ગોઈમા ગામે સ્થિત શ્રી જલારામ મંદિર, ગોઈમા ખાતે સર્વ પિતૃઓના મોક્ષાર્થેઆયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સાતમા દિવસે વિરામ પ્રસંગે ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે તત્ત્વસભર પ્રવચન યોજાયું.

વિરામ સમયે વક્તા પ.પૂ. આશિષભાઈ વ્યાસએ અઢાર પુરાણોના અર્થસારને સરળ અને અસરકારક વક્તવ્યમાં સમજાવતા જણાવ્યું કે પરોપકાર જેટલું મોટું પુણ્ય અને પરપીડા જેટલું મોટું પાપ બીજું કોઈ નથી. માનવજીવનમાં કરુણા, સહાનુભૂતિ અને સેવાભાવ જ સાચી આધ્યાત્મિક સાધના હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું.
વક્તવ્યમાં તેમણે કહ્યું કે ઘરમાં રહેનાર દરેક વ્યક્તિએ પૂજા કરવી જોઈએ. પૂજા માત્ર ફૂલ-ધૂપ કે વિધિ પૂરતી સીમિત નથી; પ્રેમ, આદર અને સન્માન એ તેની સાચી ભાવના છે. માતાજી, સૂર્ય ભગવાન, ગણપતિ, ભગવાન નારાયણ અને ભગવાન શંકરની પૂજાના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં તેમણે દેવતાઓની પરિક્રમાનો ભાવાત્મક અર્થ સમજાવ્યો. માતાજીની એક પરિક્રમા, ગણપતિ ભગવાનની ત્રણ, ભગવાન નારાયણની ચાર અને ભગવાન શંકરની અર્ધી પરિક્રમા—આ બધું શ્રદ્ધા, ભાવ અને સંસ્કારનું પ્રતિક હોવાનું તેમણે સમજાવ્યું.
પ્રવચન દરમિયાન કૃષ્ણ અને સુદામાની મિત્રતાની હૃદયસ્પર્શી કથા દ્વારા નિષ્ઠા, નિષ્કામ પ્રેમ અને સચ્ચી મિત્રતાનો સંદેશ આપવામાં આવ્યો. ગ્રામજનોને સંબોધતા તેમણે જણાવ્યું કે ગામના મંદિરમાં સવાર-સાંજ જવું જોઈએ; મંદિર માત્ર ઉપાસનાનું સ્થળ નહીં, પરંતુ સંસ્કાર, શાંતિ અને એકતાનું કેન્દ્ર છે.
આ પ્રસંગે કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જાહેરાત કરવામાં આવી કે આગામી વર્ષે જાન્યુઆરી–2027માં સમગ્ર ગ્રામજનોના સહયોગથી ગોઈમા ગામે ફરીથી ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે.
વિરામ પ્રસંગે પ.પૂ. આશિષભાઈ વ્યાસે જલારામ ધામના આયોજકો તથા ઉપસ્થિત તમામ ભક્તજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો.