ભાજપના કાર્યકર્તાઓની સમર્પણની ભાવનાએ ગુજરાતમાં પક્ષની સફળતાનો પાયો રહી છે. આ કાર્યકર્તાઓએ ગામડે-ગામડે, શેરીએ-શેરીએ જઈને લોકોની સમસ્યાઓ સાંભળી અને તેના નિરાકરણ માટે પક્ષના નેતાઓ સાથે સેતુ બનીને કામ કર્યું છે. ભાજપના સંગઠનની રચના એવી રીતે થઈ હતી કે દરેક કાર્યકર્તા પોતાને પક્ષના મિશનનો એક અભિન્ન હિસ્સો માનતો હતો. આ સમર્પણનું જ ફળ હતું કે ગુજરાતની જનતાએ ભાજપ પર દાયકાઓથી અડગ વિશ્વાસ મૂક્યો અને પક્ષે સતત સરકાર રચીને પ્રજાની સેવા કરી. આ સમયગાળામાં ભાજપના કાર્યકર્તાઓએ પોતાના અંગત જીવનની બલિ ચઢાવીને પણ પક્ષની નીતિઓ અને કાર્યક્રમોને ઘરેઘરે પહોંચાડ્યા જેના કારણે પક્ષે ગુજરાતમાં અજોડ લોકપ્રિયતા મેળવી.
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત ભાજપનું સંગઠન ભગવાનના ભરોસે ચાલ્યું. પાયાના કાર્યકર્તાઓને અને નેતાઓને સી.આર. પાટીલના પ્રદેશ અધ્યક્ષના કાર્યકાળ દરમિયાન હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા અને અપરિપક્વ કાર્યકર્તાઓને વિના ઘડતર જવાબદારીઓ આપી દેવામાં આવી હતી. પક્ષમાં મમત્વનું અસંતુલન કરી દેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાના યુગને આગળ કરી કાર્યકર્તાઓને પ્રજાની વચ્ચે જતા ધીમા પાડી દેવામાં આવ્યા. આ સમયગાળામાં સી.આર. પાટીલના નેતૃત્વ અને મહત્ત્વ પર વધુ ભાર મૂકવામાં આવ્યો પરંતુ લોકો સાથેના સીધા સંપર્કની ભાજપની પરંપરા ઝાંખી પડી. આનાથી કાર્યકર્તાઓમાં નિરાશા ફેલાઈ કારણ કે તેમની મહેનત અને ત્યાગને યોગ્ય મૂલ્યાંકન ન મળ્યું.
કાર્યકર્તાઓમાં સી.આર. પાટીલના નેતૃત્વ પ્રત્યેનો અવિશ્વાસ ચરમસીમાએ રહ્યો છતાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમીત શાહ માટે શ્રદ્ધા અને વિશ્વાસ અડગ રહ્યા અને કાર્યકર્તાઓ કચવાતા હોવા છતાં પણ પક્ષ માટે કાર્ય કરતા રહ્યા. સી.આર. પાટીલના કાર્યકાળમાં અપમાન સહન કરીને પણ પક્ષ માટે કાર્ય કરીને ભાજપના કાર્યકર્તાઓએ પાંચ વર્ષનો સંગઠન માટેનો અંધકારનો કાળ પસાર કર્યો અને હવે નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ કાર્યકર્તાઓ માટે એક નવી આશા અને હૂંફ લઈને આવ્યા હોય એવું સ્પષ્ટ જણાય રહ્યું છે.
જગદીશ પંચાલના આગમનથી આ નિરાશાના વાદળો દૂર થઈ રહ્યા છે. તેમની સીધો સંવાદ કરવાની શૈલી અને કાર્યકર્તાઓના મનોબળને વધારવાના પ્રયાસો ગુજરાત ભાજપમાં નવું જોમ લાવી રહ્યા છે. તેમણે કાર્યકર્તાઓને “દેવથી દુર્લભ” ગણાવીને તેમના સમર્પણને નવું માન આપ્યું છે. આ શબ્દો માત્ર શબ્દો નથી પરંતુ એક નવી શરૂઆતનો સંદેશો છે જે કાર્યકર્તાઓને પોતાના લક્ષ્યો પ્રત્યે વધુ ઉત્સાહી બનાવશે.
ગુજરાતને એક લાંગણીશીલ અને પારદર્શી મુખ્યમંત્રી રૂપે ભૂપેન્દ્રભાઈ પટેલ મળ્યા હોવાનું ભાજપના કાર્યકરો અને ગુજરાતની બહુમત પ્રજામાં લાગણી છે. તેમના સ્વયંના ઉત્સાહમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલના આવવાથી વધારો થયેલો હોવાનું જણાઈ રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પારદર્શિતા અને લોકોની સેવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમની સાદગી અને કાર્યકર્તાઓ પ્રત્યેની સંવેદનશીલતાએ ગુજરાતની જનતામાં ભાજપની લોકપ્રિયતાને વધુ મજબૂત કરી છે.
નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે કાર્યકર્તાઓને સંબોધતા હોય છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ માટે “દેવથી દુર્લભ ભાજપનો કાર્યકર્તા” સંબોધન કરી રહ્યા છે. આ શબ્દોનો પ્રયોગ કાર્યકર્તાઓના અંતર આત્માને શાંત્વના અને વિશ્વાસનો સંદેશો આપી રહ્યા છે.
એક પ્રદેશ અધ્યક્ષ હતા સી.આર. પાટીલ કે જેઓ બસ હુકમ કરતા અને એક પ્રદેશ અધ્યક્ષ છે જગદીશ પંચાલ કે જેઓ કાર્યકર્તાને દેવથી દુર્લભ ઉપમા આપી રહ્યા છે. આભ જમીનનું અંતર છે ગુજરાત ભાજપના પૂર્વ અધ્યક્ષ સી.આર. પાટીલ અને નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ વચ્ચે.
સ્પષ્ટ સંદેશો છે ભાજપના કાર્યકર્તાઓ માટે કે હવે પક્ષમાં કાર્યકર્તાથી વધું બીજું કઈજ નહીં હોય. ભાજપ પોતાના પાયારૂપ કાર્યકર્તાઓને સાચવી લઈને આવનારા સમયમાં આગળ વધશે અને જો ગુજરાત ભાજપ અને સરકાર એમ સફળ રહી તો કાર્યકર્તાઓ અને મતદારોને એજ જૂની ભાજપનો આવનારા સમયમાં અનુભવ થશે એવું હાલ જણાય રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે દેવથી દુર્લભ ભાજપનો કાર્યકર્તા ગુજરાતની પ્રજાની સેવામાં કેટલો રચ્યોંપચ્યો સમર્પિત રહે છે.