વૈશ્વિક સ્તરે લીડરશીપ અને સત્તાની બોલબાલા : યુદ્ધના પડછાયા વચ્ચે માનવતાની અપીલ

admin

Published on: 29 March, 2026

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સમાજ દર્શન
વૈશ્વિક સ્તરે લીડરશીપ અને સત્તાની બોલબાલા : યુદ્ધના પડછાયા વચ્ચે માનવતાની અપીલ
આજના સમયમાં વિશ્વ એક અજીબ અને ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે લીડરશીપ એટલે કે સત્તાની બોલબાલા વધતી જાય છે અને એના સીધા પરિણામ રૂપે વિશ્વના અનેક ભાગોમાં તણાવ અને યુદ્ધના પડછાયા દેખાઈ રહ્યા છે. અત્યારે કોઈ પણ મિડિયા ચેનલ ખોલો કે સોશિયલ મીડિયા પર નજર કરો, ત્યાં સંભવિત યુદ્ધની ચર્ચાઓ, વિશ્લેષણ અને અફવાઓનું બજાર ગરમ દેખાઈ રહ્યું છે. લોકોમાં ભય, અસુરક્ષા અને અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો છે. આવી સ્થિતિમાં સરકારોએ પણ સાવચેતીના ભાગરૂપે સોશિયલ મીડિયા પર યુદ્ધ સંબંધિત અફવાઓ ફેલાય નહીં તે માટે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે.
વિશ્વ રાજકારણની હાલની પરિસ્થિતિ જોવામાં આવે તો લાગે છે કે દેશો વચ્ચેના સંબંધોમાં વિશ્વાસ ઘટતો જાય છે અને શક્તિ પ્રદર્શન વધતું જાય છે. ખાસ કરીને ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે હોર્મુઝનો દરિયાઈ માર્ગ આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે. આ દરિયાઈ માર્ગ વિશ્વના તેલ પરિવહન માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. આ માર્ગ પર તણાવ વધતાં વિશ્વના ઘણા દેશોના જહાજો અસરગ્રસ્ત થયા છે અને એની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. માત્ર તેલ જ નહીં પરંતુ ખાતર, ખાદ્ય પદાર્થો અને અન્ય જરૂરી વસ્તુઓના પુરવઠા પર પણ અસર જોવા મળી રહી છે.
યુદ્ધ માત્ર બંદૂક અને બોમ્બ સુધી સીમિત નથી રહેતું. યુદ્ધનો સૌથી મોટો પ્રહાર અર્થતંત્ર પર થાય છે. એક દેશ જ્યારે યુદ્ધમાં ફસાઈ જાય છે ત્યારે એના વિકાસના વર્ષો પાછળ ધકેલાઈ જાય છે. મોંઘવારી વધી જાય છે, બેરોજગારી વધે છે અને સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બની જાય છે. આજે વિશ્વમાં વસ્તી સતત વધી રહી છે, ફુગાવો વધી રહ્યો છે અને આવી પરિસ્થિતિમાં યુદ્ધ જેવી ઘટનાઓ માનવજાત માટે વધુ ગંભીર સમસ્યા ઊભી કરે છે.
જો આ પરિસ્થિતિનું મૂળ શોધવાનો પ્રયત્ન કરીએ તો સમજાય છે કે આ બધું સત્તાની લાલચથી શરૂ થાય છે. લોકતંત્રમાં ચૂંટણીનું ખૂબ મહત્વ હોય છે. દરેક નાગરિક પોતાનાં મતાધિકાર દ્વારા પોતાના નેતાની પસંદગી કરે છે. પરંતુ લીડરશીપની આ પ્રક્રિયા માત્ર રાજકારણથી જ શરૂ થતી નથી. એ વિદ્યાર્થી જીવનથી જ શરૂ થાય છે. શાળામાં ક્લાસ મોનિટર બનવું, કોલેજમાં જી.એસ. અથવા એલ.એસ. બનવાની ઈચ્છા — આ બધું ધીમે ધીમે સત્તાની ઈચ્છા તરફ લઈ જાય છે. આ ઈચ્છા જ્યારે યોગ્ય વ્યક્તિ પાસે હોય ત્યારે વિકાસ શક્ય બને છે, પરંતુ જ્યારે ખોટી વ્યક્તિ સત્તા સુધી પહોંચે છે ત્યારે આખી સિસ્ટમને નુકસાન ભોગવવું પડે છે.
