
ચઢાવ ગામે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ રૂપે

‘સ્માર્ટ સાકાર વાંચન કુટિર’નો ભવ્ય લોકાર્પણ સમારંભ ઉત્સાહભર્યા અને શૈક્ષણિક માહોલમાં યોજાયો હતો. મુંબઈ સાકાર જીવન વિકાસ ટ્રસ્ટના ફાઉન્ડર અને શિક્ષણપ્રેમી હિતેનભાઈ ભુતાના સૌજન્યથી નિર્મિત તથા Rainbow Warriors Dharampur અને ગ્રામ પંચાયત ચઢાવના સંયુક્ત ઉપક્રમે સંચાલિત આ વાંચન કુટિર ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટે આશાનું કેન્દ્ર બનશે તેવી સર્વત્ર લાગણી વ્યક્ત થઈ હતી.

આ લોકાર્પણ સમારંભમાં શિક્ષણજગત, સામાજિક ક્ષેત્ર અને વહીવટી તંત્ર સાથે જોડાયેલા અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે ડૉ. કે. એચ. ચીખલીયા (નિવૃત પ્રોફેસર), ઉદ્ઘાટક તરીકે યુ. બી. બાવીસા (આસિસ્ટન્ટ ડાયરેક્ટર, માહિતી વિભાગ), નીલેશ્વરીબેન પટેલ (સરપંચ, ચઢાવ), ડૉ. બિપિન પટેલ (શિક્ષણ નિરીક્ષક, વલસાડ) તથા ડૉ. વર્ષાબેન પટેલ (આચાર્ય, મોડેલ સ્કૂલ માલનપાડા) ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહેમાનોના પુષ્પ છોડ આપી સ્વાગત સાથે કરવામાં આવી હતી. Rainbow Warriors Dharampur ગ્રુપની અનોખી અને પ્રશંસનીય પરંપરા મુજબ ચઢાવ ગામના વર્તમાન તથા ભૂતપૂર્વ તમામ સરપંચોને શાલ ઓઢાડી, નાળિયેર અને પુષ્પ છોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના માજી સરપંચોએ ગામના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા આવા પ્રોજેક્ટમાં આગળ પણ સક્રિય સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
વિદ્યાર્થીઓના હિતને હૃદયમાં વસાવનાર અને સમાજના ભવિષ્ય ઘડવામાં વિશ્વાસ ધરાવનાર હિતેનભાઈ ભુતાએ પોતાના આશિર્વચનમાં જણાવ્યું હતું કે, “ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં પ્રતિભાની કોઈ કમી નથી, માત્ર તેમને યોગ્ય માહોલ, માર્ગદર્શન અને સાધનોની જરૂર છે. સ્માર્ટ સાકાર વાંચન કુટિર એ દિશામાં એક નાનો પરંતુ દૃઢ પ્રયાસ છે.” તેમણે તમામ વાચકોને નિયમિત અભ્યાસ, આત્મવિશ્વાસ અને પરિશ્રમના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

સમારંભના અધ્યક્ષ ડૉ. કે. એચ. ચીખલીયાએ પોતાના પ્રેરક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શિસ્તબદ્ધ અભ્યાસનું વાતાવરણ, યોગ્ય માર્ગદર્શન અને આધુનિક સુવિધાઓ અત્યંત જરૂરી બની ગઈ છે. તેમણે જણાવ્યું કે સ્માર્ટ સાકાર વાંચન કુટિર જેવી સુવિધાઓ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ માટે જ નહીં પરંતુ સમય વ્યવસ્થાપન, લક્ષ્ય નિર્ધારણ અને જીવનમાં સફળતા મેળવવા માટે પણ મદદરૂપ બનશે. તેમણે વિદ્યાર્થીઓને રોજિંદા વાંચન, સ્વઅનુશાસન અને ધ્યેય આધારિત તૈયારી પર વિશેષ ભાર મૂક્યો હતો.
Ad.

