ધરમપુર: રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા પોલીસ જવાનોને રક્ષા બાંધી, રક્ષાબંધન ઉત્સવ અનોખી રીતે ઉજવાયો

ધરમપુર ખાતે રક્ષાબંધન પર્વ નિમિતે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો તથા નાનાં બાળકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ જવાનોને રક્ષા બાંધીને તેમનો આભાર વ્યક્ત કરાયો હતો. સમાજની સુરક્ષા માટે સતત રાત્રિ-દિવસ ખડેપગે ઊભા રહી સેવા આપતાં પોલીસ જવાનોને આ અભિનંદન પ્રસંગમાં મોંઢું મીઠું કરાવતું ભાઇ-બહેન વચ્ચેના પવિત્ર સ્નેહનું પ્રતિક સમારંભ જ લાગતો હતો.

આ સન્માન સમારોહ દરમિયાન ધરમપુરના PI શ્રી નિખિલ ભોયા, PSI આર.કે. પ્રજાપતિ તથા મહિલા પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અધિકારીઓએ યુવતીઓ અને નાની બાળકીઓ સાથે સજાગતાપૂર્વક ચર્ચા કરી હતી. પોલીસ વિભાગની કામગીરી, કાયદો અને નૈતિક સજાગતાને લગતી જાણકારી આપી હતી. તદ્દઉપરાંત વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ પોતાનું પણ રક્ષણ કરી શકે તેવા બોધપૂર્ણ સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

રાષ્ટ્ર સેવિકા સમિતિના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, “અમે દર વર્ષે આવા પ્રસંગે પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનો સાથે રક્ષાબંધન ઉજવીને તેમનાં અવિરત સેવાકાર્ય માટે આભાર વ્યક્ત કરીએ છીએ. પોલીસ કર્મીઓ પણ આપણા ભાઇ જેવા છે, જેઓ રાત્રે-દિવસ સમાજ માટે પોતાનું કૌટુંબિક જીવન છોડીને સેવા આપી રહ્યા છે. તેમની સાથે આ ભાવનાત્મક જોડાણ એ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારનું પ્રતિક છે.”

આ રીતે રાષ્ટ્ર સેવિકા સમિતિએ રક્ષાબંધન પર્વને માત્ર ધાર્મિક નહીં પણ સમાજ જાગૃતિ અને રાષ્ટ્રસેવાનાં ઊંડા ભાવ સાથે ઉજવતાં એક મજબૂત સંદેશો આપ્યો છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા પોલીસ તંત્ર અને જનતા વચ્ચે વિશ્વાસ અને સહભાગિતાનું ઋણ બંધાય છે, જે સમાજની શાંતિ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.