વાપીમાં રૂ. ૯.૫૨ કરોડના આઈટીઆઈનો લોકાર્પણ અને રૂ. ૧૯.૬૪ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત – નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે

વિકાસ સપ્તાહ ઉજવણી – વલસાડ જિલ્લો

વાપીમાં રૂ. ૯.૫૨ કરોડના આઈટીઆઈનો લોકાર્પણ અને રૂ. ૧૯.૬૪ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત – નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે

વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા. વાપી મનપામાં સમાવિષ્ટ વટાર, કુંતા અને મોરાઈ વિસ્તારોના વિકાસ માટેના કાર્યક્રમો વટાર સ્થિત નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ)ના સંકુલમાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયા.

મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આ અવસરે જણાવ્યું કે વાપી મહાનગરપાલિકામાં ૧૧ ગામોના સમાવેશ બાદ રૂ. ૬ કરોડના વધુ નવા રસ્તાના કામો મંજૂર થયા છે. સ્ટ્રીટ લાઈટ, સફાઈ તથા કચરાના વૈજ્ઞાનિક નિકાલની પ્રક્રિયા શરૂ થઈ છે, જેના પરિણામે આરોગ્ય અને સ્વચ્છતામાં સુધારો થશે અને નવા વિસ્તારોની કાયાપલટ થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાંથી શરૂ થયેલી વિકાસયાત્રા આજે સમગ્ર દેશમાં પ્રેરણારૂપ બની છે. મોદીએ સોલાર પોલિસી, દિવસ દરમિયાન વીજ પુરવઠો, વનબંધુ કલ્યાણ યોજના, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવી અનેક પહેલોથી સમાજના દરેક વર્ગનો ઉત્કર્ષ કર્યો છે.

મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી જીએસટીના દરોમાં ધરખમ ઘટાડો કર્યો છે, જેના કારણે લોકોની બચત વધતી થઈ છે. વાપી મનપામાં જોડાયેલા નવા ગામોને ટેક્સ અંગે કોઈ પણ પ્રકારની ચિંતા ન રહે તે માટે યોગ્ય નીતિ ઘડાશે અને વિકાસના તમામ કાર્યોને પ્રાથમિકતા અપાશે.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે વટાર ખાતે રૂ. ૯.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત આઈટીઆઈ મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વાપી મહાનગરપાલિકાના કુલ ૧૨ વિકાસ કાર્યો — જેમાં રૂ. ૧૩.૦૭ કરોડના ૬ રસ્તા, રૂ. ૧.૫૮ કરોડના લાઈટ વિભાગના ૩ કામ અને રૂ. ૪.૯૯ કરોડના પાણી વિભાગના ૩ કામ —નો રૂ. ૧૯.૬૪ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો.

વાપી મનપાના ડેપ્યુટી કમિશનર શ્રીમતી આસ્થા સોલંકીએ મનપાના વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરી હતી. આઈટીઆઈના નાયબ નિયામક વી.એ. ટંડેલે જણાવ્યું કે મંત્રીશ્રીના પ્રયાસોથી હવે વાપી તાલુકાના યુવાનોને ઘરઆંગણે વ્યવસાયલક્ષી તાલીમ ઉપલબ્ધ થઈ શકશે. હાલમાં આઈટીઆઈમાં કોમ્પ્યુટર, વાયરમેન, ફિટર, વેલ્ડર, સુઈંગ ટેકનોલોજી, ઈલેક્ટ્રીશ્યન અને એઓસીપી જેવા ૭ ટ્રેડમાં ૨૧ બેચ કાર્યરત છે અને ૨૦૮ તાલીમાર્થી તાલીમ લઈ રહ્યા છે.

આભારવિધિ આઈટીઆઈના પ્રિન્સીપલ નેહલ પટેલે કરી હતી. કાર્યક્રમમાં વાપી વીઆઈએના પ્રમુખ સતિષ પટેલ, શહેર સંગઠન પ્રમુખ મનિષ દેસાઈ, માજી ચેરમેન મિતેશ દેસાઈ, મહેશ દેસાઈ, સમય પટેલ, ડેપ્યુટી કમિશનર અશ્વિન પાઠક, ઈન્ચાર્જ ચીફ ઈજનેર જતીન પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.