વિવિધ શાળાઓમાં સુવિધા સુધારણા, વિભાગીય સંકલન અને દિવાળીના તહેવારમાં સ્વદેશી અપનાવવાનો સંદેશ

ગોસા (ઘેડ), તા. 17/10/25

પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લાના વિવિધ શાળાઓ જેવી કે કુછડી પે.સેન્ટર શાળા, કંટોલ પ્રાથમિક શાળા, રાતડી પ્રાથમિક શાળા તથા કાંટેલા પ્રાથમિક શાળામાં માળખાકીય સુવિધાઓના સુધારણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમજ માધવપુર કન્યા પ્રાથમિક શાળાના મકાન માટે જમીન ફાળવણી બાબતે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત કાવેરી હોટેલ નજીકની રેલવે ટ્રેક, જુની લાખાણી પ્રાથમિક શાળા (સાયન્સ કોલેજ નજીક) વચ્ચે આવેલી ખુલ્લી જમીન તેમજ એચ.એમ.પી. સ્પોર્ટ્સ ક્લબની જૂની ઈમારતની કસ્ટડી જિલ્લા રમતગમત અધિકારીને આપવાની બાબતે ચર્ચા થઈ હતી.

કલેક્ટરશ્રીએ કચેરીઓના બાકી અખબારી બિલો તાત્કાલિક ચૂકવવા, કચેરીની મિલકતની માલિકીની ખરાઈ કરવા તથા MSP સંબંધિત કાર્યવાહી વહેલી તકે હાથ ધરવા સૂચના આપી હતી.

આ સાથે, તેમણે અધિકારીઓને દિવાળી તહેવાર દરમિયાન સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાની અપીલ કરી હતી અને સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

બેઠકમાં મંત્રી, સાંસદ અને ધારાસભ્યો દ્વારા ઉપસ્થિત કરાયેલા પ્રશ્નોના સમયમર્યાદામાં નિકાલ, વિભાગીય સંકલનના પ્રશ્નો, એ.જી. ઓડિટના વાંધા, સરકારી લેણાંની વસૂલાત, આરટીઆઈ અરજીઓના નિકાલ, પેન્શન કેસોની સમીક્ષા તેમજ સેન્સસ સંબંધિત બાબતો પર પણ વિગતવાર ચર્ચા થઈ હતી.

કલેક્ટરશ્રીએ નજીકના સમયમાં યોજાનારી પીએમ વિશ્વકર્મા યોજના, સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે થનારી પદયાત્રા સહિતની ઉજવણીઓની તૈયારી અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

આ અવસરે, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ જિલ્લાના અધિકારીઓએ હર્ષ વ્યક્ત કરી શુભકામનાઓ પાઠવી હતી.

બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મહાનગર પાલિકા કમિશનર એચ.જે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, નાયબ કલેક્ટર એન.બી. રાજપૂત, જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર, પ્રાંત અધિકારી સંદિપ જાદવ, પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

🖋️ રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ
📍 પોરબંદર