પોરબંદર બંગડી બજારમાંથી વિખુટા પડેલા બાળકની માતાને ગણત્રીની મિનિટોમાં શોધી કાઢતી ટ્રાફિક પોલીસ

બાળકને માતા સાથે મિલન કરાવતાં હૃદયદ્રાવક દ્રશ્ય, પોલીસના માનવતાભર્યા કાર્યને સૌએ બિરદાવ્યું

ગોસા (ઘેડ), તા. 16/10/25
પોરબંદર શહેરની બંગડી બજારમાંથી વિખુટા પડેલા ત્રણ વર્ષના બાળકને ગણતરીની મિનિટોમાં તેની માતા સુધી પહોંચાડતી ટ્રાફિક પોલીસની ટીમે ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બાળક અને માતાનો મિલન થતાં જ સ્થળ પર હૃદયદ્રાવક દૃશ્ય સર્જાયું હતું અને ઉપસ્થિત લોકોએ પોલીસના પ્રશંસનીય કાર્યને બિરદાવ્યું હતું.

પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વિભાગના પી.એસ.આઈ. કે.બી. ચૌહાણ તથા મહિલા પોલીસ સ્ટેશનની પી.એસ.આઈ. કે.એમ. સૈયદ, સાથે એ.એસ.આઈ. ભાવનાબેન સોલંકી, ટી.આર.બી. જવાન ધર્મેશ પરમાર, જયમલ કુછડીયા, અને કૌશિક ખરા દિવાળીના તહેવાર નિમિત્તે સુદામા ચોક, બંગડી બજાર અને ડ્રીમલેન્ડ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં તત્પર હતા.

આ દરમ્યાન મીરાં વોચ નામની દુકાન નજીક ત્રણ વર્ષનું એક બાળક એકલું દેખાતા એ.એસ.આઈ. ભાવનાબેન સોલંકીએ માતૃત્વની ભાવના સાથે બાળકને પોતાની કાંખમાં લઈ સાંત્વના આપી હતી. ત્યારબાદ સમગ્ર ટીમે બાળકના માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી.

માત્ર પોણા કલાકની અંદર તપાસ દરમિયાન બાળકનું નામ વૈદ લોઢારી હોવાનું જાણી શકાયું. તેની માતા પૂજા વિપુલ લોઢારી, રહેવાસી હોળી ચકલા, ખારવાવાડ, પોરબંદર,ને બાળક મળતા આનંદ અને આંસુઓમાં ભીની થઈ ગઈ હતી. બાળકને માતા સાથે ફરી મળાવવાનું દૃશ્ય જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ હતી.

માતા પૂજાબેન લોઢારીએ જણાવ્યું હતું કે, “પોલીસના ઝડપી પ્રતિસાદ અને માનવતાભર્યા કાર્યને કારણે મારું બાળક સુરક્ષિત રીતે મળ્યું, તે બદલ હું હૃદયપૂર્વક આભારી છું.”

પોરબંદર ટ્રાફિક પોલીસની ટીમે જે રીતે ફરજ સાથે માનવતાનો પરિચય આપ્યો છે તે પ્રશંસનીય અને અનુસરણીય છે.

🖋️ રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ
📍 પોરબંદર