
॥ ગૌ સેવા એ જ ગોપાલ સેવા ॥
મકરસંક્રાંતિના પવિત્ર પર્વે ગૌ-સેવા દ્વારા પુણ્યનો સંચય કરવાનો અમૂલ્ય અવસર
ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગાયને માત્ર એક પશુ તરીકે નહીં, પરંતુ ‘વિશ્વસ્ય માતરઃ’ એટલે સમગ્ર સૃષ્ટિની માતા તરીકે પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં માન્યતા છે કે ગૌમાતાના શરીરમાં ૩૩ કોટિ દેવી-દેવતાઓનો નિવાસ છે. ગાય માનવ જીવન, ખેતી, પર્યાવરણ અને આધ્યાત્મિકતાનું આધારસ્તંભ રહી છે. આવી ગૌમાતાની સેવા કરવી એ ગોપાલ ભગવાનની સેવા સમાન માનવામાં આવે છે.
મકરસંક્રાંતિ એ સૂર્યનારાયણના ઉત્તરાયણમાં પ્રવેશનો પવિત્ર દિવસ છે, જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસને દાન, તપ, જપ અને પુણ્યના મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન અક્ષય પુણ્ય આપે છે, એટલે કે તેનું ફળ કદી ક્ષીણ થતું નથી.
વિશેષ કરીને મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવતી ગૌ-સેવા અને ગૌ-દાનનું મહત્ત્વ અતિ વિશાળ માનવામાં આવ્યું છે. ગૌમાતાને ઘાસ, ચારો, ગોળ, અન્ન કે સેવારૂપે સહાય આપવાથી અનેક આધ્યાત્મિક અને લોકિક ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા મુજબ ગૌ-સેવા દ્વારા પૂર્વજોને સદગતિ પ્રાપ્ત થાય છે, જીવનમાં અજાણતા થયેલા પાપોનું શમન થાય છે અને પરિવારમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનું આગમન થાય છે.
આજના સમયમાં જ્યાં માનવ સ્વાર્થમાં જકડાતો જાય છે, ત્યાં મકરસંક્રાંતિ જેવા પર્વ આપણને પરમાર્થની દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આ વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર પર્વે માત્ર પતંગ ઉડાવવાની કે મીઠાઈ ખાવાની પરંપરા પૂરતી સીમિત ન રહી, પરંતુ પક્ષીઓને ચણ નાખવું, મૂંગા પશુઓ માટે પાણી અને આહારની વ્યવસ્થા કરવી તથા ગૌશાળાઓમાં સેવા-સહયોગ આપવાનો સંકલ્પ કરવાની અપીલ કરવામાં આવી છે.
“જેના આંગણે ગાય સુખી, તેનું જીવન સુખી” – આ ઉક્તિ ગૌ-સેવાની મહિમાને સરળ ભાષામાં વ્યક્ત કરે છે. ગૌમાતા સુખી રહેશે તો સમાજ, કુટુંબ અને રાષ્ટ્રમાં સુખ-સમૃદ્ધિ આપમેળે આવશે, એવી ભાવના સનાતન ધર્મમાં વ્યાપક રીતે માન્ય છે.
આ પવિત્ર અવસરે સ્વાર્થનો ત્યાગ કરી પરમાર્થના માર્ગે ચાલીએ, ગૌમાતાની જઠરાગ્નિ શાંત કરીએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ – એ જ મકરસંક્રાંતિની સાચી ઉજવણી છે, એવો સંદેશ ગૌસેવા સાથે જોડાયેલા સંતો અને ધર્મગુરુઓ દ્વારા આપવામાં આવ્યો છે.
– હરિ સ્વામી ગુરુ શાસ્ત્રી સ્વામી કપિલજીવન દાસજી, સલવાવ (વાપી)

