સેવાયજ્ઞના સથવારે ધરમપુરના ધામણી ગ્રામે માં શારદાદેવીની જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાઈ !

પ્રવાજિકા પ્રશાંતપ્રાણા માતાજીના વરદહસ્તે નવનિર્મિત ધ્યાનખંડનું લોકાર્પણ; ૨૫૦ પરિવારોના બહેનોને સાડી વિતરણ
ધરમપુર તાલુકાના ધામણી ગામે વિશ્વજનની માં શારદાદેવીની જન્મજયંતિ “સેવાયજ્ઞ”ના સથવારે અત્યંત ભાવસભર અને ભવ્ય રીતે ઉજવાઈ. આ પ્રસંગે શારદામઠના પ્રવાજિકા પ્રશાંતપ્રાણા માતાજીના વરદહસ્તે નવનિર્મિત ધ્યાનખંડનું વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકાર્પણ કરવામાં આવ્યું. ઉજવણી અંતર્ગત સેવાયજ્ઞના ભાગરૂપે ધામણી ગામના ૨૫૦ પરિવારોના બહેનોને સાડી વિતરણ કરાયું, જેથી સમગ્ર વિસ્તાર “શારદામય” બની ગયો.

આ કાર્યક્રમનું આયોજન શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ, સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર તથા શ્રી શારદામઠના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમારોહ દરમિયાન પ્રવાજિકા અનિલપ્રાણા માતાજી અને પ્રવાજિકા સત્યનિષ્ઠાપ્રાણાજી માતાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા ગવાયેલા ભજન-સંકીર્તનથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક રંગે રંગાઈ ગયું.
પ્રાસંગિક પ્રવચનમાં ડો. દોલતભાઈ દેસાઈએ નવનિર્મિત ધ્યાનખંડનો વિશેષ ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા થવો જોઈએ તેવો અનુરોધ કર્યો. તેમણે વિદ્યાર્થીઓને દરરોજ પ્રાર્થના, ધ્યાન અને જાપ દ્વારા ચારિત્ર્યનિર્માણ કરવા તથા સમાજસેવાના ગુણો વિકસાવી રાષ્ટ્રઘડવૈયા બનવા આહવાન કર્યું. ત્યારબાદ પ્રવાજિકા સત્યનિષ્ઠાપ્રાણાજી માતાજીએ ધ્યાનખંડમાં માં શારદાદેવી સમક્ષ મનની વાતો કરી આંતરિક શક્તિ પ્રાપ્ત કરવાની અને દરરોજ સારા પુસ્તકોના અધ્યયનથી મનને સકારાત્મક રીતે ખીલવવાની પ્રેરણા આપી.
કાર્યક્રમના સાંસ્કૃતિક સત્રમાં ધામણી શાળાના નાનાં ભૂલકાઓએ સ્વાગતગીત, વક્તૃત્વ સહિતની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌના દિલ જીતી લીધા. પ્રવાજિકા અનિલપ્રાણા માતાજીએ સેવાયજ્ઞના કાર્યમાં માં શારદાદેવીની દિવ્યતાનો અનુભવ થતો હોવાનું જણાવતાં “શિવજ્ઞાને જીવસેવા”ના ભાવથી ચાલતા આવા સેવાયજ્ઞની સરવાણી અવિરત વહેતી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ ઉપસ્થિત ૨૫૦ પરિવારોને સાડી અને મફલરનું વિતરણ કરવામાં આવ્યું તથા મહાપ્રસાદથી સૌને તૃપ્ત કરવામાં આવ્યા.
આ પ્રસંગે ધ્યાનખંડ માટે જમીન દાન આપનાર દાતાનું સન્માન કરવામાં આવ્યું. ગામના આગેવાનો દ્વારા સમગ્ર આયોજનની વ્યવસ્થિત કાળજી લેવાઈ હતી. કાર્યક્રમમાં વલસાડ, મુંબઈ અને ધરમપુર સહિતના વિસ્તારોમાંથી ભક્તગણો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન અને આભારવિધિ નવીનભાઈએ નિભાવ્યા.