
સુંદરકાંડમાં પંચદર્શનનો અદભુત મહિમા સમાયેલો છે. માનવજીવનના દરેક પળે, દરેક પડાવે આ પંચદર્શનનું સ્મરણ અને મનન અત્યંત આવશ્યક છે. રામચરિતમાનસના સાત સોપાનમાંથી પંચમ સોપાન તરીકે સુંદરકાંડનું સ્થાન છે, પરંતુ સમગ્ર રામકથાનું કેન્દ્રીય બિંદુ જો ક્યાંય હોય તો તે સુંદરકાંડમાં જ વસે છે.
૨૦૧૮માં ટોરોન્ટોમાં યોજાયેલી માનસ સુંદરકાંડની કથાના પ્રથમ દિવસે પૂજ્ય બાપુએ ભાવવિભોર શબ્દોમાં કહ્યું હતું કે, “ટોરોન્ટોની આ ભૂમિ પર ૧૬ વર્ષ બાદ ફરી રામકથા થઈ રહી છે, એનો મને વિશેષ આનંદ છે. અહીં યુવા પેઢી રામકથા સાંભળી રહી છે – એ આનંદ તો દ્વિગુણો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ટોરોન્ટોમાં અનેક સ્થળોએ હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના પાઠ નિયમિતપણે થાય છે, પરંતુ આ કથામાં આપણે ‘માનસ સુંદરકાંડ’ના વિષય પર વિશેષ ચર્ચા કરવાના છીએ.
પૂજ્ય બાપુ હંમેશાં કહે છે કે રામકથા કોઈ માત્ર ધાર્મિક વ્યાખ્યાન નથી; રામકથા તો એક પ્રયોગશાળા છે. જેમની પાસે આંખ છે તેઓ જોઈ શકે, પરંતુ જેમની પાસે આંખ હોવા છતાં દ્રષ્ટિકોણ નથી, તેઓ ઘણું ચૂકી જાય છે. રામકથા આપણને દ્રષ્ટિ નહીં, પરંતુ દ્રષ્ટિકોણ આપે છે. કથા સ્વયં સદગુરુ બનીને આપણને જીવન જોવાની નવી નજર આપે છે.
સુંદરકાંડના પંચદર્શન
સુંદરકાંડમાં પંચદર્શનનું વિશેષ વર્ણન મળે છે. પૂજ્ય બાપુના શબ્દોમાં –
૧) હનુમાનજીનું લંકા દર્શન
૨) હનુમાનજીની આંખે અશોકવાટિકાનું અને માતા સીતાનું દર્શન
૩) હનુમાનજીની દ્રષ્ટિએ દશાનન (રાવણ)નું દર્શન
૪) વિભીષણનું ભગવાન રામનું દર્શન
૫) સમુદ્રની જડ દ્રષ્ટિએ ભગવાન રામનું દર્શન
આ પંચદર્શનને વ્યાસપીઠ ‘વ્યાસપીઠ પંચદર્શન’ કહે છે. અહીં શાસ્ત્રીય ષડદર્શનની વાત નથી, કારણ કે તે અત્યંત જટિલ છે. વ્યાસપીઠ તો જીવનમાં ઉપયોગી, સરળ અને વ્યવહારુ દર્શન આપે છે.
પૂજ્ય બાપુ શ્રોતાઓને હંમેશાં આમંત્રણ આપે છે – “કથા સાંભળવા ભલે પરિવાર સાથે આવો, પરંતુ સાંભળતાં સમયે એકલા થઈ જજો. મારું બોલવાનું શરૂ થાય અને તમારું સાંભળવાનું શરૂ થાય, ત્યારે રામકથા જે કામ કરી શકે છે, એ બીજું કંઈ કરી શકતું નથી.”
રાવણનું દર્શન – અજ્ઞાનથી જ્ઞાન સુધી
સુંદરકાંડમાં હનુમાનજી રાવણ સામે નિર્ભયતાથી બોલે છે –
સુનુ રાવન બ્રહ્માંડ નિકાયા,
પાઈ જાસુ બલ બિરચિત માયા.
રાવણ પાસેથી પણ એક વિશાળ દર્શન મળે છે. લંકાને કે રાવણને ગાળો આપવી એ આપણી અજ્ઞાનતાનું પ્રદર્શન છે. કૃષ્ણમૂર્તિનું વાક્ય અહીં ખૂબ અર્થપૂર્ણ લાગે છે – “ન પાપ છે, ન પુણ્ય છે. પાપ એટલે અજ્ઞાન અને પુણ્ય એટલે જ્ઞાન.” શંકરાચાર્ય પણ એ જ કહે છે –
ન પુણ્યં ન પાપં ન સૌખયં ન દુઃખં,
ન મંત્રો ન તીર્થં ન વેદો ન યજ્ઞાઃ
અશોકવાટિકામાં રાવણ મંદોદરી સહિત રાણીઓને લઈને જાનકી પાસે આવે છે અને પ્રલોભન આપે છે – “એક નજર મારી સામે કરી દે, તો મારી બધી રાણીઓ તારી દાસી બની જશે.” કલ્પના કરો, વિશ્વવિખ્યાત બુદ્ધિશાળી રાવણ એક સ્ત્રીની એક નજર માટે આખું સામ્રાજ્ય ત્યજી દેવા તૈયાર છે! આ રાવણનું દર્શન આપણને વિચારવા મજબૂર કરે છે.
