રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની શાનદાર ઉજવણી

મંત્રીશ્રીના હસ્તે કુલ રૂ. ૨૨ કરોડ ૧૧ લાખના ખર્ચે વિકાસના કાર્યોનું ઇ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

રૂ. ૧૬૦ કરોડના ખર્ચે દમણગંગા નદી પર વિયર મંજુર થતા પાણીની જરૂરિયાત સંતોષાશે, આ સિવાય રિવર ફ્રન્ટ અંગે પણ કામ થઈ રહ્યું છે: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

લોકસાહિત્યના જાણીતા કલાકાર સાંઈરામ દવે અને વિમલ મહેતાની ટીમે સંગીતની સુરાવલી વહેડાવી અને હાસ્યની છોળો ઉડાડતા વાપીવાસીઓ માટે શુક્રવારની સાંજ યાદગાર બની

વાપી મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ત્વરિત મળી રહે તે માટે મોબાઈલ એપનું ઇ -લોકાર્પણ મંત્રીશ્રીના હસ્તે કરાયું

વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ -૨૦૨૫ ની ૨૦ વર્ષની ઉજવણી પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને રૂ. ૧૭ કરોડ ૯૧ લાખના ખર્ચે વિકાસના છ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૪ કરોડ ૨૦ લાખના ખર્ચે બે વિકાસ કાર્યોનું લોકાર્પણ વાપીના નામધા ખાતે રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ગુજરાતના લોકસંગીત અને લોકસાહિત્યના જાણીતા કલાકાર સાંઈરામ દવે અને વિમલ મહેતાની ટીમે સંગીતની સુરાવલી વહેડાવી અને હાસ્યની છોળો ઉડાડતા વાપીવાસીઓ માટે શુક્રવારની સાંજ યાદગાર બની ગઈ હતી.


આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, કચ્છના ભૂંકપ બાદ નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રીશ્રી તરીકે ગુજરાતનું સુકાન સંભાળી ઉદ્યોગોના વિકાસ માટે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવતા દેશ વિદેશના ઉદ્યોગકારો એ રોકાણ કર્યું હતું. બાળકો શિક્ષિત બને તે માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. આ જ રીતે વનબંધુ વિકાસ યોજના અને સાગર ખેડુ યોજના સહિત અનેક આયામો સર કર્યા હતા. શહેરોનો વિકાસ થાય તે માટે વર્ષ ૨૦૦૫માં શહેરી વિકાસ યોજનાની શરૂઆત કરાવી હતી. આજે ગુજરાત સમગ્ર દેશમાં સ્વચ્છતામાં અગ્રેસર છે. વાપી પણ આગામી વર્ષમાં સ્વચ્છતામાં આગળ નંબર લાવશે એવી મને ખાતરી છે. વાપી મહાનગરપાલિકા બનતા લોકોની અપેક્ષાઓ પણ વધી છે.

જે પરિપૂર્ણ થાય તે માટે રૂ. ૬૦૦ કરોડ ઉપરાંતનું વાપી મનપાનું બજેટ ફાળવાયું છે. રૂ. ૧૬૦ કરોડના ખર્ચે દમણગંગા નદી પર વિયર મંજુર થતા પાણીની જરૂરિયાત સંતોષાશે. આ સિવાય રિવર ફ્રન્ટ અંગે પણ કામ થઈ રહ્યું છે. હાલમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સહિતના કામો પણ પૂર્ણ થવાની તૈયારી છે.