ઉદ્ઘાટક યુ. બી. બાવીસાએ યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “વાંચન કુટિર માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી, પરંતુ એ વિચારધારાનું કેન્દ્ર છે, જ્યાંથી સજ્જ અને જવાબદાર નાગરિકો તૈયાર થાય છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અહીં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. સાથે સાથે તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી પુસ્તકો અને માર્ગદર્શન પૂરું પાડવા માટે પોતાની તરફથી સહયોગની ખાતરી પણ આપી હતી.
ડૉ. બિપિન પટેલે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નિયમિત અભ્યાસની યોગ્ય રીત, વિષય અનુસાર પુસ્તકોની પસંદગી, સમયનું યોગ્ય આયોજન તથા ડિજિટલ સાધનોના સકારાત્મક ઉપયોગ અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. ડૉ. વર્ષાબેન પટેલે પોતાના ઉદબોધનમાં જીવનમાં લાઇબ્રેરી અને વાંચનની ભૂમિકા વિષે વિવિધ ઉદાહરણો આપી સુંદર રીતે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વાંચનથી વિચારશક્તિ વિકસે છે અને જીવનને નવી દિશા મળે છે.
સરપંચ નીલેશ્વરીબેન પટેલે જણાવ્યું હતું કે, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, Rainbow Warriors Dharampur તથા ગ્રામ પંચાયત ચઢાવના સહયોગથી રચાયેલી આ સ્માર્ટ સાકાર વાંચન કુટિર ચઢાવ ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યની નવી દિશા સાબિત થશે. તેમણે આ પ્રોજેક્ટ માટે તમામ સહયોગીઓને ગ્રામ પંચાયત તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.
Ad.
આ પ્રસંગે ચીખલી કોલેજના પ્રિન્સીપાલ જશવંતભાઈ, ડૉ. વિરેન્દ્ર ગરાસીયા (ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક), મહેશ ગરાસીયા (RTO કચેરી, વલસાડ), નિમેશભાઈ ગાંવિત (નાયબ ઓડિટર, લોકલ ફંડ નવસારી), જયેશભાઈ પટેલ (જય સ્વાદિષ્ટ હોટલ, વાંસદા), મિતેશ પટેલ, પ્રોફેસર ભાવિકા પટેલ, સુનિલ પટેલ (જી.ઈ.બી., વલસાડ), સુનિલ પટેલ (સા. કાર્યકર્તા, બામતી), સાંઈ કથાકાર રાજેશાનંદ મહારાજ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્માર્ટ સાકાર વાંચન કુટિરને અધ્યતન અને આધુનિક બનાવવા માટે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ તરફથી તમામ જરૂરી ફર્નિચર, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકો, સ્માર્ટ પ્રોજેક્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત પી.આઈ. ધર્મેશભાઈ પટેલે વાઈ-ફાઈ, પ્રિન્ટર જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ પૂરી પાડી હતી. ગ્રામજનો તરફથી પણ વિદ્યાર્થીઓને જરૂરી અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી હોવાનું જણાવાયું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે મનીષભાઈ પટેલ, ધર્મેશભાઈ, યોગેશભાઈ, જીતુભાઈ, રમેશભાઈ, ઈશ્વરભાઈ સહિત ચઢાવ ગામના યુવાનો અને આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મનીષભાઈ પટેલ તથા Rainbow Warriors Dharampurના કો-ઓર્ડિનેટર શંકર પટેલ દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું.
સમગ્ર સમારંભ અંતે ઉપસ્થિત સૌએ સ્માર્ટ સાકાર વાંચન કુટિરને ગ્રામ્ય શિક્ષણના ક્ષેત્રે એક માઈલસ્ટોન ગણાવી, આવનારા સમયમાં અહીંથી અનેક સફળ અને સંસ્કારવાન વિદ્યાર્થીઓ તૈયાર થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.




