કપરાડા : કપરાડા અને નાનાપોઢા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા અનેક વર્ષોથી મોબાઈલ નેટવર્કની ગંભીર સમસ્યા યથાવત છે. નેટવર્ક ન મળતા અથવા અચાનક કોલ ડ્રોપ થવાની સમસ્યાના કારણે સ્થાનિક નાગરિકો તેમજ વેપારીઓને રોજિંદા કામકાજમાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂત વર્ગ અને વેપાર-ધંધા સાથે જોડાયેલા લોકોને આ સમસ્યા વધુ સતાવી રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ ફોન આજના સમયમાં માત્ર સંપર્કનું સાધન નહીં પરંતુ શિક્ષણ, આરોગ્ય, બેંકિંગ અને સરકારી સેવાઓ સાથે જોડાયેલો મહત્વનો માધ્યમ બની ગયો છે. પરંતુ નેટવર્કની નબળી સ્થિતિને કારણે ઓનલાઈન અભ્યાસ, સરકારી યોજનાઓની માહિતી મેળવવી તેમજ ઈમરજન્સી સમયે સંપર્ક સાધવો મુશ્કેલ બન્યું છે. વરસાદી મોસમ દરમિયાન તો ઘણી વખત આખો દિવસ નેટવર્ક ગુમ થઈ જાય છે.

સ્થાનિક આગેવાન કૃતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આ સમસ્યા કોઈ નવી નથી. વર્ષોથી કપરાડા અને નાનાપોઢા તાલુકાના અનેક ગામોમાં મોબાઈલ નેટવર્કની હાલત ખરાબ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી.” તેમણે વધુમાં જણાવ્યું કે નેટવર્કના અભાવે વેપાર વ્યવહારમાં નુકસાન થાય છે અને યુવાનોને રોજગાર સંબંધિત માહિતી મેળવવામાં પણ મુશ્કેલી પડે છે.
ગ્રામજનોએ માંગ કરી છે કે ટેલિકોમ કંપનીઓ દ્વારા નવા ટાવર સ્થાપવામાં આવે અને હાલના ટાવરોની ક્ષમતા વધારવામાં આવે, જેથી નેટવર્કની ગુણવત્તા સુધરી શકે. લોકોનું કહેવું છે કે જો સમયસર આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ગ્રામ્ય વિકાસ અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી જશે.