
ધરમપુર–કપરાડામાં રૂ. 73 કરોડના જળસંચય કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મોટા ચેકડેમ અને વિયરથી 3700 એકરમાં મળશે સિંચાઈ સુવિધા
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને અને રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં ધરમપુર અને કપરાડા તાલુકાના જળસંચયના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધરમપુર અને કપરાડા તાલુકામાં રૂ. 3352 લાખના ખર્ચે તૈયાર થયેલા કુલ 23 મોટા ચેકડેમોનું લોકાર્પણ તેમજ રૂ. 4114 લાખના ખર્ચે તૈયાર થનારા પાંચ વિયરના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ બંને તાલુકામાં રૂ. 73 કરોડના ખર્ચે 38 નવા ચેકડેમ તથા રૂ. 10 કરોડના ખર્ચે વિવિધ જળસંચયના કામોની જાહેરાત કરવામાં આવી હતી.

મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, “નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ આદિવાસી વિસ્તારોની સમસ્યાઓથી સારી રીતે વાકેફ છે. તેમના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સુજલામ સુફલામ યોજના, સૌની યોજના તેમજ ઉદવહન સિંચાઈ યોજનાનો વ્યાપક અમલ થયો છે. હાલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં સિંચાઈ યોજનાઓ માટેના વાર્ષિક બજેટમાં નોંધપાત્ર વધારો કર્યો છે.”
તેમણે જણાવ્યું કે, વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા ડુંગરાળ તથા ખડકાળ વિસ્તાર ધરાવતા હોવાથી અહીં વસતા આદિજાતિ કુટુંબોને સિંચાઈ સુવિધા પૂરી પાડવી અગાઉ મુશ્કેલ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે મોટા ચેકડેમ અને વિયર બનાવવાનું આયોજન કર્યું છે. ધરમપુર અને કપરાડા તાલુકામાં રૂ. 33 કરોડના ખર્ચે 23 મોટા ચેકડેમનું બાંધકામ પૂર્ણ થયું છે, જેના પરિણામે આશરે 1700 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે.
Ad

જળસંગ્રહ માટે રોહિયાળ તલાટ, માતુનીયા, વાડી, વડોલી અને મોટી પલસાણ ગામોમાં રૂ. 34 કરોડના ખર્ચે વિયર બનાવવામાં આવશે. આ વિયરોથી 102.80 લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ શક્ય બનશે, જેના કારણે 217 એકર જમીનમાં સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. સાથે જ આશરે 685 લોકોને પીવાના પાણી, પશુપાલન અને ઘરવપરાશ માટે પાણીનો લાભ મળશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, બંને તાલુકામાં 38 જળસંચય કાર્યો માટે રૂ. 72.77 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે, જેના થકી 1783 એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ તમામ યોજનાઓના પરિણામે ધરમપુર અને કપરાડા તાલુકામાં કુલ રૂ. 140 કરોડના ખર્ચે 66 મોટા ચેકડેમ તથા વિયરના બાંધકામથી આશરે 3700 એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે.
આ જળસંચય કાર્યોના કારણે વરસાદી પાણીનું સંરક્ષણ થશે અને ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. પરિણામે કૂવા અને બોરવેલોમાં પાણીનું સ્તર ઊંચું આવશે. આ પગલાં ખેતી ઉત્પાદન વધારશે, ખેડૂતોની આવકમાં વધારો કરશે અને પીવાના તથા પશુપાલન માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે.
Ad.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, “કપરાડા અને ધરમપુર તાલુકામાં આખું વર્ષ પાણી ઉપલબ્ધ રહે તે માટે રાજ્ય સરકારે સુવ્યવસ્થિત આયોજન કર્યું છે. આ વિસ્તારને સુખી, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવા માટે પાણી એકમાત્ર મુખ્ય આધાર છે. કપરાડા તાલુકાને કુદરતે ભરપૂર સૌંદર્ય આપ્યું છે. ચોમાસામાં આ વિસ્તાર ચેરાપુંજી જેવો લાગે છે.”
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પહેલાં કપરાડા તાલુકામાં રહ્યા હતા અને તેઓ આદિવાસી સમાજની મુશ્કેલીઓ સારી રીતે સમજે છે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે વનબંધુ યોજના અમલમાં મૂકી આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કર્યો છે. આજે અંતરિયાળ 108 ગામોમાં આરોગ્ય સેવાઓ પહોંચે છે, માતા અને બાળ મરણદર ઘટાડવામાં સફળતા મળી છે અને ઘરે પ્રસૂતિની જગ્યાએ હોસ્પિટલમાં સલામત પ્રસૂતિ થાય છે, જે નરેન્દ્રભાઈ મોદીની માનવતાભર્યા વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે.
પીવાના અને સિંચાઈના પાણી અંગે તેમણે જણાવ્યું કે, “જ્યાં જ્યાં નદી ઊંડી છે ત્યાં વધુમાં વધુ ઊંચાઈવાળા ડેમ બનાવવામાં આવશે. આ કામગીરી દરમિયાન એક પણ ઇંચ જમીન ન જાય તે રીતે ડેમનું આયોજન કરવામાં આવશે. ગુણવત્તાયુક્ત ડેમ અને વિયર બનાવવામાં આવશે જેથી આવનારી અનેક પેઢીઓ તેનો ઉપયોગ કરી શકે. ભવિષ્યમાં આ વિસ્તારને ઉદવહન સિંચાઈ યોજનાનો પણ લાભ મળશે.”
કાર્યક્રમ દરમિયાન કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મુખ્ય ઈજનેર આર.એમ. પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. જળસંચય યોજનાઓ અંગેની દસ્તાવેજી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મંત્રીશ્રીઓ દ્વારા વિકાસ કાર્યોની ઇ-તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હિરાબેન માહલા, જિલ્લા પંચાયત સભ્ય ભગવાનભાઈ બાતરી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, માજી ધારાસભ્યશ્રી માધુભાઈ રાઉત સહિત અનેક પદાધિકારીઓ, અધિકારીઓ તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા દમણગંગા યોજના વર્તુળના અધિક્ષક ઈજનેર શ્રી પી.જી. વસાવાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ દમણગંગા યોજના વિભાગ નં. 1, મધુબન કોલોનીના કાર્યપાલક ઈજનેર શ્રી એસ.એન. પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાજલી પ્રાથમિક શાળાની શિક્ષિકા જાગૃતિબેન ચૌધરીએ કર્યું હતું.



















