નાનાપોંઢામાં કૈલાશ મુક્તિધામના લાભાર્થે શિવકથાના ત્રીજા દિવસે શિવ વિવાહ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો !

admin

Published on: 16 January, 2026

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નાનાપોંઢા ગામમાં શ્રી સાર્વજનિક કૈલાશ મુક્તિધામના લાભાર્થે આયોજિત સાત દિવસીય ભવ્ય શિવકથાના ત્રીજા દિવસે શિવ વિવાહ મહોત્સવ અતિ ભવ્યતા, આનંદ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. શિવકથા મંડપમાં “હર હર મહાદેવ”ના ગુંજન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શિવજી તથા માતા પાર્વતીના વિવાહના પ્રસંગને દર્શાવતા ભવ્ય સજાવટ, સંગીત અને ધાર્મિક વિધિઓએ ભાવિક ભક્તોને અલૌકિક આનંદનો અનુભવ કરાવ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી શિવકથાનું રસપાન કર્યું હતું.

આ પ્રસંગે વક્તા ભૂદેવ શ્રી જયેશભાઈ જોષી (બાપુજી)એ પોતાના પ્રભાવશાળી અને ભાવસભર પ્રવચનમાં શિવ વિવાહની અલૌકિક કથા ખૂબ જ રસાળ રીતે વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે સતિને ભગવાન શંકરનું વરદાન પ્રાપ્ત થતાં બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને કન્યાના પિતા તરીકે વિવાહની વ્યવસ્થા કરવાની આજ્ઞા આપી. દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરને નિમંત્રણ આપવાનો વિચાર કરે છે અને એ સમયેજ બ્રહ્મા તથા સરસ્વતીજી પ્રગટ થઈ ભગવાન શિવજી અને માતા પાર્વતીના લગ્નનો શુભ મુહૂર્ત દર્શાવે છે. આ દિવ્ય ક્ષણના વર્ણનથી સમગ્ર કથા મંડપમાં ભક્તિરસ છવાઈ ગયો હતો.
બાપુજીએ વધુમાં જણાવ્યું કે ચૈત્ર સુદ તેરસ, રવિવાર અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના શુભ સંયોગમાં ભગવાન શિવજી અને માતા પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો. તેમણે સમજાવ્યું કે લગ્નમાં મુહૂર્તનું વિશેષ મહત્વ છે, પરંતુ તેનાથી પણ વધુ મહત્વ હૃદયની શુદ્ધિ અને મનની પવિત્રતાનું છે. ભગવાન શિવજીને પામવા માટે બાહ્ય આડંબર કરતાં અંતરંગ ભક્તિ અને નિર્મળ ભાવ આવશ્યક છે.

પ્રવચનમાં બાપુજીએ જીવન ઉપયોગી અને વ્યવહારુ સંદેશ આપતાં કહ્યું કે કથા આપણને પવિત્ર, સંયમી અને સદ્માર્ગી બનાવવા માટે છે. ભક્તિ શિવકૃપા કે સંતકૃપાથી પ્રાપ્ત થાય છે અને સંતસંગત જીવનને સારા માર્ગે દોરી જાય છે. પરિવારિક જીવન અંગે માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું કે પતિ-પત્નીના સંબંધમાં સમજણ અને સહનશીલતા હોવી જોઈએ. પત્નીને સમજાવવાને બદલે તેને સમજવાની ભાવના રાખવી, બાળકોને સારા સંસ્કાર આપવાં અને તેમને ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડવાં ખૂબ જરૂરી છે. સંતોના ચરણોમાં જવાથી અવગુણ પણ ગુણમાં પરિવર્તિત થઈ જાય છે, એવો સંદેશ પણ તેમણે આપ્યો હતો.
શિવ વિવાહ મહોત્સવ દરમિયાન ભક્તો માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, આરતી અને ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર નાનાપોંઢા ગામ ભક્તિરસમાં સરોબર થઈ ગયું હતું.

આજનો ભંડારો રાકેશભાઈ યાદવના (રેતીવાળા )ના પરિવાર દ્વારા શ્રદ્ધાભાવપૂર્વક કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક મુકેશભાઈ જે. પટેલ (સરપંચ, નાનાપોંઢા તથા APMC ચેરમેન) રહ્યા હતા. તેમના માર્ગદર્શન અને ગ્રામજનોના સહકારથી સાર્વજનિક કૈલાશ મુક્તિધામના લાભાર્થે આયોજિત આ શિવકથા સફળતાપૂર્વક આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરી રહેવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.