
વલસાડ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ યાત્રાનો ભવ્ય કાર્યક્રમ

વલસાડ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે “જનજાતિય ગૌરવ યાત્રા”નું ભવ્ય આયોજન થયું. વાપી, પારડી, ભીલાડ અને ઉમરગામથી પસાર થતી આ યાત્રા અંતે નાનાપોઢા ખાતે પહોંચી હતી, જ્યાં ભવ્ય સ્વાગત સાથે કાર્યક્રમ યોજાયો. આ યાત્રા દરમિયાન આદિવાસી સમાજના લોકો, સમાજસેવકો, યુવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરંપરાગત આદિવાસી નૃત્ય, ઢોલ-નગારાના તાલ સાથે સમગ્ર વાતાવરણ ગૌરવ અને ઉત્સાહથી છલકાયું હતું.

કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે “બિરસા મુંડા માત્ર આદિવાસી નેતા નહોતા, પરંતુ સમગ્ર ભારત માટે સ્વાભિમાન અને લડતનું પ્રતિક હતા. તેમની પ્રેરણા આજની પેઢીને પોતાના હક માટે લડવાની શક્તિ આપે છે.”
નાનાપોઢા ખાતે આવેલ બિરસા મુંડા સર્કલ પર તમામ આગેવાનો અને જનતાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે હાજર જનતાએ તેમના ત્યાગ અને આદર્શ જીવનને યાદ કરીને “જનજાતિય ગૌરવ”ના ભાવને વ્યક્ત કર્યો.

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનું પ્રેરણાદાયી સંબોધન

આ પ્રસંગે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે નાનાપોઢા ખાતે યોજાયેલી જનજાતિય ગૌરવ યાત્રામાં ઉપસ્થિત રહી સંબોધન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે “દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 15 નવેમ્બરને ‘જનજાતિ ગૌરવ દિવસ’ જાહેર કરીને આદિવાસી સમાજના ગૌરવને વધાર્યો છે.”
તેમણે ઉમેર્યું કે ભગવાન બિરસા મુંડાજીનું જીવન આદિવાસી સમાજ માટે પ્રકાશસ્તંભ સમાન છે. તેમનું યોગદાન નવી પેઢી સુધી પહોંચે તે જરૂરી છે. રાજપીપળામાં રૂ. 350 કરોડના ખર્ચે બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના થવી એ આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. તેમણે જણાવ્યું કે 15 નવેમ્બરે કેવડિયા ખાતે ભવ્ય ઉજવણી યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વયં ઉપસ્થિત રહી જનજાતિ સમાજને આશીર્વાદ આપશે.

સાંસદ ધવલભાઈ પટેલે આપ્યું સંબોધન
વલસાડ સાંસદ ધવલભાઈ પટેલે યોજાયેલી જનજાતિ ગૌરવ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજના બલિદાન અને સમર્પણને માન આપવા માટે 15 નવેમ્બરને “જનજાતિ ગૌરવ દિવસ” તરીકે જાહેર કર્યો છે.
તેમણે કહ્યું કે તાત્યમામા ભીલ, રાણી દુર્ગાવતી, નીલમબર-પીતાંબર જેવા અનેક આદિવાસી શૂરવીરોએ દેશની સ્વતંત્રતામાં અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું, પરંતુ ઇતિહાસના પાને તેમનું સ્થાન પૂરતું મળ્યું ન હતું. આજના સમયમાં મોદીજીના નેતૃત્વમાં આદિવાસી સમાજના વિકાસ માટે 100થી વધુ યોજનાઓ અમલમાં મૂકી છે.
ધવલભાઈ પટેલે ઉમેર્યું કે કપરાડા, નાનાપોઢા, ધરમપુર અને ઉમરગામ જેવા આદિવાસી વિસ્તારના વિકાસ માટે ભાજપના પ્રતિનિધિઓ સતત પ્રયત્નશીલ છે. “મૂળભૂત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને રોજગારના ક્ષેત્રે આદિવાસી સમાજ હવે નવા વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે.”

સરકારી યોજનાઓ દ્વારા વિકાસનો નવો અધ્યાય
વલસાડ જિલ્લામાં યોજાયેલી “જનજાતિય ગૌરવ યાત્રા”નો મુખ્ય હેતુ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો ગ્રામ્ય સ્તરે પહોંચાડવાનો છે.
ભારત સરકારના “આદિ કર્મયોગી અભિયાન” હેઠળ જિલ્લામાં 340 ગામોમાં “આદિ સેવા કેન્દ્રો” શરૂ કરાયા છે, જ્યાં દરેક ગામ માટે અલગ વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
PM-JANMAN મિશન અંતર્ગત 144 ગામોના 327 આદિમજુથ વસાહતોમાં
- 4604 આવાસ,
- 9339 આયુષ્માન કાર્ડ,
- 5042 PM કિસાન કાર્ડ,
- 1771 નલ-સે-જલ જોડાણો અને
- 881 વીજળી કનેક્શન પૂરા કરાયા છે.
તે ઉપરાંત, “ન્યુ ગુજરાત પેટર્ન યોજના” હેઠળ રૂ.106.48 કરોડની જોગવાઇથી 968 કાર્યો મંજૂર થયા છે, જ્યારે “મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના” હેઠળ રૂ.32 કરોડના 264 પ્રોજેક્ટ હાથ ધરાયા છે.
દૂધ સંજીવની યોજના હેઠળ ધરમપુર, કપરાડા, ઉમરગામ અને પારડી તાલુકાની 73 શાળાના 81 હજાર વિદ્યાર્થીઓને ફ્લેવર્ડ દૂધ પૂરા પાડવામાં આવે છે.
વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ 31,018 અરજીઓ મંજૂર કરી કુલ 9,920 હેક્ટર વનજમીન ફાળવવામાં આવી છે, જે આદિવાસી ખેડૂતો માટે નવી આશાનું કિરણ છે.
આ બધા વિકાસ કાર્યોને કારણે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારના ક્ષેત્રે ઝડપી પ્રગતિ જોવા મળી રહી છે.
કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે રાજ્ય સ્તરે વિજેતા વિદ્યાર્થીઓ અને રમતવીરોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન કાર્યક્રમ દ્વારા આદિજાતિ યુવાનોમાં પ્રેરણા અને ઉત્સાહનું સંચાર થયું.
ઉપસ્થિત આગેવાનો અને કાર્યક્રમની વિશેષતાઓ
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઈત, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, મહામંત્રી શિલ્પેશભાઈ, કમલેશભાઈ, મહેન્દ્રભાઈ, તેમજ અન્ય અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પંચાયત સભ્યો શૈલેશકુમાર આર. પટેલ, ગુલાબભાઈ રાઉત, ભગવાનભાઈ બાતરી, રંજનબેન, કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ, શિક્ષણ સમિતિ અધ્યક્ષ કેતનભાઈ પટેલ, ન્યાય સમિતિ અધ્યક્ષ મીનાક્ષીબેન ગાગોડા, એ.પી.એમ.સી. ચેરમેન મુકેશભાઈ પટેલ, કપરાડા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, પૂર્વ ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવીત, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો અને અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ યાત્રાએ સમગ્ર જિલ્લામાં આદિવાસી એકતા, સ્વાભિમાન અને ગૌરવનો શક્તિશાળી સંદેશ આપ્યો છે. યુવાનોમાં નવી ઉર્જા, સમાજમાં નવી ચેતના અને વિકાસ માટેનો સંકલ્પ આ યાત્રાથી ફેલાયો છે.

આદિવાસી ગૌરવ અને એકતાનું પ્રતિક
“જનજાતિય ગૌરવ યાત્રા” માત્ર એક કાર્યક્રમ ન રહી, પરંતુ તે આદિવાસી સમાજના અવિસ્મરણીય ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત પ્રતીક બની છે.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ યાત્રાએ વલસાડ જિલ્લાના દરેક આદિવાસી વિસ્તાર સુધી ગૌરવ અને આત્મસન્માનનો સંદેશ પહોંચાડ્યો છે. સમાજના લોકોમાં પોતાના અસ્તિત્વ અને અધિકાર પ્રત્યે નવી જાગૃતિ સર્જાઈ છે.
આ યાત્રા દ્વારા સરકારની યોજનાઓની માહિતી સીધી જનતા સુધી પહોંચી છે અને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે.
વલસાડ જિલ્લાના આ કાર્યક્રમને “જનજાતિ ગૌરવ વર્ષ”ની એક અમર યાદગાર કડી તરીકે યાદ રાખવામાં આવશે — “બિરસા મુંડા ના આદર્શો અને આદિવાસી એકતા નો જ્યોત હવે દરેક હૃદયમાં પ્રગટ્યો છે.”