
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, સંતો અને હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક માહોલ છવાયો

નાનાપોંઢા ગામમાં શ્રી સાર્વજનિક કૈલાશ મુક્તિધામના લાભાર્થે તા. 14 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી આયોજિત ભવ્ય અને દિવ્ય “શિવકથા”નો આજે શુભ પ્રારંભ થયો હતો. શિવકથાના પ્રથમ દિવસે યોજાયેલી ભવ્ય પોથીયાત્રાએ સમગ્ર નાનાપોંઢા ગામ અને આસપાસના વિસ્તારમાં ધાર્મિક, આધ્યાત્મિક અને ઉત્સવમય માહોલ સર્જી દીધો હતો.
વહેલી સવારથી જ ગામમાં ભક્તિભાવ છવાઈ ગયો હતો અને ઘરઘરમાં “બોલ બમ” તથા “હર હર મહાદેવ”ના નાદ સંભળાતા હતા.
શિવકથાના આરંભ નિમિત્તે યોજાયેલી પોથીયાત્રા ભાવની માતા મંદિરથી પ્રારંભ થઈ હતી. પોથીયાત્રા હનુમાનજી મંદિર, નિલકંઠ મહાદેવ મંદિર અને સ્વામિનારાયણ મંદિર જેવા પવિત્ર સ્થળો પરથી પસાર થઈ કથા મંડપ ખાતે પહોંચી હતી. પોથીયાત્રામાં શોભાયાત્રાની ભજન-કીર્તન, શંખનાદ અને ભક્તોના જયઘોષ વચ્ચે પવિત્ર ગ્રંથોની શોભાયમાન રીતે વિધિવત પૂજા સાથે યાત્રા યોજાઈ હતી. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓ, માથે કલશ ધારણ કરેલા ભક્તો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા.
પોથીયાત્રા પૂર્ણ થયા બાદ કથા મંડપ ખાતે દીપપ્રાગટ્યનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કપરાડા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, ઉપસ્થિત સંતો તથા મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દીપપ્રાગટ્ય સાથે જ સમગ્ર કથા મંડપ ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો હતો. ગામના આગેવાનો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
યુકે (લેસ્ટર) નિવાસી પ્રસિદ્ધ અને વિખ્યાત કથાના વક્તા ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી) દ્વારા મંગલાચરણ સાથે શિવકથાનો ભાવભર્યો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોતાના પ્રથમ પ્રવચનમાં તેમણે શિવતત્ત્વનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે આજના ભૌતિકવાદી યુગમાં માનવી ધીમે ધીમે આત્મિક મૂલ્યો ભૂલતો જઈ રહ્યો છે. અજ્ઞાનતા અને દિશાહિનતા સમાજમાં વધી રહી છે, જેને દૂર કરવા માટે બાળકો અને યુવાનોમાં સારા સંસ્કાર અને ધાર્મિક શિક્ષણનું સિંચન કરવું અત્યંત આવશ્યક છે.
કથાવક્તા બાપુજીએ વધુમાં જણાવ્યું હતું કે માનવજીવનને “જીવ”માંથી “શિવ” તરફ દોરી જતું એકમાત્ર તત્ત્વ શિવતત્ત્વ છે. શિવ માત્ર દેવ નથી પરંતુ ચેતના છે, જ્ઞાન છે અને કલ્યાણનો માર્ગ છે. શિવકથા દ્વારા જીવનમાં વૈરાગ્ય, કરુણા, સંયમ અને સત્યનો સંદેશ મળે છે. આયોજિત શિવકથાનો મુખ્ય હેતુ ભક્તોને આત્મિક યાત્રામાં જોડીને જીવનને શિવમય બનાવવાનો છે.
આ પ્રસંગે કપરાડા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં આયોજકો અને ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે નાનાપોંઢા જેવા ગામમાં આટલું ભવ્ય ધાર્મિક આયોજન થવું એ ગર્વની વાત છે. શિવકથાથી સમાજને સારા સંસ્કાર મળે છે અને આપણા સંતોએ વર્ષોથી જે ધર્મનું બીજ વાવ્યું છે તેનું ફળ આજે જોવા મળી રહ્યું છે. તેમણે આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોને સતત પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં પ.પૂ. સ્વામી શ્રી હરિવલ્લભ સ્વામીએ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. ઉપરાંત અનેક સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને આસપાસના ગામોમાંથી આવેલા ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિભાવથી ભરપૂર વાતાવરણમાં સંપન્ન થયો હતો.
શિવકથાના આ ભવ્ય આયોજનના મુખ્ય આયોજક તરીકે મુકેશભાઈ જે. પટેલ (સરપંચ, નાનાપોંઢા તથા APMC ચેરમેન) અને સમગ્ર ગ્રામજનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આયોજક સમિતિ દ્વારા વ્યવસ્થાઓ અત્યંત સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી. પાર્કિંગ, પીવાનું પાણી, સ્વચ્છતા અને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ પ્રશંસનીય રહી હતી.
વિશેષ નોંધપાત્ર બાબત એ રહી કે શિવકથાના પ્રથમ દિવસે યોજાયેલ ભંડારો મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામાજિક એકતા અને ભાઈચારાનો સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું. વિવિધ સમાજના લોકોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કરી ગંગા-જમુની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે તા. 14 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી દરરોજ સવારે 10 ના સમયે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તોની હાજરી રહેવાની સંભાવના છે. નાનાપોંઢામાં આયોજિત આ શિવકથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સામાજિક સમરસતા, સંસ્કાર અને આધ્યાત્મિક ઉન્નતિનો સશક્ત સંદેશ આપતી બની છે.