જાનકીજીનો જવાબ પણ અદભુત છે –
શ્યામ સરોજ દામ સમ સુંદર,
પ્રભુ ભુજ કરી કર સમ દસકંદર.
મારા પ્રભુના હાથ કમળની માળા જેવા સુંદર છે. રાવણ, તારા હાથ મારા કંઠ સુધી આવી શકે નહીં; જો કંઠમાં હાથ આવશે તો તે શ્યામ હાથવાળા રાઘવના જ આવશે. તારા વીસ હાથ હોવા છતાં રામની સામે તેની કોઈ કિંમત નથી.
મુદ્રિકા અને રામનામનું દર્શન
હનુમાનજી અશોકવાટિકામાં વિરહથી તપ્ત જાનકીજીને બચાવવા માટે રામનામ અંકિત મુદ્રિકા ફેંકે છે. ત્યારે તુલસીદાસજી લખે છે –
તબ દેખી મુદ્રિકા મનોહર,
રામનામ અંકિત અતિ સુંદર.
સુવર્ણ મુદ્રિકા મનોહર છે, પરંતુ તેમાં રામનામ અંકિત થતાં તે ‘સુંદર’ બની જાય છે. રામનામ જોડાતાં જ સૌંદર્યમાં પરમાર્થ ઉમેરાય છે. ‘સુંદર’ પરમાત્માનું એક નામ છે. એટલા માટે ભારતીય પરંપરામાં ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ની ચર્ચા થાય છે. આ બે પંક્તિઓને આધાર બનાવી કેનેડાની વ્યાસપીઠે માનસ સુંદરકાંડની કથા શરૂ કરી.
રામચરિતમાનસના સાત સોપાન – સાત દર્શન
બાલકાંડ – અવતાર દર્શન
પરમાત્માનું નિર્ગુણથી સગુણમાં અવતરણ. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર – પરમ તત્વ જ્યારે માનવરૂપે પ્રગટે, તેને અવતાર કહે છે.
અયોધ્યાકાંડ – આઘાત દર્શન
અચાનક આવતી મુશ્કેલી. રામને રાજના બદલે વનવાસ, દશરથનું મૃત્યુ, અને ભરતનો આઘાત.
અરણ્યકાંડ – આક્રમણ દર્શન
જયંત, શૂર્પણખા, ખરદૂષણ, રાવણ દ્વારા જાનકી અપહરણ અને જટાયુનું રાવણ પર આક્રમણ.
કિષ્કિંધાકાંડ – આદર્શ રાજનીતિ
સામ, દામ, દંડ, ભેદની નીતિ. વાલીના નિર્વાણમાં ભેદનીતિ અને સુગ્રીવ પ્રત્યે દંડનીતિ.
સુંદરકાંડ – આશ્વાસન દર્શન
અહીં દરેક એકબીજાને આશ્વાસન આપે છે. હનુમાનજી વાનરોને કહે છે – “દુઃખી ન થાઓ, હું પાછો આવીશ.” વિભીષણને કહે છે – “હું તો પશુ છું, છતાં પ્રભુની કૃપા થઈ; તો તારા પર કેમ નહીં?” ત્રિજટા જાનકીને આશ્વાસન આપે છે, હનુમાનજી પણ આપે છે – “થોડા દિવસમાં રામ આવશે.”
લંકાકાંડ – આદિભૌતિક વૈભવનું દર્શન
શક્તિ, સંપત્તિ અને વૈભવનો અતિરેક.
ઉત્તરકાંડ – આધ્યાત્મિક દર્શન
જીવનનો પરમ લક્ષ્ય – આત્મિક ઉન્નતિ.
પ્રથમ દિવસની કથા આ પ્રવાહી પરંપરા સાથે પૂર્ણ થઈ. પંચદર્શનના આ બીજ વાવાયા, જે આગળના દિવસોમાં ભક્તોના હૃદયમાં ફળશે.
હવે મારું ગુજરાતના સાચા
સમાચાર… બેધડક
તાજા સમાચાર આખો દિવસ
વાંચો ફ્રીમાં, માત્ર દિવ્ય ભાસ્કર એપ પર
QR કોડ સ્કેન કરીને દિવ્ય ભાસ્કર એપ
નિઃશુલ્ક ડાઉનલોડ કરો
👇👇👇👇👇👇👇👇👇
https://divya.bhaskar.com/TlgkscAUhYb

