વલસાડ જિલ્લામાં ડાંગર પાકની નુકસાની માટે સર્વે પૂર્ણ — ૪૦,૯૫૦ ખેડૂતોને રૂ. ૫૫.૪૪ કરોડની સહાયનો અંદાજ !

admin

Published on: 04 November, 2025

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગર સહિતના વિવિધ પાકને ભારે નુકસાન પહોંચતાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર જિલ્લામાં સર્વે માટે કુલ ૯૯ ટીમો કાર્યરત કરાઈ હતી. હવે જિલ્લાની સમગ્ર સર્વે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લામાં ડાંગરનું વાવેતર કુલ ૭૩,૭૬૬ હેકટર વિસ્તારમાં થયું હતું, જેમાંથી મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. જિલ્લાના ૪૬૯ ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ જાણવા મળ્યું કે ૩૩ ટકા અને તેથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર ૩૨,૬૧૩ હેકટર છે, જ્યારે અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા ૪૦,૯૫૦ સુધી પહોંચી છે. આ ખેડૂતોને ચૂકવવાની સહાયનો અંદાજ રૂ. ૫૫૪૪.૨૧ લાખ (અંદાજે રૂ. ૫૫.૪૪ કરોડ) સુધી છે.

ડાંગરની સાથે જિલ્લામાં અડદ, રાગી, શાકભાજી અને ઘાસચારો જેવા પાકોને પણ ભારે અસર થઈ છે. કુલ ૧૭,૨૮૨ હેકટર વિસ્તારમાં આ પાકનું વાવેતર થયું હતું, જેમાંથી ૧૪,૪૯૮ હેકટર વિસ્તારને નુકસાન થયું હોવાનું સર્વેમાં સ્પષ્ટ થયું છે.

જિલ્લા પ્રશાસન મુજબ, આ સર્વે રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યો છે અને સહાય ચુકવણીની પ્રક્રિયા તાત્કાલિક શરૂ થવાની સંભાવના છે. ખેડૂતોને સમયસર નાણાકીય સહાય મળે તે માટે તમામ તંત્રને સૂચના આપવામાં આવી છે.