
ધરમપુર તાલુકાના નાનીવહિયાળ ગામે સ્થિત દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ, સુરત દ્વારા સંચાલિત કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ બને તે હેતુસર આર.ઓ. (રિવર્સ ઓસ્મોસિસ) પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ આર.ઓ. પ્લાન્ટ સુરત નિવાસી દાનવીર ગૌતમભાઈ દેસાઈ દ્વારા તેમની માતૃશ્રી સ્વ. સુમિત્રાબેન દેસાઈના સ્મરણાર્થે ભેટરૂપે આપવામાં આવ્યો છે. આ સેવાકાર્ય માટે કુલ રૂ. ૧,૬૫,૨૦૦/-નો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સંચાલકો દ્વારા જણાવાયું હતું.

લોકાર્પણ પ્રસંગે ગૌતમભાઈ દેસાઈએ પોતાના અનુભવો જણાવ્યું હતું કે તેઓ પોતે પણ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહ્યા છે. વિદ્યાર્થીજીવન દરમિયાન શુદ્ધ પાણી સહિતની અનેક મુશ્કેલીઓનો તેમણે સામનો કર્યો હતો, જે યાદો આજે પણ તેમને પ્રેરણા આપે છે. માતૃશ્રીના સંસ્કારો અને સેવા ભાવનાથી પ્રેરિત થઈ સમાજહિત માટે કંઇક કરવાની લાગણી સાથે તેમણે આ આર.ઓ. પ્લાન્ટ છાત્રાલયને અર્પણ કર્યો હોવાનું જણાવ્યું.

સાથે જ હાઈસ્કૂલના નવા મકાનના નિર્માણ કાર્યમાં પણ ગૌતમભાઈ દેસાઈએ સહયોગ આપ્યો હોવાનું સંચાલકોએ ઉમેર્યું. તેઓ દર વર્ષે પોતાની માતૃશ્રીના સ્મરણાર્થે વિવિધ દાનકાર્યો કરતા રહે છે, જે તેમની સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.

નાનીવહિયાળ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તથા જિલ્લા પંચાયત સભ્ય શૈલેશકુમાર આર. પટેલે સ્વાગત પ્રવચન કરી દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શુદ્ધ પાણી આરોગ્ય માટે અત્યંત જરૂરી છે અને આ આર.ઓ. પ્લાન્ટથી છાત્રાલયના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફાર આવશે.

નિષાબેન દેસાઈએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા રાખવા, સમયનો સદુપયોગ કરવા તથા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. સાથે જ તેમણે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ પાઠવી.

સહમંત્રી કાંતાબેન પટેલે દાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરતા વિદ્યાર્થીઓને પાણીનો સદઉપયોગ કરવા અપીલ કરી હતી.

વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ખરેખર ભાગ્યશાળી છે કે તેમને દાતાઓના સહયોગથી આવી આધુનિક અને ઉપયોગી સુવિધાઓ મળી રહી છે. ભવિષ્યમાં પણ છાત્રાલયની જરૂરિયાતો માટે સહયોગ આપવાની ખાતરી તેમણે આપી હતી.

આ પ્રસંગે દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ મંત્રી દત્તેશભાઈ ભટ્ટ, સહમંત્રી કાંતાબેન પટેલ, નિવૃત્ત શિક્ષક નારણભાઈ પટેલ, છાત્રાલયના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે આવી સુવિધાસભર સેવાઓ અત્યંત મહત્વની છે અને ગૌતમભાઈ દેસાઈનું આ સેવાભાવી કાર્ય અન્ય દાતાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. કાર્યક્રમના અંતે છાત્રાલય સંચાલન તરફથી દાતાશ્રી તથા દેસાઈ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.




