વલસાડ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા સુધારાઈ

વલસાડ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ સુધારાત્મક કામગીરી હાથ ધરાઈ રહી છે. જિલ્લાના અંતરિયાળ ગામોને વધુ સુવિધાજનક માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે હેતુથી અનેક રોડ પર કલર, ગેરુ-ચૂનો, પેચ વર્ક અને વ્હાઇટ વોશિંગ જેવા કામો ઝડપથી પૂર્ણ કરાયા છે.

વિભાગ દ્વારા મોટાવાઘછીપા–આસ્મા રોડ, મોટાવાઘછીપા–નિમખલ રોડ, પરિયા–સરોધી રોડ, ડુમલાવ એપ્રોચ રોડ, સુખેશ–સોનવાડા રોડ, ડુંગરી એપ્રોચ રોડ તેમજ ઉદવાડા–પરિયા જોડતો રોડ અને મુળી–ફણસવાડા રોડ પર સફાઈ, જંગલ કટિંગ, પેચ વર્ક અને માર્ગ સુશોભનના કામો હાથ ધરાયા છે. આ કામગીરીથી માર્ગો વધુ સ્વચ્છ, આકર્ષક અને સુરક્ષિત બન્યા છે.

વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા સુધારવાથી વાહન વ્યવહાર સરળ બનશે, સાથે વરસાદી સિઝનમાં કાદવ અને ખાડાઓની સમસ્યામાં પણ ઘટાડો થશે. ગેરુ-ચૂનો વડે અંતરિયાળ માર્ગોને સુશોભિત કરાતા ગામોમાં દિવાળી પહેલાં સ્વચ્છતા અને સૌંદર્યનો માહોલ સર્જાયો છે.

આ પ્રયાસોથી ગ્રામ્ય જનતા સંતોષ વ્યક્ત કરી રહી છે અને તંત્રના કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસા કરી રહી છે. માર્ગ અને મકાન વિભાગના આ પ્રયાસો ગ્રામ્ય વિકાસને નવો વેગ આપે તેવો આશાવાદ લોકોમાં જોવા મળી રહ્યો છે.

Ad…