અસરાની હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમનું સોમવારે દિવાળીના દિવસે અવસાન થયું છે. અસરાની જેમનું પૂરું નામ ‘ગોવર્ધન અસરાની’ હતું, તેઓ ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.
અસરાનીને ફેફસાની તકલીફને કારણે છેલ્લા પાંચ દિવસથી આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાના મેનેજર બાબુભાઈ થિબાએ અસરાનીના મૃત્યુની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તેઓ ઘણા દિવસોથી બીમાર હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અચાનક અવસાનથી ફેન્સ આઘાતમાં
અસરાનીના અચાનક અવસાનથી ફેન્સ અને ફિલ્મ સ્ટાર બંનેને આઘાત લાગ્યો છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન સેંકડો ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1 જાન્યુઆરી, 1941 ના રોજ જયપુરમાં જન્મેલા અસરાનીએ જયપુરની ‘સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ’માં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ રાજસ્થાન કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.
આ ફિલ્મથી તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી
અસરાનીએ વર્ષ 1967 માં ફિલ્મ “હરે કાંચ કી ચૂડિયાં” સાથે સિનેમાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. અસરાની ફિલ્મ “શોલે” માં જેલરની ભૂમિકા ભજવ્યા બાદ ખૂબ જ પ્રખ્યાત થયા હતા. આ ફિલ્મમાં તેમનો ડાયલોગ “હમ અંગ્રેઝ કે જમીન કે જેલર હૈં,” આજે પણ લોકોના મનમાં વસી ગયો છે.
અસરાનીનો પરિવાર
અસરાનીએ વર્ષ 1973માં મંજુ બંસલ સાથે લગ્ન કર્યા. અસરાનીને એક પુત્ર ‘નવીન અસરાની’ પણ છે, જે અમદાવાદમાં ડેન્ટિસ્ટ છે. અસરાનીના પિતા કાર્પેટની દુકાન ચલાવતા હતા. તેમને ત્રણ ભાઈઓ અને ચાર બહેનો હતી. અસરાનીએ 50 વર્ષથી વધુ સમય સુધી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં કામ કર્યું હતું.