
મિત્રો,
શુભ સવાર.
“પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં,
જલધિ લાંધી ગયે અચરજ નાહીં.”
હનુમાનજીએ જ્યારે રામનામની મુદ્રિકા પોતાના મુખમાં ધારણ કરી, ત્યારે અશક્ય લાગતું કાર્ય પણ સહજ બની ગયું. સમુદ્ર લાંઘવો કોઈ સામાન્ય વાત નથી, પરંતુ જ્યાં રામનામ છે ત્યાં અશક્ય શબ્દ પોતે જ અર્થહીન બની જાય છે. આ માત્ર એક ઐતિહાસિક કે પૌરાણિક ઘટના નથી, પરંતુ આપણા રોજિંદા જીવન માટેનું ગહન તત્ત્વજ્ઞાન છે.
હે ઈશ્વર,
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રણામ.
આજના સમયમાં આપણા ઘરોમાં ત્રણ પેઢીઓ એકસાથે રહેવાનો અવસર ક્યારેક સુખદ લાગે છે, તો ક્યારેક વિચારમંથનનો વિષય બની જાય છે. સંતાનો વિદેશમાં વસે, ડોલર અને યુરોમાં કમાય, અને સ્વાભાવિક રીતે રૂપિયા વેરતા હોય એમ ખર્ચ કરે — આ દૃશ્ય વડીલો માટે સરળતાથી પચાવી શકાય એવું નથી. આખી જિંદગી કરકસરને જીવનમંત્ર બનાવીને જીવેલા મન માટે આ પરિવર્તન સહેલું નથી. સરખામણીઓ થાય છે, સલાહો આપવામાં આવે છે, અને ક્યારેક તો આપણા માટે મોંઘી ભેટ લાવવામાં આવે ત્યારે આનંદ પણ થાય છે અને અંદરથી અચકાટ પણ.
આ સ્થિતિમાં સાચું શું છે અને ખોટું શું — એ બુદ્ધિથી નક્કી કરવું અઘરું બની જાય છે. કારણ કે નિત્ય સ્વાધ્યાય અને સત્સંગ વિના બુદ્ધિ સ્થિર રહેતી નથી. નરસિંહ મહેતા કહે છે તેમ, આપણે બધા ક્યાંક ને ક્યાંક “પૂર્ણ ભોગી” બની ગયાં છીએ. પરંતુ માત્ર ધન જ બાહ્ય જગતનું કારણ નથી; કામ, નામ, રામ અને ધામ — આ બધું તો આપણા અંદર અને આસપાસ જ વ્યાપેલું છે.
અયોધ્યામાં મંથરા હતી, અને લંકામાં ત્રિજટા હતી — એટલે એવું માનવાનું કોઈ કારણ નથી કે સારા લોકો માત્ર સારા સ્થળે જ હોય અને દુષ્ટતા માત્ર દુષ્ટ જગ્યાએ જ વસે. સાચું તો એ છે કે આપણું જીવન, આપણી દૃષ્ટિ પ્રમાણે જ સ્વરૂપ ધારણ કરે છે.
આ જ ચિંતન આપણને હનુમાનજીના અશોક વાટિકાના પ્રસંગ તરફ લઈ જાય છે. જ્યારે હનુમાનજી ત્યાં પહોંચે છે, ત્યારે અશોક વાટિકાનું દરેક વૃક્ષ પણ જાણે સીતા માતાની સાથે “રામ રામ” જપતું હોય — એવો કરુણ દૃશ્ય જોઈને તેમનું હૃદય દ્રવી જાય છે. માતા સીતાનું દુઃખ જોઈને હનુમાનજીનું મન વ્યાકુળ થઈ ઊઠે છે. એમને થાય છે કે જો પ્રભુ શ્રીરામની આજ્ઞા ન હોત, તો આ ક્ષણે જ આખી લંકાને ઉજાડી નાખીને માતા સીતાને લઈને પ્રભુ પાસે પહોંચી જાઉં.
પરંતુ હનુમાનજી માત્ર બળના પૂજારી નથી; તેઓ આજ્ઞાપાલન અને વિવેકના પ્રતિમૂર્તિ છે. તેઓ વિચાર કરે છે — જો આખું દુઃખ દૂર ન કરી શકું, તો ઓછામાં ઓછું માતાનું દુઃખ તો હળવું કરું. એ ક્ષણે તેમને પ્રભુ શ્રીરામે આપેલી મુદ્રિકા યાદ આવે છે.
હનુમાનજી રામનામ અંકિત એ મુદ્રિકા માતા સીતાના ચરણ પાસે મૂકે છે. કહેવા માટે તો એ એક નાની વીંટી હતી, પરંતુ સીતાજી માટે એ પ્રભુ શ્રીરામનું હૃદય હતું. હનુમાનજી માટે એ શક્તિનું સ્તોત્ર હતું, અને પ્રભુ શ્રીરામ માટે એ સાક્ષાત સીતા સ્વરૂપ હતી.
વીંટી જોઈને સીતાજી આશ્ચર્યચકિત થઈ જાય છે. પ્રથમ હર્ષ થાય છે — “પ્રભુ આવી ગયા!” પરંતુ તરત જ મનમાં શંકા જન્મે છે — “શું રાક્ષસોએ પ્રભુને મારીને આ વીંટી અહીં મૂકી છે?” પછી તરત જ વિચાર આવે છે — “નહીં, શ્રીરામ અજય છે, તેમને કોઈ જીતી શકતું નથી.” આ વિચારમંથનમાં મન ડોલી રહ્યું છે.
હનુમાનજી માતાનું દુઃખ વધે એવું નથી ઈચ્છતા. તેઓ વૃક્ષની નીચલી ડાળ પરથી મધુર સ્વરે શ્રીરામના ગુણગાન ગાવા લાગે છે. રામનામ, રામકથા અને રામકીર્તન સાંભળતાં જ સીતાજીના હૃદયમાં આનંદની લહેર દોડે છે. તેઓ ઉપર નજર કરીને કહે છે — “હે ભાઈ, તું જે કોઈ હો, પ્રગટ થા.”
ત્યારે હનુમાનજી હાથ જોડીને વિનમ્રતાપૂર્વક કહે છે —
“માતાજી, હું હનુમાન છું, પ્રભુ શ્રીરામનો દૂત. આ વીંટી હું જ લાવ્યો છું.”
આ સાંભળતાં જ સીતાજીની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવે છે. તેઓ રામજીની વીંટી હૃદયસર ચાંપીને કહે છે —
“હે વીર હનુમાન! વિરહના સમુદ્રમાં ડૂબતી મને, તેં વહાણ બનીને તારી છે.”
પરંતુ માતાનું હૃદય હજુ પણ વ્યાકુળ છે. તેઓ પૂછે છે — “મને રામના દર્શન ક્યારે થશે? શું એ મને યાદ કરે છે?” હનુમાનજી શબરીથી સુગ્રીવ સુધીની આખી કથા કહે છે અને કહે છે કે પ્રભુ શ્રીરામ પણ આપના વિયોગમાં એટલાં જ તડપી રહ્યા છે.
જ્યારે સીતાજી વાનરોની શક્તિ અંગે શંકા વ્યક્ત કરે છે, ત્યારે હનુમાનજી પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવે છે, પરંતુ તરત જ સ્પષ્ટ કરે છે કે આ શક્તિ તેમની નથી — આ બધું પ્રભુ શ્રીરામની કૃપાનો પ્રતાપ છે.
આ જ ભાવ હનુમાન ચાલીસાની પંક્તિઓમાં પ્રતિબિંબિત થાય છે —
“દુર્ગમ કાજ જગત કે જેતે,
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે.”
આપણા જીવનમાં પણ કેટલીય મુશ્કેલીઓ સમુદ્ર જેવી વિશાળ લાગે છે. પરંતુ જો રામનામની મુદ્રિકા — એટલે કે ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ — આપણા અંતરમાં સ્થિર થઈ જાય, તો એ મુશ્કેલીઓ પણ સહજ બની જાય છે.
હનુમાનજીનું જીવન આપણને શીખવે છે કે અહંકાર વિના કાર્ય કરવું અને સફળતાનો શ્રેય ઈશ્વરને અર્પણ કરવો — એ જ સાચી ભક્તિ છે. આપણે તો નાની નાની સિદ્ધિઓમાં “હું” અને “મારું”માં અટવાઈ જઈએ છીએ.
જો કળીયુગને સતયુગમાં પરિવર્તિત કરવો હોય, તો એક જ ઉપાય છે — રામનામ. પરંતુ એ નામ પ્રેમ, નિષ્ઠા અને વિશ્વાસ સાથે લેવો પડશે. માત્ર જપથી નહીં, પરંતુ જીવનમાં ઉતારીને.
આજે પ્રભુએ આપણને જીવન આપ્યું છે — એનો અર્થ એ જ છે કે હજી પણ ભક્તિના સુંદરકાંડમાં પ્રવેશ કરવાનો અવસર છે. આવો, આપણે સૌ મળીને એવો સંકલ્પ કરીએ કે હનુમાનજી જેવી નિષ્ઠા અને દાસભાવ સાથે જીવન જીવીએ, અને આપણા અંતરમાં રામરાજ્ય સ્થાપિત કરીએ.
આવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વરચરણે અર્પણ કરીને, હું મારા શબ્દોને અહીં વિરામ આપું છું.
ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે.
સ્નેહ વંદન… જય સીયારામ.
— લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
રામનામ છે ત્યાં અશક્ય શબ્દ પોતે જ અર્થહીન બની જાય છે. આ માત્ર એક ઐતિહાસિક કે પૌરાણિક ઘટના નથી, પરંતુ આપણા રોજિંદા જીવન માટેનું ગહન તત્ત્વજ્ઞાન છે.
Published:

