
આલેખન: ફાલ્ગુની વસાવડા
નવા વર્ષની શરૂઆત, ધ્યાન દિવસનાં ત્રિપરિમાણીય અર્થનાં વ્યાપને સમજીને કરીએ.
આમ તો આજે ગુરુવાર એટલે પ્રાર્થનાનો ક્રમ! પરંતુ 2026 નો પ્રથમ દિવસ, તો ઈસુ નાં નવ વર્ષની સૌને ખૂબ ખૂબ વધાઈ! સૌ શારિરીક માનસિક અને આર્થિક રીતે સદ્ધર બને એવી ઈશ્વર ચરણે પ્રાર્થના. ગયાં વર્ષમાં આપણે કેટલુંક સારું કર્યું હશે, પરંતુ સારાંનાં પ્રમાણમાં ભૂલો વધુ હશે, અને એટલે એવી વાતો કે જે થવી ન જોઈએ, એની વિશેની જાગૃતિ એ પણ પ્રાર્થના જ છે. દસ દિવસના વેકેશન દરમિયાન ધ્યાન દિવસ પણ ગયો, અને ધ્યાન કરવું જેટલું જરૂરી છે, એટલું જ ધ્યાન રાખવું પણ જરૂરી છે, અને એની અંતિમ અવસ્થા સુધી કેમ પહોંચી શકાય, એને વિશે થોડું ઘણું ચિંતન થઈ શકે, તો આવનારું વર્ષ સુધરી શકે. ધ્યાન એટલે મેડિટેશન, માત્ર આધ્યાત્મિક શબ્દ નથી, પણ જીવનને સંતુલનમાં રાખવા માટે બહુ જરૂરી પરિબળ છે. સામાન્યમાં સામાન્ય માનવી પણ ધ્યાનનો અર્થ સમજી અને એને જીવનમાં સમાવી શકે, એટલું સુક્ષ્મ ચિંતન કરવું પડે. સમગ્ર વિશ્વમાં અત્યારે જે રીતે અશાંતિ પ્રવર્તી રહી છે, એમાં યોગ અને ધ્યાનથી જ શાંતિ આવી શકે એમ છે, હાલાકી ધ્યાન એ યોગનું જ એક અંગ છે, પણ બંનેમાં અભ્યાસથી નિપુણતા પ્રાપ્ત થાય છે.
ધ્યાનનો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ રીતે ત્રિપરિમાણિય અર્થ જોઈએ, સ્થૂળ શરીર જ્યારે સત્ય અસત્યનું ધ્યાન રાખે, એટલે કે પોતાની જાતે પોતાનું નિરીક્ષણ કરીને ધ્યાનપૂર્વક કરવામાં આવતી દિનચર્યા, એ ધ્યાનનું પ્રથમ ચરણ છે. જીવમાંથી સાધક બને અને આત્મ દર્શનથી જ તેને ઈશ્વર તત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, તેને જાણવા માણવા, અને અનુભૂતિનાં એ પ્રદેશમાં યાત્રા કરવાની ઈચ્છા કે જિજ્ઞાસાને કારણે તે કોઈ એક નિશ્ચિત સમયે, અને નિશ્ચિત જગ્યાએ, આસન પાથરી, પદ્માસન અથવા સહજ આસનમાં, પલાઠી વાળીને આંખ બંધ કરીને બેસે એ ધ્યાનનું બીજું ચરણ છે. જેમાં શરૂઆતમાં અંતર માનસમાં આત્મદર્શન થયું ન્હોય, એટલે અંધારા દેખાય છે. નિત્ય અભ્યાસ અને દ્રઢ સંકલ્પ તેમજ નીતિ પૂર્વકનું જીવન અને હરિસ્મરણ આ બધાનો જો સતત અભ્યાસ હોય તો, ધીરે ધીરે એને ધ્યાનની ધરાએ અથવા બે આંખની વચ્ચે જ્યાં અધિષ્ઠાન ચક્ર કે આજ્ઞા ચક્ર આગળ આછો પ્રકાશ દેખાય છે. એ પ્રકાશમાં ધ્યાનની મુદ્રાઓની અનુભૂતિ થાય છે. એટલે કે ત્યાં આગળ શરૂઆતમાં જુદા જુદા ચિત્રો, છબીઓ, આકૃતિઓ, પ્રકૃતિના સ્વરૂપો, વગેરેના દર્શન થાય છે. અહીં વિચાર