
અખિલ ભારતીય વારલી સમાજના એકતા, વિકાસ અને સંસ્કૃતિના સંવર્ધન માટે મહત્વપૂર્ણ એવા અખિલ ભારતીય વારલી સમાજ મહા સંમેલનનું આયોજન આગામી 7 ફેબ્રુઆરીના રોજ ઉમરગામ તાલુકાના માડા ગામે કરવામાં આવ્યું છે. આ મહા સંમેલન સમાજના સર્વાંગી વિકાસને દિશા આપનાર એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મહા સંમેલનમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી વારલી સમાજના અગ્રણી આગેવાનો, સમાજસેવકો, શિક્ષણવિદો, યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સમાજના પ્રગતિશીલ વિચારો, પરંપરા અને ભવિષ્યની દિશા અંગે વ્યાપક ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ખાસ કરીને સમાજમાં ચાલી રહેલા કુરિવાજો, સામાજિક કુપથાઓ અને અંધશ્રદ્ધા અંગે વિચારવિમર્શ કરી તેમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવશે.

મહા સંમેલનનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણનું મહત્વ ઉજાગર કરવાનો છે. આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ વિના વિકાસ શક્ય નથી તે બાબતને ધ્યાનમાં રાખી સમાજના દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ લેવાશે. ઉચ્ચ શિક્ષણ, વ્યાવસાયિક અભ્યાસ, તેમજ યુવાઓ માટે રોજગારલક્ષી માર્ગદર્શન અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવશે. સાથે જ બાળશિક્ષણ, કન્યા શિક્ષણ અને ડ્રોપઆઉટ ઘટાડવા માટે સમાજ સ્તરે કરાય પ્રયાસો પર માર્ગદર્શન આપવામાં આવશે.

આ સંમેલનમાં સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ઓળખ જાળવી રાખતાં આધુનિક વિચારધારા સાથે આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવશે. મહિલાઓના સશક્તિકરણ, યુવાઓની ભાગીદારી અને સમાજમાં એકતા વધે તે માટેના મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. વિવિધ વક્તાઓ પોતાના અનુભવ અને વિચારો રજૂ કરી સમાજને નવી દિશા આપશે.

મહા સંમેલનને સફળ બનાવવા માટે માડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં તૈયારી તેજ કરવામાં આવી છે. સ્વાગત સમિતિ દ્વારા આયોજનની તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે કરવામાં આવી રહી છે. આયોજકો દ્વારા સમગ્ર વારલી સમાજને આ મહા સંમેલનમાં હાજરી આપી સમાજના વિકાસ માટે એકજૂટ થવા અનુરોધ કરવામાં આવ્યો છે.