આજના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. દેશો વચ્ચેના સંબંધોમાં સહકાર કરતા સ્પર્ધા વધુ જોવા મળે છે. મોટા દેશો નાના દેશોને પોતાની રાજકીય અને આર્થિક નીતિઓ માટે ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરે છે. અમેરિકાએ છેલ્લા ઘણા વર્ષોમાં અનેક યુદ્ધોમાં ભાગ લીધો છે અને લાખો કરોડ ડોલર ખર્ચ્યા છે, પરંતુ એનો કોઈ સ્થાયી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. વિશ્વના અનેક દેશો આજે પણ યુદ્ધના ઘાવમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ભારતના સંદર્ભમાં જોઈએ તો આપણો દેશ હંમેશા શાંતિ અને સંવાદનો માર્ગ અપનાવવાનો પ્રયાસ કરતો આવ્યો છે. થોડા સમય પહેલા સરહદ પર તણાવ વધ્યો હતો ત્યારે પણ ભારતે યુદ્ધનો માર્ગ છોડીને મુત્સદ્દીગીરીનો રસ્તો પસંદ કર્યો હતો. ભારતને ખબર છે કે એક નાનું યુદ્ધ પણ દેશના વિકાસને દસ વર્ષ પાછળ ધકેલી શકે છે. એટલી મોટી વસ્તી ધરાવતા દેશમાં વિકાસનો ગતિમાન પ્રવાહ જ સૌથી મહત્વનો છે.
ઇતિહાસમાં જોવામાં આવે તો વિશ્વમાં થયેલા મોટા યુદ્ધોએ માનવજાતને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં લાખો લોકોના જીવ ગયા, અનેક દેશો બરબાદ થયા અને આખું વિશ્વ લાંબા સમય સુધી આર્થિક મંદીમાં ફસાયું હતું. પરંતુ આ બધાની વચ્ચે એક દેશ એવો પણ છે, જે છેલ્લા બે સો વર્ષથી કોઈ યુદ્ધમાં સીધો ભાગ લીધો નથી — સ્વીડન. 1814 પછી સ્વીડને તટસ્થ નીતિ અપનાવી અને પોતાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આજે સ્વીડન વિશ્વના સૌથી વિકસિત દેશોમાં સામેલ છે. આ એક ઉદાહરણ છે કે શાંતિનો માર્ગ અપનાવવાથી વિકાસ શક્ય બને છે.
આપણી સંસ્કૃતિમાં પણ યુદ્ધના અનેક ઉદાહરણો છે. રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ હોય કે કૌરવ અને પાંડવો વચ્ચેનું મહાભારત — બંને યુદ્ધોના અંતે અનેક કુળનો વિનાશ થયો હતો. ભલે આ યુદ્ધો ધર્મ માટે લડાયા હતા, પરંતુ મૂળમાં સત્તા અને અહંકાર જ મુખ્ય કારણ હતા. આ ઉદાહરણો આપણને શીખવે છે કે યુદ્ધનો અંત ક્યારેય સુખદ નથી હોતો.
આજની એકવીસમી સદીમાં જ્યારે ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે માનવજાત પાસે વિકાસ માટે અનેક નવા ક્ષેત્રો ખુલ્લા છે. જો દેશો યુદ્ધ માટે ખર્ચાતી રકમને શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને ટેકનોલોજી વિકાસમાં ખર્ચે તો વિશ્વ વધુ સુખી અને સમૃદ્ધ બની શકે છે. પરંતુ અફસોસ એ છે કે આજે પણ અનેક દેશો પોતાની સત્તા બતાવવા માટે યુદ્ધનો માર્ગ પસંદ કરી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વિશ્વ શાંતિનો માર્ગ અપનાવી શકશે? શું દેશો વચ્ચે સંવાદ દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવી શકાશે? જો વિશ્વના દેશો માત્ર પાંચ વર્ષ માટે પણ યુદ્ધનો માર્ગ છોડીને વિકાસ અને માનવતાને પ્રાથમિકતા આપે તો વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિનો નવો યુગ શરૂ થઈ શકે છે.
અંતમાં એટલું જ કહેવું કે યુદ્ધ ક્યારેય કોઈ સમસ્યાનો સાચો ઉકેલ નથી. યુદ્ધ માત્ર વિનાશ લાવે છે, જ્યારે શાંતિ વિકાસ લાવે છે. આજે જરૂર છે કે વિશ્વના બધા દેશો “વસુધૈવ કુટુંબકમ” ની ભાવનાને સ્વીકારીને માનવતાના હિતમાં નિર્ણય લે. જો માનવજાતે શાંતિનો માર્ગ અપનાવ્યો તો આવતી પેઢી માટે વધુ સુરક્ષિત અને સુખી વિશ્વ બનાવી શકાય.
જય હિન્દ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)