Monday, 16 November 2026
AAJ TAK
News

વલસાડના નાનાપોંઢા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી !

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતિએ આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ અને શૌર્યની ગાથા જીવંત બની – ૧૮ હજાર આદિવાસી પરિવારોને વન અધિકાર પત્રોનું વિતરણ, રૂ. ૪૮.૩૧ કરોડનાં વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ

કોંગ્રેસે આદિવાસી સમાજનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો, વર્ષ ૨૦૦૧માં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ બાદ આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી શરૂઆત થઈ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ભારતના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજની અસ્મિતા, ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને વિકાસની ગાથાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સ્થળ ‘જય જોહાર’, ‘ભગવાન બિરસા મુંડા અમર રહો’ અને આદિવાસી અસ્મિતાના નારાથી ગુંજી ઊઠ્યું હતું.

ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શોભાયાત્રાનો પ્રારંભ

જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો પ્રારંભ નાનાપોંઢા સર્કલ ખાતે આવેલી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. તેમણે પ્રતિમાને ફૂલહાર પહેરાવી મહાન ક્રાંતિકારીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ત્યારબાદ નાનાપોંઢા સર્કલથી મુખ્ય કાર્યક્રમ સ્થળ હેલિપેડ ગ્રાઉન્ડ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં પરંપરાગત આદિવાસી વેશભૂષા, ઢોલ-નગારાં, ઘાંઘળી, તારપા સહિતનાં લોકવાદ્યોના તાલે વિવિધ લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યાં હતાં. ડાંગ અને નવસારી જિલ્લાના ૩૪ કલાકારોએ ડાંગી અને આદિવાસી લોકનૃત્યની અદભુત પ્રસ્તુતિ કરી હતી. શોભાયાત્રા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આદિવાસી નૃત્યમાં સહભાગી થયા હતા. આ દૃશ્યએ ઉપસ્થિત જનમેદનીમાં વિશેષ ઉત્સાહ જગાવ્યો હતો.

આદિવાસી સમાજનું બલિદાન દેશની અમૂલ્ય વિરાસત: હર્ષ સંઘવી

મુખ્ય સમારોહને સંબોધતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ‘જય જોહાર’ના ગગનભેદી નારા સાથે પોતાના પ્રવચનની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિને સમગ્ર દેશમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી આદિવાસી સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય સન્માન મળ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજે દેશની આઝાદી માટે અમૂલ્ય બલિદાન આપ્યાં છે. આ સમાજે માત્ર જંગલો અને પ્રકૃતિનું જતન કર્યું નથી, પરંતુ દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી છે. માનગઢના ગોવિંદ ગુરુ, રૂપસિંહ નાયક, મોતીલાલ તેજાવત અને દર્શનીબેન ચૌધરી સહિતના મહાન ક્રાંતિકારીઓના યોગદાનને યાદ કરી તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાતના બનાસકાંઠાથી ડાંગ સુધી વિસ્તરેલા ૧૪ આદિવાસી જિલ્લાઓની આગવી સંસ્કૃતિનો ઉલ્લેખ કરતાં તેમણે શામળાજીનો ચિત્ર-વિચિત્ર મેળો, કવાંટનો મેળો અને ડાંગ દરબાર જેવી પરંપરાઓને આદિવાસી સમાજની ઓળખ ગણાવી હતી. નાગલીનો રોટલો, ઉંબાડિયું, વાંસનું અથાણું અને અડદની દાળ જેવી પરંપરાગત વાનગીઓ પ્રકૃતિ સાથેના આદિવાસી સમાજના અતૂટ સંબંધની ઓળખ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

કોંગ્રેસ પર રાજકીય પ્રહાર, મોદી સરકારના વિકાસકાર્યોની રજૂઆત

નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીએ પોતાના સંબોધનમાં પૂર્વવર્તી કોંગ્રેસ સરકારો પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આઝાદી પછી લાંબા સમય સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે આદિવાસી સમાજનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો હતો. ધરમપુર જેવા વિસ્તારોમાં વર્ષ ૨૦૦૧ સુધી અનેક ગામોમાં વીજળી, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓનો અભાવ હતો.

