
- મહિલાઓને રાજકારણમાં 33% અનામત આપવાના ઐતિહાસિક નિર્ણય તરફ આગળ વધતું ભારત
-
16 એપ્રિલથી સંસદના વિશેષ સત્રમાં નારી શક્તિ વંદન બિલ પર ચર્ચા
-
નવા સંસદ ભવનમાં મહિલાઓના હકો માટે નવું ઇતિહાસ રચાશે
-
તમામ પક્ષોના સમર્થનથી મહિલા અનામત બિલને મળ્યો મજબૂત આધાર
-
મહિલાઓની વધતી ભાગીદારીથી લોકતંત્ર વધુ સશક્ત બનશે
By:Hardik Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત નારી શક્તિ વંદન પરિષદને સંબોધતા મહિલા અનામત બિલને 21મી સદીનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો. તેમણે જણાવ્યું કે આ પગલું દેશના લોકતંત્રને વધુ મજબૂત બનાવશે અને મહિલાઓને સમાન હક્કો આપવા દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. દાયકાઓથી ચાલી રહેલી ચર્ચા હવે પૂર્ણ થવા જઈ રહી છે, જે દેશ માટે ગૌરવની બાબત છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલા અનામત મુદ્દે ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે આ લાંબી રાહ પૂરી થવાની છે. આ બિલ ભારતના સમાનતાવાદી સંકલ્પને સાકાર કરશે અને સમાજમાં ન્યાયની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
તેમણે ઉમેર્યું કે નવા સંસદ ભવનમાં આ બિલ પર ચર્ચા અને નિર્ણય લેવાશે, જે દેશના ઇતિહાસમાં એક નવું પાનું ઉમેરશે. આ નિર્ણય માત્ર વર્તમાન માટે નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે પણ માર્ગદર્શક સાબિત થશે.
પીએમ મોદીએ માહિતી આપી કે 16 એપ્રિલથી સંસદના વિશેષ સત્રમાં આ બિલ પર ચર્ચા શરૂ થશે. તેઓ દેશભરની માતાઓ અને બહેનોના આશીર્વાદ લેવા આવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ નિર્ણય માટે જનસમર્થન અત્યંત મહત્વપૂર્ણ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે 2023માં રજૂ થયેલ આ બિલને તમામ રાજકીય પક્ષોએ સર્વાનુમતે સમર્થન આપ્યું હતું, જે લોકતંત્રની શક્તિ દર્શાવે છે. મહિલાઓની સક્રિય ભાગીદારી નિર્ણય પ્રક્રિયામાં સંવેદનશીલતા અને સંતુલન લાવે છે. પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલાઓનું સફળ નેતૃત્વ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
અંતમાં તેમણે જણાવ્યું કે જનધન યોજનાથી 32 કરોડથી વધુ મહિલાઓને બેંકિંગ વ્યવસ્થાથી જોડવામાં આવી છે, જે તેમને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે.