
મિત્રો – શુભ સવાર.
ક્યારેક જીવનના કોઈ એક તબક્કે ઊભા રહીને અચાનક આપણને અંદરથી અવાજ આવે છે –
“યે કહાં આ ગયે હમ…!”
આ પ્રશ્ન માત્ર શબ્દો નથી, પરંતુ જીવનની દિશા વિશેનું એક ઊંડું ચિંતન છે. સમયની ગતિ એટલી તેજ બની ગઈ છે કે ખાસ કરીને પચાસ વર્ષથી ઉપરની પેઢીને આજના યુવાનોની આધુનિક જીવનશૈલી જોઈને ઘણીવાર એવું લાગતું હોય છે કે, “અમે તો સાથે સાથે ચાલતા હતા, પણ રસ્તો ક્યારેક બદલાઈ ગયો એ ખબર જ ન પડી.”
આ શબ્દો 1981માં બનેલી ફિલ્મ સિલસિલાના એક ગીતમાંથી લેવામાં આવ્યા છે, જે અમિતાભ બચ્ચન અને લતા મંગેશકરના અવાજમાં ગુંજ્યું હતું. શબ્દો જાવેદ અખ્તરે લખ્યા હતા અને સંગીત શિવહરીનું હતું. ગીતના શબ્દોમાં જે ભાવ છે, તે માત્ર પ્રેમ કે વિયોગ પૂરતો સીમિત નથી; તે માનવીય જીવનના અનેક પડાવને સ્પર્શે છે. જ્યારે માણસ પોતાની જાતને અચાનક એવી સ્થિતિમાં જોઈ લે છે, જ્યાંથી પાછા ફરવાનો માર્ગ અઘરો લાગે, ત્યારે આ શબ્દો સાચા અર્થમાં જીવંત બની જાય છે.
માનવી ઘણીવાર સંજોગોના પ્રવાહમાં એટલો વહેતો થઈ જાય છે કે, સાચું-ખોટું સમજવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે. જીવનનિર્વાહ, કર્તવ્ય કે સ્વાર્થના નામે સમાજની પરવા કર્યા વિના પોતાની બુદ્ધિ પ્રમાણે ચાલે છે. ક્યારેક એ બુદ્ધિ સાચી દિશામાં લઈ જાય છે, તો ક્યારેક ખોટા માર્ગે પણ લઈ જાય છે. અને જ્યારે ખોટી દિશાનો અહેસાસ થાય છે, ત્યારે અંદરથી એક કરુણ સ્વર ઊઠે છે – “મેં આ શું કર્યું?”
જો થોડી ધીરજ રાખી હોત, તો કદાચ સંજોગો બદલાઈ શક્યા હોત. પરંતુ જીવનની એક કડવી હકીકત એ છે કે દરેક સંજોગો આપણાં માટે પરીક્ષા રૂપે આવે છે. આ પરીક્ષામાં પાસ થવું કે નાપાસ થવું, એ આપણાં નિર્ણયો પર નિર્ભર છે. આગમાં હાથ નાખીએ તો દાઝી જવાય – આ સત્ય આપણે સૌ જાણીએ છીએ, છતાં પણ ઘણીવાર ચેતવણી અવગણીએ છીએ.
આજનો સમાજ, ખાસ કરીને યુવા પેઢી, પ્રેમના નામે ઘણી વખત ગેરમાર્ગે દોરાઈ રહી છે. ફિલ્મો અને કહાનીઓમાં દર્શાવાતું જીવન વાસ્તવિક જીવન નથી; એ અભિનય છે, કલ્પના છે. પરંતુ અપરિપક્વ ઉંમરે જ્યારે યુવાનો એ કલ્પનાને વાસ્તવિકતા સમજી બેસે છે, ત્યારે સમસ્યાઓનું સર્જન થાય છે.
આધુનિકરણ સાથે દેખાદેખીનું ઝેર પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સમાજના દરેક વર્ગમાં એવું માનસિક દબાણ ઊભું થયું છે કે “બધું બધાને હોવું જોઈએ.” મોંઘી કાર, બ્રાન્ડેડ કપડાં, વૈભવી જીવન – આ બધું જાણે સફળતાનું પ્રમાણપત્ર બની ગયું છે.
હવે મારું ગુજરાતના સાચા
સમાચાર…
તાજા સમાચાર આખો દિવસ
વાંચો ફ્રીમાં, માત્ર દિવ્ય ભાસ્કર એપ પર
QR કોડ સ્કેન કરીને દિવ્ય ભાસ્કર એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરો
👇👇👇👇👇👇👇👇👇
https://divya.bhaskar.com/TlgkscAUhYb
ભારતીય સમાજમાં યુવાનો મુખ્યત્વે ત્રણ રીતે ગેરમાર્ગે જઈ શકે છે.
પ્રથમ – અતિ મહત્ત્વાકાંક્ષા.
બીજું – વ્યસન.
ત્રીજું – અપરિપક્વ પ્રેમ.
યુવાની ભારતીય સમાજનું સૌથી મોટું બળ છે. પરંતુ જ્યારે આ બળ ખોટી દિશામાં વપરાય છે, ત્યારે એ સમાજ માટે ચિંતાનો વિષય બની જાય છે. અતિ મહત્ત્વાકાંક્ષી યુવાન જ્યારે પોતાની અપેક્ષાઓ પૂરી ન કરી શકે, ત્યારે હતાશા અને ડિપ્રેશનમાં ગરકાવ થઈ જાય છે. કેટલીક પરિસ્થિતિઓમાં આ માનસિક અસંતુલન હિંસક વર્તન તરફ પણ લઈ જાય છે.
ઘણા યુવાનો પોતાની નિષ્ફળતાથી બચવા માટે વ્યસનની શરણ લે છે. શરૂઆતમાં “મજા” કે “રિલેક્સ” માટે શરૂ કરેલું વ્યસન ધીમે ધીમે જીવન પર હાવી થઈ જાય છે. દારૂ, તમાકુ કે અન્ય નશીલા પદાર્થો અંતે એ વ્યક્તિને એ સ્થળે લઈ જાય છે, જ્યાંથી પાછું ફરવું અઘરું બની જાય છે.
કહેવાતા વિજાતિ આકર્ષણના નામે શરૂ થતો પ્રેમ, જ્યારે લગ્ન જેવી પવિત્ર સંસ્થાનું માન રાખતો નથી, ત્યારે સામાજિક બંધારણમાં ભંગાણ પડે છે. લિવ-ઇન રિલેશનશિપમાં લાંબા સમય બાદ થતો બ્રેકઅપ વ્યક્તિને અંદરથી તોડી નાંખે છે. એ ક્ષણે ખરેખર આ ગીતના શબ્દો અનુભવાય છે – “યે કહાં આ ગયે હમ…”
જીવન સ્વપ્ન નથી; જીવન એક કઠોર વાસ્તવિકતા છે. જો આપણે વાસ્તવિકતાને સ્વીકારીને જીવીએ, તો જીવન ઘણીવાર સરળ પણ બની શકે છે. પરંતુ જ્યારે કલ્પનાની દુનિયા અને વાસ્તવિક જીવન વચ્ચે મોટું અંતર સર્જાય છે, ત્યારે ગેરમાર્ગે જવાની સંભાવના વધી જાય છે.
ફિલ્મો અને મિડિયાની પણ અહીં મોટી જવાબદારી છે. ફિલ્મોમાં હીરોને વ્યસન કરતા બતાવવામાં આવે છે અને નીચે નાનાં અક્ષરમાં લખી દેવામાં આવે છે કે “દારૂ પીવો હાનિકારક છે.” પરંતુ દર્શક પર અસર શબ્દોથી નહીં, દ્રશ્યોમાંથી થાય છે. ભજવાયેલું પાત્ર લાંબા સમય સુધી મનમાં છાપ છોડી જાય છે.
ઉંમરની અપરિપક્વતામાં સોબતનું મહત્વ અત્યંત વધી જાય છે. સારા મિત્રોની સોબત જીવનને સુધારી શકે છે, જ્યારે ખરાબ સોબત આખી જિંદગી બગાડી શકે છે. વ્યસન કરનારને પણ ખબર હોય છે કે એ ખોટું છે, છતાં પણ તે આદત છોડતો નથી – જ્યાં સુધી ભયંકર પરિણામ સામે ન આવે.
સ્ત્રી-પુરુષ સમાનતાના સૂત્રો આજે ચર્ચામાં છે, જે યોગ્ય પણ છે. પરંતુ મહાનગરોમાં યુવતીઓમાં પણ વ્યસનની પ્રવૃત્તિ વધતી જાય છે, જે ચિંતાજનક છે. ભારતીય સમાજની એક મોટી કમજોરી દીકરા-દીકરી વચ્ચેનો ભેદભાવ છે. ઘરનાં બંધનમાંથી બહાર નીકળતાં જ અચાનક મળતી સ્વતંત્રતા અને લાલચ ઘણા યુવાનોને લપસાવી દે છે.
માનવી ઘણીવાર પોતાની ભૂલ માટે સંજોગોને દોષ આપે છે. પરંતુ હકીકતમાં સંજોગો સૌના જીવનમાં આવે છે. સાચો ફરક એ છે કે આપણે એ સંજોગો સામે કેવો નિર્ણય લઈએ છીએ. સંસ્કારો એ જીવનનો આધારસ્તંભ છે. બાળપણથી જ સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે, તો એ જીવનભર રક્ષણ આપે છે.
હિન્દુ સંસ્કૃતિ માત્ર પરંપરા નથી; એ એક જીવનશૈલી છે. તેમાં નૈતિક મૂલ્યો, સંયમ, સંતોષ અને સહઅસ્તિત્વની ભાવના સમાયેલ છે. પ્રેમના પવિત્ર અર્થને સમજવા માટે પણ આ સંસ્કૃતિ માર્ગદર્શન આપે છે.
જીવનના અમુક નિર્ણયો એવા હોય છે, જેમાં એકવાર થયેલી ભૂલ આખી જિંદગી પસ્તાવાનું કારણ બની શકે છે. તેથી ખોટી મહત્ત્વાકાંક્ષા, ખોટાં સ્વપ્નો અને દેખાદેખીથી દૂર રહી, વાસ્તવિકતાને સ્વીકારીને જીવવું એ જ સાચું સુખ છે.
આજના યુવાનો આ સત્યને સમજે, સંસ્કાર અને સંયમ સાથે જીવન જીવે – એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે ધરાવી, આ લેખને અહીં વિરામ આપું છું.
ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે.
સૌને સ્નેહવંદન…
જય સીયારામ.

