દુલસાડમાં રેઇનબો વોરિયર્સ ધરમપુરની વાર્ષિક ઉજવણી સાથે મહા રક્તદાન અને જાગૃતિ ત્રિવેણી કાર્યક્રમનું ભવ્ય આયોજન

admin

Published on: 04 February, 2026

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર તાલુકાના દુલસાડ ગામમાં રેઇનબો વોરિયર્સ ધરમપુર તથા ગ્રામ પંચાયત દુલસાડના સંયુક્ત સહયોગથી આગામી તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારના રોજ વાર્ષિક દિવસની ઉજવણી સાથે ભવ્ય ત્રિવેણી સામાજિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. દુલસાડ બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં મહા રક્તદાન કેમ્પ સાથે અંગદાન, દેહદાન અને ચક્ષુદાન અંગે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવાયજ્ઞને સફળ બનાવવા પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ તરફથી મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો છે. કાર્યક્રમ અંતર્ગત સમાજસેવામાં નોંધપાત્ર યોગદાન આપનાર તથા સાકાર વાંચન કુટીરના સફળ તારલાઓનું સન્માન કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા વધે તેમજ સેવાભાવના સંસ્કાર વિકસે તેવો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે.
આયોજકો દ્વારા દરેક રક્તદાતાને પ્રોત્સાહનરૂપે સ્કૂલ બેગ, સ્ટીલ ગ્લાસ સેટ, ઘાબળો અને છોડ જેવી ઉપયોગી ભેટો આપવામાં આવશે. સાથે સાથે કાર્યક્રમના અંતે લકી ડ્રોનું પણ આયોજન કરાયું છે, જેમાં સ્માર્ટ ટીવી (૩૨ ઇંચ), સાયકલ, ડબલ બેડ, ઇન્ડક્શન સ્ટોવ, ટાવર ફેન, કુકર, પાવર બેંક, ઘડિયાળ સહિત અનેક આકર્ષક ઇનામો રાખવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ યુવાનો અને ગ્રામજનો રક્તદાન માટે પ્રેરિત થાય.
આ કાર્યક્રમનું આયોજન સમાજસેવા માટે સક્રિય આગેવાનો અને વિવિધ સંસ્થાઓના સહયોગથી થઈ રહ્યું છે. જેમાં કો-ઓર્ડિનેટર શંકરભાઈ પટેલ, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટના અશોકભાઈ પટેલ, નિવૃત અધિક કલેક્ટર જે.ડી. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ માહલા, શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓ, સામાજિક કાર્યકર્તાઓ તથા રેઇનબો વોરિયર્સ પરિવારના અનેક સભ્યો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા રક્તદાન જેવી જીવનદાયી પ્રવૃત્તિ સાથે દાન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તથા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. રેઇનબો વોરિયર્સ ધરમપુર પરિવાર દ્વારા તમામ નાગરિકોને મોટી સંખ્યામાં હાજરી આપી આ સેવાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.