વિકાસ સપ્તાહ – ૨૦૨૫ – વલસાડ જિલ્લોવિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલના હસ્તે વલસાડ જિલ્લાના આશરે રૂ. ૪૯ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ – ખાતમુહુર્ત!

admin

Published on: 15 October, 2025

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકીને છેવાડાના માનવીના જીવનમાં ઉજાસ લાવવા માટે પ્રયત્ન કર્યા છે – દંડકશ્રી વિજયભાઈ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૪ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે, ત્યારે વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલના હસ્તે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતેથી વલસાડ વહીવટી તંત્ર, વાપી મહાનગરપાલિકા તેમજ અન્ય નગરપાલિકાના આશરે રૂ. ૪૯ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દંડકશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧થી દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાસનની ધૂરા સંભાળી હતી ત્યારથી તેમણે અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકીને છેવાડાના માનવીના જીવનમાં ઉજાસ લાવવા માટે પ્રયત્ન કર્યા હતા. તેઓએ દેશના વડાપ્રધાન તરીકે દેશમાં સુશાસન, સેવા અને સમર્પણની ભાવનાથી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે. આ યોજનાઓને કારણે શહેરી વિકાસ માટે પણ ઘણા વિકાસના કામો થયા છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાથી શહેરોનો વિકાસ થયો છે તો આદિવાસી વિકાસ માટે વન બંધુ કલાયાણ યોજના, સાગરખેડૂઓ માટે સાગરખેડૂ યોજના, કિસાનો માટે કિસાન સન્માન નિધિ અને ગરીબો માટે અન્ન સુરક્ષા યોજના અમલમાં છે. લોકોના આરોગ્ય માટે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડથી ગુજરાતમાં ૧૦ લાખ સુધીની સારવાર વિનામુલ્યે થાય છે.
આ અવસરે વિધાનસભા નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલના હસ્તે વલસાડ નગરપાલિકાના રૂ.૩૧.૨૩ કરોડ, વલસાડ વહીવટી તંત્રના રૂ. ૧૫.૭૪ કરોડ, વાપી મહાનગરપાલિકાના રૂ.૧.૬૫ કરોડ અને ધરમપુર નગરપાલિકાના રૂ.૪૫.૦૪ લાખ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહુર્ત અને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
લોકસભા દંડક અને સાંસદશ્રી ધવલભાઈ પટેલે વિકાસ સપ્તાહની ઉજવણી પ્રસંગે આ ઉજવણીનો મુખ્ય હેતુ સમજાવતા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના વિકાસ સપ્તાહનું જીવંત પ્રસારણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી ભવ્ય વર્મા, વાપી મહાનગરપાલિકા કમિશનરશ્રી યોગેશ ચૌધરી, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ઠાકોર, વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ, ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ મોદી, વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા, સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.