત સેવા યજ્ઞને સમગ્ર વિસ્તારની જનતા હૃદયપૂર્વક વંદન કરે છે અને આશા વ્યક્ત કરે છે કે આવું સેવાકીય કાર્ય ભવિષ્યમાં પણ સતત વિસ્તરે અને વધુને વધુ માનવીય જીવનમાં આરોગ્ય અને આશાનો પ્રકાશ ફેલાવે.




