- હોટલ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા અને મુસાફરખાનામાં આવતા લોકોની પથિક સોફટવેરમાં ફરજિયાત એન્ટ્રી કરવાની રહેશે
- જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડ્યુ, રિસેપ્શન કાઉન્ટર પર ઈન્ટરનેટ કનેકટિવીટી સાથેનું કોમ્પ્યુટર રાખવુ પડશે
વલસાડ જિલ્લાની હદને અડીને મહારાષ્ટ્ર રાજ્ય, કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ આવેલુ છે. જિલ્લામાંથી નેશનલ હાઈવે નં. ૪૮ પસાર થાય છે. વલસાડ જિલ્લો અને સંઘ પ્રદશોમાં પ્રવાસન સ્થળો અને નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. જેના કારણે વલસાડ જિલ્લામાં દેશ-વિદેશ, રાજ્ય બહાર અને ગુજરાતના લોકો પ્રવાસ કે કામ ધંધા અર્થે આવે ત્યારે વલસાડ જિલ્લામાં શહેર કે હાઈવે ઉપર આવેલી હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા અને લોજમાં ભાડેથી રોકાતા હોય છે.
ભૂતકાળમાં બનેલા બનાવોની તપાસ દરમિયાન બહાર આવેલી હકીકત મુજબ, કેટલીકવાર અસામાજિક તત્વો અને ગુનેગારો આતંકવાદી, ત્રાસવાદી પ્રવૃતિ કરવા નાગરિકો અને વેપારીઓની આડમાં રોકાણ કરી આજુબાજુના વિસ્તારોમાં, શહેરની ભીડભાળ વાળી જગ્યા, મોટી હોસ્પિટલો, ઔદ્યોગિક એકમો, સરકારી કચેરીઓ અને અતિ સંવેદનશીલ જગ્યાઓની રેકી કરી આતંકવાદી પ્રવૃત્તિ, અસામાજિક પ્રવૃત્તિ, ચોરી અને લૂંટફાટની પ્રવૃત્તિને અંજામ આપી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ શાંતિ અને સલામતી ડહોળવાના પ્રયાસ કરતા હોય છે.
ઔદ્યોગિક એકમોની આસપાસની હોટલોમાં ઈમોરોલ ટ્રાફિકિંગની પ્રવૃત્તિ વેપાર, ધંધા, સ્પા અને મસાજની આડમાં થતી હોવાના કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. જેથી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની તેમજ શાંતિ અને સલામતીની વ્યવસ્થા જાળવી રાખવા માટે હોટલ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા અને મુસાફર ખાના ઉપર નિયંત્રણો મુકવા ખૂબ જરૂર જણાય છે. આ માટે ગુજરાત પોલીસ દ્વારા PATHIK (Program for Analysis of Traveler and Hotel Informatics) સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જે હાલમાં મોટા શહેરમાં સફળતાપૂર્વક કાર્યરત છે. આ સોફટવેરમાં ઓનલાઈન વેબ પોર્ટલ https://pathik.guru
માં હોટલ, લોજ વગેરેમાં આવતા મુસાફરોની એન્ટ્રી કરવાની રહે છે.
આ સોફટવેર વલસાડ જિલ્લા ખાતે કાર્યરત કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેનું નિયત્રંણ વલસાડ ઓપરેશન ગૃપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેથી જિલ્લાની તમામ હોટલ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા, કોર્પોરેટ હાઉસ કે જેઓ મુસાફરો અને વેપારીઓને ટૂકો આશરો આપે છે એ તમામે સોફટવેરમાં ઓનલાઈન એન્ટ્રી કરવાની રહે છે. જે માટે તેઓએ એસ.ઓ.જી વલસાડની વાપી ખાતેની કચેરીએ જઈ તેઓની હોટલ/એકમ આ સોફટવેરમાં રજિસ્ટર કરાવવાનું રહેશે અને તેઓના યુઝર આઈ.ડી. પાસવર્ડ મેળવવાના રહેશે. ત્યારબાદ જ તેઓ આ સોફટવેરમાં મુસાફરોની એન્ટ્રી કરી શકશે.
વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ આ સંદર્ભે જિલ્લામાં અગમચેતીના પગલારૂપે સાવચેતી તથા તકેદારીના પગલા હેતુસર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ મુજબ તા. ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધી જિલ્લાની તમામ હોટલ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા અને મુસાફર ખાનાના સંચાલકોએ પથિક સોફટવેરમાં મુસાફરોની એન્ટ્રી કરવા માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ સ્થાનિક હોટલ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા અને મુસાફર ખાનાના સંચાલકોએ ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી કરવા માટે પોતાના રિસેપ્શન કાઉન્ટર પર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવાનું રહેશે તેમાં ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી PATHIK (Program for Analysis of Traveler and Hotel Informatics) ઈન્સ્ટોલ કરવાની રહેશે. મેન્યુલ રજિસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ આ PATHIK એપમાં ફરજિયાતપણે ઓનલાઈન કરવાની રહેશે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તે ઉપરના હોદ્દા ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.