ધરમપુરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી દરમિયાન દહીહાંડી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના બજાર ટાવર પાસે સનાતની બોયઝ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તિ અને ઉત્સાહનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું. ડીજેના તાલે ગુંજતા ભજન-ગીતો વચ્ચે યુવાનોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો.

આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે એક વિદેશી મહિલાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સૌને ચકિત કર્યા. ભક્તિભાવથી સરોબર બની તેમણે એક જ પ્રયાસમાં મટકી ફોડી, ભક્તિનો અદ્વિતીય સંદેશ આપ્યો. તેમની આ અનોખી ભાગીદારીથી જનસમુદાયમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમણે બતાવ્યું કે ભક્તિ અને આનંદની કોઈ ભાષા કે સરહદ નથી, શ્રદ્ધા હોય ત્યાં ભગવાન સાથેનો સ્નેહ આપોઆપ જાગે છે.

“નંદ ઘેર આનંદ ભયો” ના ઘોષ સાથે હજારો શ્રદ્ધાળુઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર ધરમપુર શહેરમાં આ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો. આ દહીહાંડી મહોત્સવે માત્ર પરંપરાગત આનંદ જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એકતા અને ભક્તિનો સંદેશ પણ પ્રસરાવ્યો. આ રીતે ધરમપુરનો દહીહાંડી મહોત્સવ સૌના હૃદયમાં અવિસ્મરણીય બની ગયો.