
દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં આજે સાંજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈ, સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં ધીમો થી મધ્યમ વરસાદ નોંધાયો હતો. અચાનક પડેલા આ વરસાદથી ડાંગર સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે,
વલસાડ જિલ્લામાં ગુરુવારે બપોર બાદ હવામાનમાં અચાનક ફેરફાર આવતાં ધોધમાર વરસાદ સાથે મીની વાવાઝોડાની અસર જોવા મળી હતી. ધરમપુર, નાનાપોઢા, પારડી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ભારે પવન અને વરસાદ શરૂ થતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. વરસાદની તીવ્રતા એટલી હતી કે અનેક ગામોમાં કલાકો સુધી અંધારું છવાઈ ગયું હતું અને લોકો ઘરોમાં જ કેદ બની રહ્યા હતા.

વીજળી પડતા બે મહિલાઓના મોત
નાનાપોઢા તાલુકાના કરમખલ ગામે ગુરુવારે બપોરે આકાશી વીજળી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. ખાડી ફળિયા વિસ્તારમાં લાકડા લેવા ગયેલી ત્રણ મહિલાઓ પર વીજળી પડી હતી, જેમાં બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે ત્રીજી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અચાનક પડેલી આ વીજળીથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
દિવાળીના તહેવારની તૈયારીઓ ચાલી રહી હોય તે સમયે પડેલા આ અચાનક વરસાદે શહેર અને ગામોમાં વેપારીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ખાસ કરીને ફટાકડાના સ્ટોલોમાં ઉભા રાખેલા માલને વરસાદના કારણે નુકસાન થયું છે. ઘણા વેપારીઓએ જણાવ્યું કે, વરસાદ અચાનક પડતાં ફટાકડા અને અન્ય તહેવારી વસ્તુઓ ભીંજાઈ ગઈ, જેના કારણે હજારો રૂપિયાનો નુકસાન સહન કરવો પડ્યો છે.

હવામાન વિભાગની અગાઉથી કરાયેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ ફરી સજીવન થવાનો સંકેત મળ્યો હતો, જે વલસાડ જિલ્લામાં વાસ્તવમાં જોવા મળ્યો. રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોવા છતાં, આ વરસાદને “કમોસમી વરસાદ” કહી શકાય. બપોર બાદ કાળા વાદળો છવાઈ ગયા બાદ ધુમ્મસ અને તીવ્ર પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનના ઝાપટામાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને અનેક જગ્યાએ રસ્તાઓ અવરોધિત થઈ ગયા હતા.

વલસાડ તાલુકાના વાંકલ, ઓજર, નવેરા, નાનાપોઢા અને ધરમપુર વિસ્તારના ગામોમાં પવન એટલો તીવ્ર ફૂંકાયો કે વીજ તાર પર પડેલા વૃક્ષોના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સ્થાનિક ગ્રામજનો તથા પંચાયત કર્મચારીઓએ તાત્કાલિક મદદરૂપ બની વૃક્ષો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. વીજ વિભાગના કર્મચારીઓ પણ વિજળી પુરવઠો પુનઃસ્થાપિત કરવા રાત્રી સુધી મેદાનમાં ઉતરી ગયા હતા.

ધરમપુર અને નાનાપોઢા તાલુકાના અનેક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામડાંઓમાં ધૂળધાણો અને માટી ઉડી જતાં દૃશ્યતા ઘટી ગઈ હતી.કેટલાક સ્થળોએ વીજ લાઇનો તૂટી પડતાં આખી રાત વીજળી ગુલ રહી હતી.
આ અચાનક આવેલા વરસાદ અને પવનથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને ધરમપુર, નાનાપોઢા અને વલસાડ તાલુકાના ખેડૂતોએ ડાંગરના પાક કાપવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ વરસાદ અને પવનના કારણે ઊભા તથા કાપેલા ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કાપેલા ડાંગર પાણીમાં ભીંજાઈ જતાં પાકની ગુણવત્તા પર અસર થવાની શક્યતા છે.
વલસાડ જિલ્લામાં આ વર્ષે મરચાંની ખેતીમાં પણ ભારે નુકસાન થયું છે. અવિરત વરસાદને કારણે મરચાંના છોડમાં સડોઅપ થઈ રહી છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે ચિંતિત બન્યા છે. એક ખેડૂતે જણાવ્યું કે, “ચોમાસું પૂરૂં થઈ ગયા બાદ પણ અચાનક પડેલા વરસાદે પાકને બરબાદ કરી નાખ્યો છે. હવે જે બચ્યું છે તેને સૂકવવા પણ સૂર્યપ્રકાશ નથી મળતો.”
વરસાદ દરમિયાન વીજળીના ચમકારા અને ગાજવીજના અવાજથી લોકો ગભરાઈ ગયા હતા. પશુઓ ખેતરોમાંથી ભાગી ગયા હતા અને કેટલાક વિસ્તારોમાં નાના ઝાડ અને વાડ તૂટી પડ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ દરમિયાન હળવા થી મધ્યમ વરસાદની શક્યતા યથાવત રહેશે.
વલસાડ જિલ્લાના હવામાનમાં આ અચાનક પરિવર્તનથી તાપમાન ઘટી ગયું છે. ઠંડીની શરૂઆતનો આભાસ થવા લાગ્યો છે. વરસાદ પછી ભેજ વધતાં હવામાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.
આ કમોસમી વરસાદે એક તરફ વાતાવરણને ઠંડુ બનાવી લોકોને રાહત આપી છે, પરંતુ બીજી તરફ ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધારી દીધી છે. ખેડૂતો હવે સરકાર પાસે પાક નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે એ જરૂરી છે.