યાત્રાનો થોડોક હિસ્સો હોવાથી, જે ઘટના ઘટી હોય તે દેખાવાની સંભાવના વધી જાય છે. એટલે કે શરીર એ અનુભવેલ સુખ દુઃખ,ગ્લાની, હર્ષ, શોક, ગુસ્સો વગેરે ભાવની થોડીક પડછાઇ અહીં પડી શકે. પણ ત્યાં અટકી જવાનું નથી, ધારણાને વધુને વધુ હિંદુ સનાતન ધારા પ્રમાણે પ્રબળ બનાવવાની છે, નીરાકાર ઈશ્વરની જો પરિકલ્પના હોય, પ્રકૃતિ સતત તમને સ્પર્શી રહી છે, તેવી ધારણા કરવાની છે. પવન અહીં સ્પર્શી અને એના શીતલ આલ્હાદક સ્પર્શથી જાણે અખંડ ચેતના રૂપ કાયત્વને જગાડી રહ્યો છે, સૂર્ય તેના પરમ તેજથી જીવન પ્રકાશિત કરી રહ્યો છે, આકાશ તેની વિશાળતાનુ દર્શન કરાવે છે, એટલે કે બે ભુજાઓ પ્રસારી તેને સ્તકારી રહ્યો છે, હૃદયમાં મંદાકિની સત્ય પ્રેમ અને કરુણા રૂપે હિલોળા લઈ રહી છે, અને પૃથ્વી અચલ ભરોસાના સંકલ્પ સાથે પોતાના ભારને ઉપાડી રહી છે. સાકાર બ્રહ્મની પરિકલ્પના હોય તો જે રૂપ સ્વરૂપને આપણે માનતા હોઈએ, અથવા જેમાં શ્રદ્ધા હોય તેની છબી આ ધ્યાન ધરા પર દેખાય, અને આપણી આ યાત્રા સફળ થતી અનુભવાય. શિવ, દુર્ગા, કૃષ્ણ, વિષ્ણુ, કે રામ, સ્વરૂપની આરાધના હોય તો તે સ્વરૂપે તે આપણને ધ્યાનની ધરાએ દેખાય છે. અને આ ધ્યાનનો સૂક્ષ્મ અર્થ છે. જ્યાં આગળ કોઈ બીજો વિકાર નથી, પણ ફક્ત વિશ્વાસ છે, સદગુરૂ વચનનાં ભરોસાથી આ કક્ષાએ જીવ પહોંચી શકે છે. હવે કારણ શરીરનો ધ્યાનનો અર્થ કરીએ તો, સ્થૂળ રૂપે ધ્યાન રાખતા રાખતા એટલે કે દિનચર્યામાં ફેરફાર કરીને બિલકુલ પ્રમાણિક બનીએ, એટલે નીતિ, સચ્ચાઈ, અને પ્રમાણિકતા એ ત્રણ ગુણ ઉદ્ભવે, અને તેની પાછળ ક્ષમા, વીરતા, સહનશીલતા, જેવા બીજા પણ અન્ય ગુણો વિકસે, ત્યારે ધ્યાન સિવાયના બાકીના સમયમાં પણ જીવથી સદભાવનાથી કર્મો થાય, એટલે કારણ શરીર ધ્યાનમાં વધુ ઝડપથી ગતિ કરી શકે. કારણ શરીર એટલે કે આપણી જ ઉર્જાના વલયોને આપણે સ્પષ્ટ પણે અનુભવીએ, અને આ આભાનું વર્તુળ, વધુ ને વધુ મોટું થતું જાય તેમ, કારણ શરીરનો વ્યાપ વધુ છે. અને જેમ વ્યાપ વધુ તેમ, અસ્તિત્વમાં તેની ગતિ પણ વધુ એટલે કે, એકબીજાની વચ્ચેનું અંતર ઘટતું જાય ત્યારે આ કારણ શરીરથી અસ્તિત્વમાં એકાકાર થઈ અને, આત્માને પરમાત્મા રૂપે અનુભવવાની ધ્યાનની આ સ્થિત! જે હવે તેની આગળ પોતાની માટે ઈશ્વરને સાકાર કે નિરાકાર સ્વરૂપે જોવો છે, એવો પણ કોઈ જ આગ્રહ નહીં! ફક્ત તે પંચ ભુત સ્વરૂપે છે, અને અસ્તિત્વમાં એકાકાર છે. પવન, પાણી, અગ્નિ, આકાશ, અને પૃથ્વી, પાંચે તત્વોમાં તે તલ્લીન છે. સાધક આ કક્ષામાં આવે તે ધ્યાનનો કારણ શરીરનો અર્થ છે. પણ સાધક સંસારી પણ છે,એટલે કર્તવ્ય કર્મ, વ્યવહાર કર્મ, અને શારીરિક અવસ્થા આ બધા જ ધર્મો તેની સાથે ક્ષણે ક્ષણે જોડાયેલા હોય છે. એટલે અનુભૂતિના પ્રદેશમાં તે લાંબો સમય રહી ન શકે, એટલે સ્થૂળ શરીરથી સતત ધ્યાન રાખી અને ધ્યાનની ધારણાને પ્રબળ બનાવવાની છે. ધ્યાન એ અધ્યાત્મ યાત્રાનો સૌથી વધુ અનુભૂતિ કરાવનારો, રસપ્રદ પ્રદેશ કહી શકાય. જ્યાં તમારી ઈશ્વર પ્રત્યેની ધારણાની કલ્પનામાં જેટલી વિવિધતા તમે લાવી શકો, એટલી આ પ્રદેશમાં આનંદની અનુભૂતિ ઉદ્ભવે. એટલે સ્વરૂપ બદલવાના નથી, આજે રામ, કાલે સીતા, પરમદિવસે શંકર એવું નહીં, એક જ સ્વરૂપમાં કલ્પનની વિવિધતા એ પરમ શક્તિની સમર્થતા અને તેની સાથેનુ અદમ્ય સાનિધ્ય. પણ જીવનનો હેતુ માત્ર કલ્પના જ રહી જાય નહીં, એ જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. સ્થૂળનું જાગવું એ ક્રિયાનાં સંદર્ભમાં છે, એટલે કે સૂર્ય ઊગ્યો અને સ્થૂળ શરીર જાગ્યું, પણ સુક્ષ્મનું જાગવું તો આત્મ દર્શન કરવું તે છે, અને આત્મ દર્શન પછી આત્મા પરમાત્માનાં અલગ અલગ અસ્તિત્વનો એકાકાર થવો, ત્યારે જીવમાં શિવનો નિત્ય નિવાસ થાય અને એ ઈશ્વરીય શક્તિ એટલે જ આભા વલય! આભા વલય ની શક્તિ અપરંપાર છે અને શબ્દાતીત છે.
વિદેશની સંસ્કૃતિને કારણે આપણે ઘણા જ આવાં ‘ડે’ ઉજવતા થયાં છીએ, જેમ કે “વીમન્સ ડે” “મેન ડે” મધર્સ ડે, ફાધર્સ ડે, બ્રધર્સ ડે, સિસ્ટર ડે, ડોટર ડે, ફ્રેન્ડશીપ ડે, ડોક્ટર ડે, એ ઉપરાંત “નેચર ડે” “પોલ્યુશન ડે” બુક ડે, અને આવાં તો ઘણાં! પણ ભારતીય ને કારણે આખું વિશ્વ ‘ડે’ઉજવશે એવું બહું ઓછું બન્યું છે! પણ હવે આયુર્વેદ અને યોગ તરફ જે રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિના લોકો વળી રહ્યા છે, એના પરથી કહી શકાય કે પૂર્વની સંસ્કૃતિનો સૂરજ ધીરેધીરે ઉદય પામી રહ્યો છે, અને એનાં દિવ્ય અજવાળાં જ વિશ્વમાં શાંતિની સ્થાપના કરશે! વસુધૈવ કુટુંબની ઉચ્ચ ભાવના વિશ્વમાં વ્યાપે એ માટે માત્ર શારીરિક નહીં, પણ દરેક લોકોનું માનસિક ઉત્થાન પણ જરૂરી છે, અને એ માત્ર ને માત્ર યોગ તેમજ ધ્યાનથી શક્ય છે. તો આપણે સૌ પણ આપણી વિસરાતી સંસ્કૃતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી, આધુનિકતાની દોડમાં જે વગર વિચાર્યે અપનાવ્યું છે, એને છોડી અને આપણી મૂળ સંસ્કૃતિને દીપાવીએ! જેથી કરીને આવનારી પેઢીમાં પણ આપણા ઉચ્ચ સંસ્કારનું સિંચન થાય ! જય હિન્દ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

