સુખાલા (પટેલ ફ.) ખાતે શ્રી અંબે માતાજી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આરંભ !

admin

Published on: 18 January, 2026

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નાનાપોંઢા તાલુકાના સુખાલા (પટેલ ફ.) ગામે સ્થિત શ્રી અંબે માતાજી મંદિરમાં તારીખ ૧૮ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ભવ્ય અને દિવ્ય ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભક્તિભાવભર્યો આરંભ થયો છે. શ્રી અંબે માતાજીની અસીમ કૃપાથી અને ભગવતી અલખધણી ધામ વાંઝણાના પરમ પૂજ્ય સંતશ્રી વિજયબાપુની પાવન ઉપસ્થિતિમાં આયોજિત આ મહોત્સવમાં સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ દેહ શુદ્ધિ, પ્રાયશ્ચિત વિધિ, ભવ્ય શોભાયાત્રા, પીઠની તૈયારી તથા દીપ પ્રાગટ્ય સાથે ધાર્મિક વિધિઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે કુટિર હવન, સત્સંગ કાર્યક્રમ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો. સાંજના સમયે યોજાયેલા સત્સંગ કાર્યક્રમમાં ભક્તિરસ છલકાયો હતો.

આ પ્રસંગે પરમ પૂજ્ય સંતશ્રી વિજયબાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે માતાજીની કૃપાથી નવ વર્ષના સમયગાળામાં મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે, જે નવરાત્રીના નવ દિવસોની આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે. ગામના યુવાનોની નિષ્ઠા, મહેનત અને એકતાથી મંદિરનું નિર્માણ શક્ય બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે મા અંબાજીની કૃપા અને મહિમાની ભાવસભર વાતો કરી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.

મહોત્સવ દરમિયાન ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)મુકેશભાઈ જે. પટેલ (સરપંચ, નાનાપોંઢા તથા APMC ચેરમેન) નિવૃત્ત અધિક કલેક્ટર શ્રી જે.ડી. પટેલ તેમજ જનની હોસ્પિટલના ડૉ. ચંદ્રકાંતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવના મુખ્ય યજમાન તરીકે પરભુભાઈ છનાભાઈ પટેલ પરિવાર રહ્યા હતા, જ્યારે સમગ્ર આયોજન નવસર્જન યુવક મંડળ, સુખાલા (પટેલ ફ.) દ્વારા કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ ધાર્મિક મહોત્સવથી સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનું માહોલ સર્જાયો છે.