ફાગણ મહિનાનો પ્રારંભ થયો છે. ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલી છે.

admin

Published on: 20 February, 2026

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મિત્રો – શુભ સવાર.
“ફાગણ ફોરમતો આયો રે…”
હે ઈશ્વર,
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.
ફાગણ મહિનાનો પ્રારંભ થયો છે. ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. આપણું જીવન, આપણા તહેવારો, આપણું સંગીત – બધું જ ઋતુચક્ર સાથે સંકળાયેલું છે. ફાગણ એટલે પાનખરનો અંત અને વસંતના શણગારની શરૂઆત. એટલે સર્જનની શરૂઆત. સૂકાઈ ગયેલા વૃક્ષોમાં ફરીથી કૂંપળો ફૂટે છે, કળી બેસે છે, હવામાં સુગંધ ભળે છે અને મનમાં અજબ પ્રકારની પ્રસન્નતા જન્મે છે.
ખાખરાના સૂકાઈ ગયેલા ઝાડ પર જ્યારે કેસુડાના કેસરી ફૂલ લદાય છે ત્યારે જાણે કુદરત પોતે રંગોળી ભરે છે. કેસુડાનું ફૂલ માત્ર સુંદર જ નથી, ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. એની શીતળતા અને સુગંધ મનને શાંતિ આપે છે. કુદરતનો આ ચમત્કાર આપણને શીખવે છે કે નિરાશા પછી આશા આવે છે, પાનખર પછી વસંત આવે છે.
વિદેશોમાં પણ વસંતોત્સવનો આનંદ અનોખો હોય છે. જર્મનીના ચેરી બ્લોસમથી લદાયેલા બાગો જોઈને આંખો તૃપ્ત થઈ જાય છે. કુદરતનું આ સૌંદર્ય માનવીય શક્તિથી પર છે. વિજ્ઞાન કેટલુંય આગળ વધે, પણ પ્રકૃતિની નિઃસ્વાર્થતા અને સર્જનશક્તિ સુધી પહોંચી શકતું નથી.
મહા મહિનાથી ચૈત્ર સુધી વસંત ઋતુ ચાલે છે અને ફાગણ એનો મુખ્ય મહિનો છે. આ સમયમાં હવા મીઠી લાગે છે, સૂર્ય કડક નથી, અને રાત્રિઓમાં ચાંદની ખાસ રુમાની લાગે છે. મનુષ્યના મન પર ચંદ્રનો પ્રભાવ માનવામાં આવે છે. ફાગણમાં ચંદ્રની પૂર્ણિમા વિશેષ તેજસ્વી લાગે છે. એટલે આ મહિનો મનોવૈજ્ઞાનિક રીતે પણ સુખદ અનુભૂતિ કરાવે છે.
ફાગણમાં આવતો મુખ્ય તહેવાર છે – હોળી. ભક્ત પ્રહલાદની કથા, હોલિકાદહન અને બુરાઈ પર સદગુણની જીત – આ બધું આપણને ભક્તિ અને સત્યના માર્ગે ચાલવાનું સંદેશ આપે છે. બીજા દિવસે ધૂળેટી, એટલે રંગોત્સવ. એકબીજાને રંગ લગાવી, મનના ભેદ ભૂલી, હાસ્ય અને પ્રેમથી ભળવાનું પર્વ.
બરસાનાની હોલીમાં રાધા-કૃષ્ણના પ્રેમની ગાથા ગવાય છે, તો મહાશિવરાત્રિના પર્વે શિવ-પાર્વતીના દૈવી મિલનની યાદ આવે છે. આમ આખો મહિનો “પ્રેમ”ના રંગથી રંગાયેલો હોય છે. કદાચ એટલા માટે જ ફાગણને સુખનો મહિનો કહેવામાં આવે છે.
પરંતુ અહીં એક પ્રશ્ન છે – સુખ શું છે?
આજના યુગમાં માણસે સુખને સાધનો સાથે બાંધી દીધું છે. ગમતું ભોજન મળે તો સુખી, ન મળે તો દુઃખી. મનગમતી વસ્તુ, કપડાં, ઘર, વાહન – બધું પોતાની પસંદનું હોય તો સુખી. ન હોય તો અશાંતિ.
મન એક અદૃશ્ય ઈન્દ્રિય છે, જે સતત ઈચ્છાઓ પેદા કરે છે. એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઊભી થાય. જાહેરાતોના યુગમાં જરૂરિયાતો વધતી જાય છે અને માણસ પોતાના પાસે જે છે એમાં સંતોષ શોધી શકતો નથી.
પણ વિચારીએ તો સુખ કોઈ વસ્તુમાં નથી, સુખ એ મનની સ્થિતિ છે. વિકટ પરિસ્થિતિમાં પણ જે રાહત અને શાંતિની લાગણી થાય, એ સુખ. ભૂખ્યા હોય ત્યારે સાદું ભોજન પણ અમૃત સમાન લાગે – કારણ કે મન તૃપ્ત થાય છે.
ફાગણનો સંદેશ એ છે કે જીવનમાં પોઝિટિવતા લાવો. પાનખર પછી વસંત આવે છે – એટલે નિરાશા પછી આશા આવવાની જ છે.
આજકાલ એક જાહેરાતમાં કહે છે – “છોટી છોટી ચીજો સેલિબ્રેટ કર પ્યારે…” સાચે જ, જો માણસ નાની નાની બાબતોમાં આનંદ શોધે, તો જીવન સરળ બની જાય. સવારનો સૂર્યોદય, પંખીઓનો કલરવ, પરિવાર સાથેની હાસ્યભરી ક્ષણો – આ બધું સુખના સૂત્ર છે.
અપણે નક્કી કરવું પડે કે આપણે બીજાને દુઃખી કરી સુખી થવું છે કે બીજાના સુખમાં પોતાનું સુખ શોધવું છે? સાચું સુખ પરોપકાર અને નિઃસ્વાર્થ ભાવમાં છે.
ફાગણમાં આવતા તહેવારો સામૂહિક ઊર્જાનો સંદેશ આપે છે. હોળી-ધૂળેટી માત્ર રંગોનો ઉત્સવ નથી, એ હૃદયના કલુષિત ભાવોને દહન કરવાનો અવસર છે.
જીવનમાં આશા અને આકાંક્ષાનું વર્તુળ પોતાની મર્યાદામાં રચવું જોઈએ. શારીરિક, માનસિક અને આર્થિક મર્યાદા સ્વીકારી, આત્મોત્થાનની ભાવના જીવંત રાખવી જોઈએ.
જેઓ પ્રકૃતિની જેમ નિઃસ્વાર્થ બની કર્મ કરે છે, ઈશ્વર પણ એમનો સાથ આપે છે. ફાગણ આપણને શીખવે છે –
પાનખરથી ડરશો નહીં
વસંતનો વિશ્વાસ રાખો
નાની ખુશીઓમાં આનંદ શોધો
પ્રેમ અને પરોપકારને જીવનમાં સ્થાન આપો
તો આવો, ફાગણની આ સકારાત્મક ઊર્જાને આત્મસાત કરીએ. મનના કલુષિત ભાવોને હોળીદહનમાં અર્પણ કરી, રંગોત્સવમાં પ્રેમના રંગે રંગાઈએ.
આજના દિવસ માટે સૌને સ્નેહ વંદન.
જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)