By : Deval Ranch
સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવાદિનના પાવન અવસરે ધરમપુરમાં યુવા શક્તિ, શિસ્ત, સંસ્કાર અને સંકલ્પનો અભૂતપૂર્વ ઉત્સવ ઉજવાયો. શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર દ્વારા સોમવારે સવારે ભવ્ય યુવા રેલી અને ત્યારબાદ એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલ ખાતે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં ધરમપુર નગર તેમજ તાલુકાની વિવિધ શાળા અને મહાવિદ્યાલયોના આશરે 3000 વિદ્યાર્થીમિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈ સમગ્ર વાતાવરણને વિવેકાનંદમય બનાવી દીધું હતું.
કાર્યક્રમની શરૂઆત સવારે 8.00 કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક, સમડીચોક ખાતે આવેલી વિવેકાનંદજીની પ્રતિમા પર નગરજનો, શાળા પરિવાર અને ટ્રસ્ટના સભ્યો દ્વારા પુષ્પાંજલિ અર્પણ સાથે થઈ. “ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત કરો” જેવા પ્રેરણાદાયક સૂત્રોચ્ચાર વચ્ચે યુવા રેલીનું પ્રસ્થાન થયું. ત્રણ કિલોમીટર લાંબી આ યુવા રેલીમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્વયંસેવકો જોડાયા હતા. આખા ધરમપુર નગરમાં સ્વામી વિવેકાનંદજીના જયઘોષ, દેશભક્તિ અને યુવા શક્તિના નાદ ગૂંજી ઉઠ્યા હતા. રેલી અંતે એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલ ખાતે યુવા સંમેલનમાં રૂપાંતરિત થઈ.
યુવા સંમેલનનો પ્રારંભ પ્રાસંગિક પ્રવચન સાથે થયો, જેમાં ડો. દોલતભાઈ દેસાઈએ સ્વામી વિવેકાનંદજીના જીવન, તેમના સંઘર્ષ, ત્યાગ અને વિચારોની ઝાંખી રજૂ કરી. ત્યારબાદ બી.આર.એસ. બીલપુડીની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું, જેના દ્વારા સમગ્ર મંડપમાં આધ્યાત્મિક અને પ્રેરણાદાયક માહોલ સર્જાયો.
પ્રારંભિક મુખ્ય પ્રવચનમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજશ્રીબેન ટંડેલે વિદ્યાર્થીઓને સંબોધતાં સ્વામી વિવેકાનંદજીને યુવા શક્તિના પ્રતીક અને યુવા વિચારક તરીકે બિરદાવ્યા. તેમણે જણાવ્યું કે વિવેકાનંદજીના વિચારો આજના યુગમાં પણ એટલાં જ પ્રાસંગિક છે. વિદ્યાર્થીઓને દરરોજ વિવેકાનંદજીના ગ્રંથો અને વિચારધારાનું અધ્યયન કરવાની અપીલ કરતાં તેમણે ઉમેર્યું કે વાંચન, વિચાર અને આચરણ દ્વારા જ સાચો સર્વાંગી વિકાસ શક્ય બને છે.
પ્રાયોશા પ્રતિષ્ઠાન, ડાંગના પ્રણેતા પી.પી. સ્વામીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સ્વામી વિવેકાનંદજી આજે પણ “વિચારો સ્વરૂપે” આપણામાં જીવંત છે. જો યુવાનો તેમના વિચારોને જીવનમાં અપનાવે તો વ્યક્તિગત જીવન સાથે સાથે સમાજ અને રાષ્ટ્રનું ઘડતર પણ સશક્ત રીતે થઈ શકે છે. તેમણે આત્મવિશ્વાસ, આત્મસંયમ અને સેવાના મૂલ્યો પર વિશેષ ભાર મૂક્યો.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે ગુજરાતના જાણીતા મોટિવેટર શ્રી સંજયભાઈ રાવલે 65 મિનિટનું પ્રભાવશાળી અને ઊર્જાવાન વક્તવ્ય આપ્યું. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત લાવવાની મહત્વતા સમજાવી. “84 લાખ યોની બાદ મળેલો મનુષ્ય જન્મ અનમોલ છે, તેને વ્યર્થ ન જવા દો,” એમ કહી તેમણે વિદ્યાર્થીઓને જીવનને સાર્થક બનાવવાની પ્રેરણા આપી. દેશ માટે કંઈક કરી છૂટવાની, રમતગમત, અભ્યાસ અને વિવિધ ક્ષેત્રોમાં મેડલો લાવી દેશનું નામ રોશન કરવાની અપીલ કરી.
શ્રી રાવલે તન અને મનના સ્વાસ્થ્ય પર ભાર મૂકતાં જણાવ્યું કે જો શરીર અને મન સ્વસ્થ હશે તો ધન અને સફળતા આપમેળે આવશે. વિદ્યાર્થીઓને દરરોજ નિયમિત વ્યાયામ, યોગ અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવાની ટકોર કરી. તેમણે સનાતન સંસ્કૃતિની મહાનતા વિષે જણાવ્યું કે 700 વર્ષ મોગલોના અને 300 વર્ષ અંગ્રેજોની ગુલામી છતાં સનાતન ધર્મ ક્યારેય ડર્યો નથી, કારણ કે તેની મૂળમાં જ સંસ્કાર, સહનશીલતા અને આધ્યાત્મિક શક્તિ છે.
વિદ્યાર્થીઓને પરીક્ષામાં ક્યારેક ઓછા ટકા આવે તો નિરાશ ન થવાની સલાહ આપતાં તેમણે કહ્યું કે “ક્યારેક એવું પણ માનવું જોઈએ કે ઈશ્વરે આપણા માટે કંઈક જુદો પ્લાન બનાવ્યો હશે.” તેમણે યુવાનોને હંમેશા શિસ્તમાં રહેવા, સંયમિત જીવન જીવવા અને સૌથી મહત્વપૂર્ણ સંદેશ આપતાં કહ્યું—“તમારા માં-બાપને જ તમારા એકમાત્ર ઈશ્વર માનો અને તેમની પૂજા કરો.” આ શબ્દોએ વિદ્યાર્થીઓને ભાવવિભોર કરી દીધા હતા અને સમગ્ર મંડપમાં તાળીઓની ગડગડાટ ગુંજી ઉઠી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને સજીવ સંચાલન પ્રતીક કોટકે કર્યું હતું. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
આ પ્રસંગે ધરમપુર ભાજપ શહેર પ્રમુખ અમિત ચોરેરા, પાલિકા પ્રમુખ મયંક મોદી, ટ્રસ્ટના ગિરીશ સોલંકી, રાહુલ વસાણી, મુકેશ મેરાઈ, હિતેશ મેરાઈ, પ્રકાશ મેરાઈ, ઉદય પટેલ, હિરેન પટેલ, દેવલ રાંચ, પંકજ પટેલ, વત્સલ પરમાર, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓ, નગરના શ્રેષ્ઠીઓ તથા પત્રકારોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ રીતે, સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત યુવા રેલી અને યુવા સંમેલન માત્ર એક કાર્યક્રમ ન રહી, પરંતુ ધરમપુરના યુવાનો માટે જીવનઘડતર, શિસ્ત, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતું એક યાદગાર પ્રેરણાસ્ત્રોત બની રહ્યું.




