
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા નજીક આવેલ નાનાપોઢા ગામમાં તાજેતરમાં એક વિશાળ અજગર દેખાતા ગ્રામજનોમાં હલચલ મચી ગઈ હતી. ગામના પટેલ ફળિયામાં જગદીશભાઈના ઘરના પાછળના ભાગમાં અજગર જોવા મળતા લોકોએ તરત જ વાઇલ્ડ વેલ્ફેર ફાઉન્ડેશન, નવસારીના જીવદયા કાર્યકર અને વોલેન્ટિયર શ્રી ગોરંગ પટેલને સંપર્ક કર્યો હતો. ગોરંગ પટેલ તરત જ સ્થળ પર પહોંચી સંપૂર્ણ સાવચેતી સાથે અજગરને જીવંત પકડી લીધું હતું.
ગામમાં શરૂઆતમાં લોકોમાં ડર અને અફરાતફરીનો માહોલ હતો. પરંતુ ગોરંગ પટેલે સૌપ્રથમ જનતાને શાંતિ રાખવાની અપીલ કરી અને અજગરને કોઈ ઈજા ન થાય તે રીતે ખાસ તકેદારીથી પકડીને સુરક્ષિત રીતે બોક્સમાં રાખ્યો. બાદમાં તેને વન વિભાગના અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યો, જેથી તે અજગરને તેની કુદરતી વસવાટવાળી જગ્યાએ પરત મુક્ત કરી શકાય.
ગોરંગ પટેલે જણાવ્યું કે, “પ્રત્યેક જીવમાં ભગવાનનો અંશ વસે છે. જંગલી પ્રાણી હોય કે પક્ષી – તેઓ પણ આ પ્રકૃતિના મહત્વપૂર્ણ ભાગ છે. તેમને ઈજા કર્યા વિના બચાવવું અને સુરક્ષિત રીતે મુક્ત કરવું એ આપણી માનવીય ફરજ છે.”
વન વિભાગના અધિકારીઓએ પણ ગોરંગ પટેલની સમજદારી, ધીરજ અને સેવાભાવની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવી જાગૃતતા અને જીવદયાની ભાવના સમાજમાં જીવસૃષ્ટિ પ્રત્યે પ્રેમ વધારવા માટે અનિવાર્ય છે.
ગામના લોકોએ પણ ગોરંગ પટેલને વધાવી લીધા હતા. લોકોએ કહ્યું કે, “અજગર જેવો ખતરનાક પ્રાણી જોતા લોકો ગભરાઈ જાય એ સ્વાભાવિક છે, પણ ગોરંગભાઈએ ધીરજ અને કુશળતાથી જે રીતે અજગરને બચાવ્યો તે ખરેખર પ્રશંસનીય છે.”
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે ગામડાંના યુવાનોમાં પણ જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ઝડપથી વધી રહી છે. વન્યપ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને સુરક્ષા આપવાની ભાવના ધરાવતા આવા યુવાનો