વાપી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે અર્બન ડેવલોપમેન્ટ પર વિશેષ ભાર મુક્યો છે. ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં ૬૦ ટકા વસ્તી અર્બનમાં વસે છે. જેના ભાગરૂપે ૧૧ નવી મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવી છે. સરકારે લોકોની ક્વોલિટી લાઈફ પર ફોકસ કર્યું છે. આ દીર્ઘદ્રષ્ટિનું કાર્ય છે. વાપી મનપામાં સમાવિષ્ટ ૧૧ ગામડાઓમાં વિકાસ કાર્યોમાં સારો સહયોગ મળી રહ્યો છે. ૧૦ વર્ષમાં જે વિકાસના કામો થાય તે ૧ વર્ષમાં સમાવેશ કર્યા છે. અંદાજે રૂ. ૬૦ કરોડના ખર્ચે ૧૧ ગામોમાં ૧૦ થી ૨૦ લાખ લિટરની પાણીની ટાંકી આગામી દોઢ વર્ષમાં બનવા જઇ રહી છે. જેથી ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી મળતા પાણીની સમસ્યા હલ થશે. આ સિવાય ડ્રેનેજ લાઈનની ૯૪ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. વરસાદ બાદ નવેમ્બરથી માર્ચ સુધીમાં ૬૦ કિમી રોડના કામો થનાર છે. રાજ્ય સરકારે રોડ, પાણી અને ડ્રેનેજ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.


આ પ્રસંગે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વાપીમાં ૨૦ વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની વિડીયો કલીપ નિહાળી હતી. વાપીના વિકાસ કાર્યોની બુકલેટનું અનાવરણ મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. વાપી મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ત્વરિત મળી રહે તે માટે મોબાઈલ એપનું ઇ -લોકાર્પણ પણ મંત્રીશ્રીના હસ્તે કરાયું હતું.


આ પ્રસંગે વાપી નોટિફાઈડ બોર્ડના ચેરમેન યોગેશ કાબરિયા, વાપી પાલિકાના માજી પ્રમુખ સર્વશ્રી પરેશ દેસાઈ, કાશ્મીરા શાહ, વિઠ્ઠલભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા, વાપી મનપા ડેપ્યુટી કમિશ્નરશ્રી આસ્થા સોલંકી, અશ્વિન પાઠક, વાપી મનપા ઇન્ચાર્જ સિટી ઈજનેર જતીન પટેલ અને વાપી શહેર સંગઠન પ્રમુખશ્રી મનીષ દેસાઈ સહિત મોટી સંખ્યામાં વાપીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ખાતમુર્હુતના કાર્યો

(૧) વાપી શહેરના વિવિધ હેડવર્ક્સ માટે અંદાજીત રૂ. ૭.૮૭ કરોડની રકમના ઇલેક્ટ્રો-મિકેનિકલ કામનું ખાતમુર્હુત
(૨) ચણોદ ખાતે ૩૦ લાખ લીટરની ટાંકી તેમજ પાણી પુરવઠાને સક્ષમ કરવા માટે અંદાજીત રૂ. ૫.૫૬ કરોડની રકમના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત
(૩) સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ઉચ્ચ પ્રવાહની જેટિંગ અને સક્શન મશીન-૧૦ (પુનઃપ્રક્રિયા વ્યવસ્થા સાથે)ની ખરીદી કરવાના કામનું ખાતમુર્હુત
(૪) બલિઠા ખાતે અંદાજીત રૂ. ૩.૨૭ કરોડની રકમના ૨૦ લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી તેમજ પાણીપુરવઠાને સક્ષમ કરવા માટે રકમના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત
(૫) નામધા અને ચંડોર ખાતે ૧૦ લાખ લીટરની ટાંકી તેમજ પાણી પુરવઠા ને સક્ષમ કરવા માટે અંદાજીત રૂ. ૨.૫૯ કરોડની રકમના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત
(૬) અંદાજીત રૂ. ૩.૮૮ કરોડની રકમ ના ડુંગરા અને સુલપડ ખાતે રાઈઝિંગ મેઈન પાઈપલાઈન અને જલારામ સોસાયટી ના હેડ વર્કસ ના મજબૂતીકરનના કામનું ખાતમુર્હુત

લોકાર્પણના કાર્યો

(૧) ઈ ગવર્નન્સ સર્વિસીસ અર્થે રૂ.૧.૬૦ કરોડનાં ખર્ચે જુદા જુદા ૨૦ પ્રકારના સોફ્ટવેર મોડયુલ અને વિવિધ સુવિધા સભર મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણનું
(૨) રૂ. ૨.૬૦ કરોડનાં ખર્ચે ૧ ટ્રક માઉન્ટેન રોડ સ્વીપીંગ મશીન અને ૨ લીટર પીકર મશીનનું લોકાર્પણ