ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી આશિષભાઈ વ્યાસે સુખાલા વાંચન કુટીર લાયબ્રેરીની મુલાકાત લીધી

ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી આશિષભાઈ વ્યાસે સુખાલા વાંચન કુટીર લાયબ્રેરીની મુલાકાત લીધી

વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના સુખાલા ગામે સ્થિત સુખાલા વાંચન કુટીર લાયબ્રેરી ખાતે આજે પ્રેરણાદાયી મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે વિખ્યાત ધાર્મિક વક્તા ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી આશિષભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

આશિષભાઈ વ્યાસે લાયબ્રેરીમાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વાંચન વાતાવરણનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જણાવ્યું કે “જ્ઞાન એ સૌથી મોટું દાન છે, અને વાંચન એ જ્ઞાન પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.”

આ પ્રસંગે આશિષભાઈ વ્યાસે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગામડાંના યુવાનોમાં પણ અદભૂત પ્રતિભા છે, માત્ર યોગ્ય માર્ગદર્શન અને વાંચનના સદઉપયોગથી તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન બનાવી શકે છે. લાયબ્રેરીના માધ્યમથી ગામમાં વાંચનની સંસ્કૃતિ વિકસે તે માટે તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો.

આ મુલાકાત દરમ્યાન તેમણે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને લાયબ્રેરીને આવશ્યક પુસ્તકો, સામગ્રી કે સુવિધા માટે પોતાનો સહયોગ આપવાની વાત પણ વ્યક્ત કરી હતી.

પ્રસંગે પી.કે. પટેલ અને જે.ડી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને લાયબ્રેરીના કાર્ય વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સુખાલા વાંચન કુટીર લાયબ્રેરીમાં હાલમાં સ્પર્ધાત્મક પુસ્તકો ઉપલબ્ધ છે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ધાર્મિક ગ્રંથો, અને સામાન્ય જ્ઞાનના પુસ્તકોનો સમાવેશ થાય છે.

સ્થાનિક ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ આશિષભાઈ વ્યાસની ઉપસ્થિતિને પ્રેરણારૂપ ગણાવી હતી.

Ad.