તેમણે જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય અને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અલગ મંત્રાલયની રચના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ છે.

વર્ષ ૨૦૦૧માં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, માર્ગ, વીજળી અને પાણી જેવી સુવિધાઓના વિકાસને નવી ગતિ મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.

શિક્ષણ ક્ષેત્રે આદિવાસી સમાજ માટે નવી તકો

શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિના આંકડા રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અગાઉ આદિવાસી વિસ્તારોમાં માત્ર ૭ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો હતી, જે આજે વધીને ૫૭ થઈ છે. આ ઉપરાંત ૪૩ ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલો, ૧૨થી વધુ મોડેલ ડે સ્કૂલો, ૭૪ આદર્શ નિવાસી શાળાઓ, ૬૬૫ આશ્રમશાળાઓ અને ૨૨,૫૦૦ સ્માર્ટ ક્લાસરૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આઈ.ટી.આઈ.ની સંખ્યા ૩૧થી વધીને ૭૮ થઈ છે, જ્યારે તાલીમની બેઠકો ૯,૨૦૦થી વધારીને ૩૬,૦૩૭ કરવામાં આવી છે. આ સુવિધાઓના પરિણામે આદિવાસી યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય આધારિત રોજગારની નવી તકો મળી રહી છે.

આજે આદિવાસી સમાજનાં દીકરા-દીકરીઓ પાઇલટ, કલેક્ટર, પોલીસ અધિક્ષક (એસ.પી.), ડોક્ટર અને એન્જિનિયર બનીને દેશ-વિદેશમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે, જે સમાજ માટે ગૌરવની બાબત છે.

આરોગ્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ

આરોગ્ય સુવિધાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે, અગાઉ આદિવાસી વિસ્તારોમાં માત્ર બે મેડિકલ કોલેજો હતી, જેની સામે આજે ૧૨ મેડિકલ કોલેજો કાર્યરત છે. એમ.બી.બી.એસ.ની બેઠકો ૨૨૦થી વધારીને ૨,૦૫૦ કરવામાં આવી છે.

એક કરોડથી વધુ નાગરિકોનું સિકલસેલ એનિમિયા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં આયુષ્માન ભારત કાર્ડ હેઠળ આદિવાસી પરિવારોને રૂ. ૧,૭૬૪ કરોડની આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં ૩૩૬ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ કાર્યરત છે.

૧૮ હજાર પરિવારોને વન અધિકાર પત્રોનું વિતરણ

વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસી પરિવારોને મળેલા લાભોની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક લાખથી વધુ આદિવાસી પરિવારોને ૭૪ હજાર હેક્ટરથી વધુ જમીનના માલિકી હકો આપવામાં આવ્યા છે.

જનજાતીય ગૌરવ દિવસના પવિત્ર અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક જ દિવસમાં ૧૮ હજારથી વધુ આદિવાસી પરિવારોને વન અધિકાર પ્રમાણપત્રો અને રેકોર્ડ ઓફ રાઇટ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ નિર્ણયથી હજારો પરિવારોને જમીનના અધિકાર સાથે સામાજિક અને આર્થિક સુરક્ષા મળવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

રૂ. ૪૮.૩૧ કરોડનાં વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત રૂ. ૬.૮૨ કરોડના કુલ ૯૩ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે રૂ. ૪૧.૪૯ કરોડના કુલ ૩૮૧ વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ, કુલ રૂ. ૪૮.૩૧ કરોડનાં ૪૭૪ વિકાસકાર્યોની ભેટ વલસાડ જિલ્લાના નાગરિકોને આપવામાં આવી હતી.

વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતો, વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓ અને રમતવીરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી વિકાસલક્ષી યોજનાઓની પ્રદર્શનીને ખુલ્લી મૂકી હતી અને વિવિધ સ્ટોલની મુલાકાત લઈ યોજનાઓની માહિતી મેળવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યોએ આદિવાસી ગૌરવની વાત કરી

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને વૈશ્વિક સ્તરે ગૌરવવંતુ સ્થાન અપાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આદિવાસી સમાજની ગૌરવશાળી સંસ્કૃતિ ભારતીય ધરોહરનો મહત્વપૂર્ણ હિસ્સો છે. તેમણે શિક્ષણ, આરોગ્ય અને વૃક્ષારોપણ જેવા ક્ષેત્રોમાં સૌના સહકારથી વિકાસની ગતિ વધુ તેજ બનાવવા અનુરોધ કર્યો હતો.

કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ એચ. ચૌધરીએ ભગવાન બિરસા મુંડાના અદમ્ય સાહસ અને બલિદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, માત્ર ૨૫ વર્ષની નાની વયે અંગ્રેજ સલ્તનત સામે લડીને દેશ અને આદિવાસી સમાજ માટે પ્રાણોની આહુતિ આપનાર આ મહાન ક્રાંતિકારીને વર્ષો સુધી યોગ્ય સન્માન મળ્યું નહોતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧માં ૧૫ નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ જાહેર કરીને આદિવાસી સમાજને વિશેષ ગૌરવ અને સન્માન આપ્યું છે.

તેમણે ગુજરાતના ૧૪ આદિવાસી જિલ્લાઓમાં રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પણ ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્ર, સાહસ અને રાષ્ટ્રપ્રેમનું મહત્ત્વ સમજાવ્યું હતું.

આદિવાસી સંસ્કૃતિની ભવ્ય પ્રસ્તુતિએ સૌને મંત્રમુગ્ધ કર્યા

કાર્યક્રમ દરમિયાન આદિવાસી દેવી-દેવતાઓ અને ભગવાન બિરસા મુંડાના ચિત્રનું ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું જિલ્લા વહીવટી તંત્ર, પ્રદેશ એસ.ટી. મોરચા અને જિલ્લા સંગઠન દ્વારા આદિવાસી વાદ્યો ઘાંઘળી, તારપા તથા વારલી ચિત્રકલા દ્વારા પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું હતું.

ગરીબ પરિવારમાંથી આગળ આવી ડોક્ટર બનેલી આદિવાસી દીકરી ડો. શ્રીદેવી માહલાએ પોતાની સફળતાની ગાથા રજૂ કરી હતી. તેમણે શિક્ષણની સફરમાં સરકારની યોજનાઓ અને સહાયથી મળેલા પ્રોત્સાહન અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.

મહારાષ્ટ્રના ગઢચિરોલી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું. ડાંગ અને નવસારી જિલ્લાના ૩૪ કલાકારોએ રજૂ કરેલાં પરંપરાગત ડાંગી અને આદિવાસી લોકનૃત્યોએ કાર્યક્રમમાં સાંસ્કૃતિક રંગ પૂર્યો હતો.

અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજની ઉપસ્થિતિ

આ ભવ્ય સમારોહમાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણા, પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી સોનલબેન સોલંકી, પ્રદેશ એસ.ટી. મોરચાના મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, જિલ્લા સંગઠન પ્રભારી વિનય શુક્લા, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખો તથા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્મૃતિ દેસાઈ અને અવની પટેલે કર્યું હતું, જ્યારે આભારવિધિ તકેદારી વિભાગ કચેરીના મદદનીશ કમિશનર વિક્રાંત થોરાતે કરી હતી.

આમ, નાનાપોંઢા ખાતે યોજાયેલો જનજાતીય ગૌરવ દિવસ માત્ર જન્મજયંતિની ઉજવણી પૂરતો સીમિત ન રહેતાં આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, શૌર્ય, સંસ્કૃતિ, પરંપરા અને વિકાસના સંકલ્પનો ઉત્સવ બની રહ્યો હતો. ભગવાન બિરસા મુંડાના વિચારો અને બલિદાનને યાદ કરીને આદિવાસી સમાજના સર્વાંગી ઉત્થાન માટે એકજૂથ થઈ આગળ વધવાનો સંદેશ આ ભવ્ય સમારોહમાંથી આપવામાં આવ્યો હતો.

Related Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *