કાલરાત્રિ ભક્તોના જીવનમાંથી દુષ્ટતા, અજ્ઞાનતા અને અંધકારનો નાશ કરે છે-પ.પૂ. પ્રફુલભાઈ શુક્લ

admin

Published on: 25 March, 2026

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલ જગદંબાધામમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્વ વિખ્યાત કથાકાર પ.પૂ. પ્રફુલભાઈ શુક્લના પાવન સાનિધ્યમાં યોજાઈ રહેલા આ ધાર્મિક કાર્યક્રમમાં રોજબરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. ખાસ કરીને દુર્ગાષ્ટમીના પાવન દિવસે ધાર્મિક પ્રવચન અને વિશેષ વિધિઓને કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન પ્રફુલભાઈ શુક્લે દેવી ભાગવતનું મહત્વ સમજાવતું ભાવસભર પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેવી ભાગવત માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ આત્મજ્ઞાન મેળવવાનો એક શક્તિશાળી માર્ગ છે. જીવનમાં સત્ય, શ્રદ્ધા અને ભક્તિનો માર્ગ અપનાવીએ તો ભગવાન કોઈપણ રૂપમાં મળી શકે છે અને મુશ્કેલીના સમયમાં પણ ભક્તનો સાથ ક્યારેય છોડતા નથી. તેમના પ્રવચન દરમિયાન ઉપસ્થિત ભક્તો ખૂબ જ ભાવવિભોર બની ગયા હતા.

પ્રવચન દરમિયાન તેમણે માઁ કાલરાત્રિના મહિમાનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માઁ કાલરાત્રિ ભક્તોના જીવનમાંથી દુષ્ટતા, અજ્ઞાનતા અને અંધકારનો નાશ કરે છે અને સદ્માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભક્તિ, સદાચરણ અને સકારાત્મક વિચારધારા જરૂરી છે, તે બાબત પર પણ તેમણે ભાર મૂક્યો હતો. કથા દરમિયાન માતાજીના જયકારોથી સમગ્ર જગદંબાધામ ભક્તિમય બની ગયું હતું.
આ પ્રસંગે નિવૃત્ત પ્રિન્સિપાલ બી. એન. જોષી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ માતાજીના દર્શન સાથે ધાર્મિક પ્રવચનનો લાભ લીધો હતો. મહિલાઓ અને યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વેદમંત્રોચ્ચાર અને માતાજીના ભજનોના સ્વરથી વાતાવરણ વધુ આધ્યાત્મિક બની ગયું હતું.

આજે કથા દરમિયાન સ્વ. ચંદ્રકાંતભાઈ હીરાલાલ મોદી ના સ્મરણાર્થે દલાસ (અમેરિકા) નિવાસી દિલીપભાઈ ચંદ્રકાંત મોદી તરફથી વિશેષ ધાર્મિક સેવા કરવામાં આવી હતી. કથા ના મુખ્ય યજમાન અને મૂર્તિદાતા તરીકે કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ (ભાગડાવડા), રમણભાઈ ભગતજી અને તેમનો પરિવાર તેમજ કિશોરભાઈ પટેલ અને લીલાબેન નટુભાઈ પટેલ (અટગામ ભોયાવાડ) દ્વારા પોથી પૂજન અને વ્યાસપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આશીર્વાદ આપતા કથાકાર પ્રફુલભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે “માઁ જગદંબાની કૃપા ભારત પર કાયમ રહી છે અને કાયમ રહશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની આધ્યાત્મિક પરંપરા ખૂબ મજબૂત છે અને આ શક્તિના આધારે દેશ કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકે છે. તેમણે ચામુંડા માતાના પ્રાગટ્યની કથાનું પણ ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું.
દુર્ગાષ્ટમીના પાવન દિવસે નવ કુંવારી કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ શારદાબેન જગુભાઈ પટેલ, કલાબેન મહેશભાઈ પટેલ અને મનુભાઈ રૂપાભવાની દ્વારા યજ્ઞમાં સહભાગી બની ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. રેખાબેન શુક્લ અને લીનાબેન અમદાવાદી દ્વારા શણગાર ભેટ અર્પણ કરીને ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ૧૦૮ દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાભાવે ભાગ લીધો હતો. નવસારી અને આસપાસના ગામોમાંથી ભક્તો દરરોજ કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે અને સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો છે. ચૈત્રી નવરાત્રીના આ પાવન અવસરે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા ભક્તોમાં નવી શ્રદ્ધા અને આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો છે.