Apple Profit: એપલ દ્વારા તેના ઇન્વેસ્ટર્સને ચેતવણી આપવામાં આવી છે કે કંપનીની આગામી પ્રોડક્ટ્સ આઇફોન જેટલો પ્રોફિટ નહીં કરશે. એપલ દ્વારા વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં બિઝનેસ રિસ્ક કેટેગરી પણ છે, જેમાં ઇન્વેસ્ટર્સને આ વિશે માહિતી આપવામાં આવી છે. એપલ હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મિક્સ રિયાલિટી હેડસેટ પર ફોકસ કરી રહી છે.
ઇન્વેસ્ટર્સને ચેતવણી
એપલ દ્વારા તેમના વાર્ષિક રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે “નવી પ્રોડક્ટ્સ, સર્વિસ અને ટેક્નોલોજી અત્યારે જે પ્રોડક્ટ્સ છે એને રિપ્લેસ કરશે, પરંતુ વધુ રેવેન્યુ જનરેટ કરશે એવું નથી અને તેમન જ પ્રોફિટ માર્જિન પણ ઓછો રહેશે. એની સીધી અસર કંપનીના બિઝનેસ, ઓપરેશન અને નાણાકિય બાબતો પર પડી શકે છે.”
AI સ્પર્ધા
એપલ દ્વારા હાલમાં AI પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. AI સ્પર્ધા એટલી વધી ગઈ છે કે દરેક કંપની એમાં મહારત હાંસલ કરવા માગે છે. ગૂગલ અને મેટા બન્ને કંપની એમાં ખૂબ જ આગળ નીકળી ગઈ છે. જ્યારે આની સામે, એપલની પહેલી એપલ ઇન્ટેલિજન્સ સર્વિસ ગયા અઠવાડિયે શરૂ થઈ હતી. એમાં ChatGPTનો સમાવેશ આગામી મહિનામાં કરવામાં આવશે. આથી AI સ્પર્ધામાં પણ કંપની શક્ય એટલું આગળ રહેવા માટે મહેનત કરી રહી છે, છતાં દરેક વસ્તુ સફળ રહે એ પણ જરૂરી નથી.
સેલ્સ પર્ફોર્મન્સ
એપલના સૌથી પહેલાં વિઝન પ્રો હેડસેટ નિષ્ફળ રહ્યાં છે. એ હેડસેટની કિંમત 3499 અમેરિકન ડોલર હતી. આ કિંમતને કારણે એ નિષ્ફળ રહ્યાં હોવાનો સૌથી મોટો કારણ હોઈ શકે. એપલ હાલમાં એવી જ કેટલીક પ્રોડક્ટ પર કામ કરી રહ્યું છે જે વિઝન પ્રો હેડસેટ જેવી છે. તેના વધુ વેચાણ ન થાય એ શક્ય છે અને તેથી કંપનીને જોઈએ એટલો પ્રોફિટ ન પણ થઈ શકે. આથી જ આઇફોન જેટલો પ્રોફિટ અન્ય પ્રોડક્ટ નહીં કરે એ એપલે પહેલેથી જ ઇન્વેસ્ટર્સને જણાવી દીધું છે.