
નાનાપોંઢામાં ભાજપનું શક્તિપ્રદર્શન: ‘આદિવાસી મહાસંમેલન’માં ઉમટ્યું માનવ મહેરામણ, વિરોધ પક્ષો પર આકરા પ્રહાર
૨૦૨૭ની વિધાનસભામાં તમામ ૨૭ આદિવાસી બેઠકો જીતવાનો મંત્રી શ્રી નરેશભાઈ પટેલનો હુંકાર
નાનાપોંઢા ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આયોજિત ‘આદિવાસી મહાસંમેલન’ રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ અને શક્તિપ્રદર્શનરૂપ સાબિત થયું હતું.

વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ મહાસંમેલનમાં આદિવાસી સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા. નાનાપોંઢા ભગવાન શ્રી બિરસા મુંડા સર્કલથી કાર્યક્રમ સ્થળ સુધી ઘેરૈયા નૃત્ય, પરંપરાગત વેશભૂષા અને ડીજે સ્ટાર રોકી સાથે ભવ્ય અભિવાદન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું. સમગ્ર વિસ્તાર ‘ભારત માતા કી જય’ અને ‘જય આદિવાસી’ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી પ્રશાંતભાઈ કોરાટના માર્ગદર્શન હેઠળ આદિજાતિ મોરચાના નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પટેલ તથા પ્રદેશ મંત્રી શ્રીમતી સોનલબેન સોલંકી (જૈન)નું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વલસાડ-ડાંગના સાંસદ તથા લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ, કાર્યક્રમના યજમાન ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી અને ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ મહાસંમેલનમાં ઉપસ્થિત તમામ આદિવાસી ભાઈ-બહેનો, કાર્યકર્તાઓ અને આગેવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ યજમાન ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી અને ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરે આદિવાસી વિસ્તારોમાં ભાજપ સરકાર દ્વારા થયેલા વિકાસકાર્યોનો ઉલ્લેખ કરી જનતાનો વિશ્વાસ ભાજપ પ્રત્યે મજબૂત થયો હોવાનું જણાવ્યું હતું. પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપે હંમેશા અંતિમ પંક્તિમાં ઊભેલા માનવીના કલ્યાણને કેન્દ્રમાં રાખી નીતિઓ ઘડી છે.
મહાસંમેલનમાં વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ હંમેશા આદિવાસી સમાજને ગુમરાહ કરવાની રાજનીતિ કરે છે. મધ્યપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય ફુલસિંહ બારૈયા દ્વારા આદિવાસી અને SC સમાજની મહિલાઓ વિશે કરવામાં આવેલા અભદ્ર નિવેદન અંગે તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. શ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આવા ગંભીર નિવેદન બાદ પણ કોંગ્રેસ તરફથી કોઈ સ્પષ્ટ માફી કે કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે માંગ કરી હતી કે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આદિવાસી અને SC સમાજની જાહેર માફી માંગે તથા વિવાદિત નિવેદન આપનારધારાસભ્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ આ નિવેદનનું જાહેર ખંડન કરવું જોઈએ તેવી પણ માંગ ઉઠાવી હતી.
આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાએ મહાસંમેલન અને ભવ્ય રેલી બાદ વિરોધ પક્ષોને આડે હાથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ માત્ર રેલી નથી, આ તો ‘મહારેલો’ છે, જે સાબિત કરે છે કે આદિવાસી સમાજ ભાજપની સાથે મક્કમતાથી ઉભો છે.” તેમણે આરોપ લગાવ્યો કે, કેટલાક પક્ષો આદિવાસી સમાજને ભડકાવવાનો અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હવે સમાજ જાગૃત થયો છે. રોડ-રસ્તા, શુદ્ધ પીવાનું પાણી, સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ ભાજપ સરકાર દ્વારા પૂરતી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે આદિવાસી સમાજના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. ભૂતકાળની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, લોકસભાની પાંચ બેઠકો અને ૨૭ આદિવાસી અનામત બેઠકોમાંથી ૨૪ પર ભાજપના વિજયે જનતાનો વિશ્વાસ સ્પષ્ટ કર્યો છે.
મહાસંમેલનમાં મુખ્ય સંબોધન કરતા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અપેક્ષા કરતા અનેકગણી વધુ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સંમેલનમાં જોડાયા હતા. તેમણે આ ઉત્સાહને ‘રેલા’ સમાન ગણાવ્યો હતો. કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું. આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વાર્ષિક ₹40,000 કરોડ ખર્ચ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, પાકા રસ્તા, રોજગારી અને સ્કીલ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના ૧૪ જિલ્લાઓમાં પ્રવાસ કરી સમાજની સુખાકારી માટે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું આયોજન પણ તેમણે જાહેર કર્યું હતું. સાથે જ તેમણે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં તમામ ૨૭ આદિવાસી બેઠકો જીતવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી ડો. કે.સી. પટેલ, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા સંગઠનના હોદેદારો, વિવિધ મંડળો અને મોરચાના કાર્યકર્તાઓ, જિલ્લા-તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સભ્યો તેમજ આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમથી નાનાપોંઢામાં ભાજપની સંગઠનાત્મક શક્તિ અને આદિવાસી સમાજમાં તેની મજબૂત પકડ સ્પષ્ટ રીતે દેખાઈ આવી હતી.















