દમણના નમો પથ પર વલસાડ–વાપીના 50 જેટલા સાધકો દ્વારા સંયુક્ત યોગ અભ્યાસ: યોગનો પ્રચાર અને તંદુરસ્તી તરફ અનોખી પહેલ

admin

Published on: 24 November, 2025

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ : યોગને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા અને તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે જનજાગ્રુતિ લાવવાના હેતુથી આજે રવિવારે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી. વલસાડના રહેવાસી, નિવૃત્ત આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર કાંતિલાલ એમ. ઠાકોર (ભંડારી) છેલ્લા પાંચ વર્ષથી વલસાડના રાજનનગર ખાતે નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવી રહ્યા છે. યોગના નિયમિત અભ્યાસથી અનેક લોકો તંદુરસ્તી મેળવી રહ્યા છે, તેવી જ રીતે સાધકોમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે તેઓ સમયાંતરે પ્રેરણાત્મક યોગ–પર્યટન કાર્યક્રમો પણ યોજે છે.

આજે રવિવાર, તા. 23/11/2025ના દિવસે તેઓ 35 જેટલા સાધક ભાઈ–બહેનો સાથે દમણના પ્રસિદ્ધ “નમો પથ” પર યોગ અભ્યાસ કરવા વહેલી સવારે પહોંચી ગયા હતા. રજાના દિવસે નમો પથ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા, વોક કરવા તથા ખુલ્લી હવામાં સમય પસાર કરવા આવે છે, જે સ્થળ યોગના પ્રચાર માટે અત્યંત અનુકૂળ બને છે. શુદ્ધ હવા, સમુદ્ર કિનારો અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે યોગથી મળતી શારીરિક–માનસિક તંદુરસ્તીનું મહત્વ વધુ અસરકારક રીતે સમાજ સમક્ષ મૂકવાનો આ પ્રયાસ હતો.

આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે વાપી તાલુકાના કુંતા ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હેઠળ યોગ ક્લાસ ચલાવતા યોગ ટ્રેનર નીતાબેન પટેલ પણ પોતાના 15 જેટલા સાધકો સાથે નમો પથ પર જોડાયા હતા. બંને ટ્રેનરોના સંયુક્ત માર્ગદર્શન હેઠળ કુલ 50 જેટલા સાધકોએ સવારે 6:00 થી 7:15 દરમિયાન યોગાસન, પ્રાણાયામ તથા ધ્યાનનો અભ્યાસ કર્યો.

યોગ દરમિયાન આસપાસ ફરવા આવેલા સહેલાણીઓને પણ યોગમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું, જેમાં ઘણા લોકોએ રસ દર્શાવ્યો અને થોડાક આસનોમાં ભાગ પણ લીધો. લોકોએ આ પ્રયાસની પ્રશંસા કરતાં જણાવ્યું કે સમુદ્રકિનારે સવારના ઠંડા પવન વચ્ચે યોગ કરવો એ એક અનોખો અનુભવ છે.

આ પ્રસંગે મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ અને સેલવાસ ક્ષેત્રના ભંડારી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. મહારાષ્ટ્ર રાજ્ય સહિત ભંડારી સમાજના પ્રદેશ પ્રમુખશ્રી ચેતનભાઈ એસ. પટેલ (ભંડારી) અને દમણ જિલ્લાના પ્રમુખશ્રી રમેશભાઈ ભંડારી ખાસ આમંત્રણ સ્વીકારી કાર્યક્રમમાં જોડાયા હતા. બંને આગેવાનોએ જણાવ્યું કે કાંતિલાલભાઈ જેવી વ્યક્તિઓ સમાજમાં યોગ દ્વારા આરોગ્ય અને સંસ્કારની જ્યોત પ્રગટાવી રહ્યા છે, જે પ્રસંશનીય છે.

કાંતિલાલભાઈ ઠાકોરે જણાવ્યું કે યોગ દરેક માનવી માટે જીવનશૈલીનો અનિવાર્ય ભાગ બનવો જોઈએ. તેમના જણાવ્યા મુજબ, “યોગ માત્ર કસરત નથી પરંતુ મન, શરીર અને આત્માને સંતુલિત રાખવાનો માર્ગ છે. અમારા સાધકોને સમયાંતરે કુદરતી સ્થળે લઇ જઈ યોગ કરાવવાનો હેતુ એ છે કે લોકોને સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા મળે અને યોગનો વ્યાપ વધે.”

આ સંયુક્ત યોગ અભ્યાસ કાર્યક્રમને લઈ સાધકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા સંકલ્પ કર્યો હતો.