ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓેએ આપ્યા રાજીનામા !

ગાધીનગર: ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના નિવાસ સ્થાને મળેલી મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે. મુખ્યમંત્રી સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે.

તમામના રાજીનામા તૈયાર હતા. મંત્રીઓએ રાજીનામામાં સહી કરી હતી. અન્ય કોઈપણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી. પક્ષના કહેવાથી તમામે રાજીનામા આપ્યા છે. સૌપ્રથમ રાજીનામું જગદીશ વિશ્વકર્માએ આપ્યું હતું. જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના અધ્યક્ષ છે.

કચ્છના છ ધારાસભ્યમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેનો મંત્રીમંડળમાં સમાવેશ સંભવ છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં 53માંથી ભાજપના 43 ધારાસભ્ય છે. CM સિવાય ઉત્તર ગુજરાતમાંથી ચારનો મંત્રી મંડળમાં સમાવેશ કરાશે. ઉત્તર ગુજરાતમાંથી એક કડવા પટેલ, એક OBC, એક ST ધારાસભ્યનો સમાવેશ થશે. ઋષિકેશ પટેલ મંત્રી મંડળમાં યથાવત રહેશે.

કોણ બની શકે છે મંત્રી

ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ સનદી અધિકારી પી.સી.બરંડાનો મંત્રીમંડળમાં સમાવેશ શક્ય છે. સૌરાષ્ટ્રની 47 પૈકી ભાજપ પાસે 42 બેઠક છે. સૌરાષ્ટ્રના સાતથી આઠ ધારાસભ્ય મંત્રી બનશે. સૌરાષ્ટ્રના ત્રણ લેઉવા અને એક કડવા પાટીદાર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. કોળી સમાજના બે અને આહિર સમાજના એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. સૌરાષ્ટ્રમાં SCના એક અને ક્ષત્રિય સમાજમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. કિરીટસિંહ રાણા, રિવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.

આ નેતાઓ બની શકે છે મંત્રી

આહિર સમાજમાંથી ઉદય કાનગડને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાં યથાવત રખાય તેવી શક્યતા છે. પરસોત્તમ સોલંકીના સ્થાને ભાઈ હીરા સોલંકીને સ્થાન મળી શકે છે. અર્જુન મોઢવાડિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાને સ્થાન મળી શકે છે. મધ્ય ગુજરાતમાંથી પાંચથી છ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. રમણ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ અથવા રમેશ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.